શું BJP ગુજરાતમાં કોંગ્રેસને ખાલી કરી નાંખશે? વધુ એક નેતા ભાજપમાં જશે

PC: divyabhaskar.co.in

લાગે છે કે ગુજરાત ભાજપની તોડફોડ ટીમ જબરદસ્ત સક્રીય થઇ ગઇ છે. ગુજરાત મૂક્ત કોંગ્રેસની દિશામાં ભાજપનું પગલું જોવા મળી રહ્યું છે. હજુ તો થોડા દિવસો પહેલાં જ કોંગ્રેસના 2 ધારાસભ્યોના રાજીનામા પછી અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પણ રાજીનામું ધરી દીધું છે અને સોમવારે ભાજપમાં જોડાવવાની જાહેરાત પણ કરી દીધી છે. અત્યારે ભાજપમાં ભરતી મેળો ચાલતો હોય તેવું લાગી રહ્યું છે.

તાજેતરમાં કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય અને વિજાપુરના ધારાસભ્યએ રાજીનામા ધરી દીધા હતા. હવે અમદાવાજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળવંત ગઢવીએ પણ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદ સહિતના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. મીડિયા સાથેની વાતચીતમાં બળવંત ગઢવીએ કહ્યું કે, હા, મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને સોમવારે હું ભાજપમાં જોડાવવાનું છે.

મીડિયાએ જ્યારે બળવંત ગઢવીને રાજીનામાનું કારણ પુછ્યું તો તેમણે કહ્યું હતું કે,હું ગઢવી સમાજમાંથી આવું છું અને અમારી જે જ્ઞાતિ છે તે ધર્મ, સંસ્કૃતિ, રાષ્ટ્રવાદ અને દેશભક્તિમાં માનનારી છે. તાજેતરમાં કોંગ્રેસ હાઇ કમાન્ડે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં નહીં જવાનો નિર્ણય કર્યો અને પછી એમ કીધું કે, કોંગ્રેસના કાર્યકરો ઇચ્છે તો અયોધ્યા જઇ શકે છે.

બળવંત ગઢવીએ કહ્યું કે,આના પરથી મને એવું લાગ્યું કે પાર્ટી હવે દિશા વિહિન થઇ છે અને એટલે આવી પાર્ટીમાં રહેવાનો કોઇ મતલબ નથી. તેમણે કહ્યું કે, હું એકલો ભાજપમાં નથી જવાનો મારા 250 કાર્યકરોને લઇને જવાનો છું.

બીજી તરફ કોંગ્રેસના OBC મોર્ચાના પ્રમુખ ઘનશ્યામ ગઢવીએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં આમ પણ કોંગ્રેસનો ભારે રકાસ થયો હતો અને દેશની મોટી પાર્ટી ગણાતી કોંગ્રેસે ગુજરાતમાં માત્ર 17 બેઠકો જીતી હતી. તેમાંથી 2 ધારાસભ્યોના રાજીનામાને કારણે હવે 15 જ બચ્યા છે.

ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો છે અને ભાજપ છેલ્લી બે લોકસભાથી આ બધી સીટો જીતી રહી છે. છતા ભાજપ આ વખતે પણ વધારે માર્જિન સાથે બેઠકો જાળવી રાખવા કમરકસી છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અને પાવરફુલ નેતાઓને તોડી પાડવા માટં 5 સભ્યોની ટીમ બનાવી છે. આ ટીમ કોંગ્રેસના નેતાઓને ખેરવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp