50%થી વધુ સ્ટાફ બોલાવતી અમદાવાદની વધુ 2 ઓફિસ સીલ, કુલ 3016 એકમોનું કરાયુ ચેકિંગ

PC: divyabhaskar.co.in

મહાનગરમાં સંક્રમણની ચેઈન તોડવા માટે તંત્રએ કેટલાક આકરા પગલાં લીધા છે. શહેરમાં એકઠી થતી ભીડવાળી જગ્યાઓ તથા 50 ટકાથી વધારે જ્યાં સ્ટાફને બોલાવાયો છે એ એકમો કોર્પોરેશને સીલ કરી દીધા છે. કોર્પોરેટ ઓફિસમાં 50 ટકા સ્ટાફ સાથે જ કામ ચાલુ રાખવા માટે સ્પષ્ટ આદેશ હોવા છતા કેટલાક એકમોએ મનમાની કરી હતી. જેની સામે અમદાવાદ કોર્પોરેશને પગલાં લીધા છે.

અમદાવાદ કોર્પોરેશનના ટેક્સ વિભાગની ટીમ તરફથી સોમવારે જુદી-જુદી જગ્યાએ સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. કુલ 239 જેટલી ઓફિસમાં ગાઈડલાઈન્સ અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા કેશવબાગ પાર્ટી પ્લોટ પાસે રત્નકાર 9 સ્ક્વેર બિલ્ડિંગમાં ઈનસાઈટ ક્રાફ્ટ તથા જેમ્સ ડિજિટલ મીડિયા નામની બે કંપનીમાં 50 ટકાથી વધારે સ્ટાફ હોવાનું જાણવા મળતા ઓફિસ સીલ કરી દેવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશનના ટેક્સ વિભાગ તરફથી શહેરમાં જુદી જુદી ખાનગી ઓફિસમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં તંત્રએ કુલ 3016 કોર્પોરેટ-ખાનગી ઓફિસનું ચેકિંગ કર્યું છે. અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા કોર્પોરેટ રોડ પરના મેઘમણી હાઉસમાં તથા વસ્ત્રાલની વીરા ગોલ્ડ સહિત 36 એકમોમાં 50 ટકાથી વધારે સ્ટાફ હોવાનું જાણવા મળ્યું હતું. તેથી એ તમામ એકમ સીલ કરી દેવામાં આવ્યા છે. આ પહેલા મણીનગર વિસ્તારમાં આવેલા હ્યુંડાઈનો શૉરૂમ, સાયન્સ સિટી રોડ પર આવેલા ઈન્ગીયોલ પ્રોજેક્ટ, રતનપોળમાં આવેલા જે.એમ.મકવાણા જેવા મોટા એકમને સ્ટાફના મુદ્દે સીલ કરી દેવાયા છે.

અમદાવાદ કોર્પોરેશનના ટેક્સ વિભાગની સંયુક્ત ટીમ આગામી સમયમાં પણ જુદા જુદા વિસ્તારમાં આ પ્રકારની કામગીરી યથાવત રાખશે. નિયમથી વિરૂદ્ધ કોઈ એકમ જોવા મળશે એ એકમને સીલ કરી દેવામાં આવશે. અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલા સ્ટાર બજાર મોલને પણ ટેક્સ વિભાગ તથા AMTS વિભાગની ટીમે સીલ કરી દીધો હતો. જ્યાં 50 ટકાથી વધારે સ્ટાફ જોવા મળ્યો હતો. અમદાવાદમાં વધી રહેલા પોઝિટિવ કેસને કાબુમાં લેવા માટે અનેક પાસાઓ પર પ્રયત્નો થઈ રહ્યા છે. તંત્રની ટીમ દરરોજ જુદા જુદા વિસ્તારમાં સર્વે કરીને આ પ્રકારની કામગીરી કરી રહી છે. જોકે, બાપુનગર, વસ્ત્રાલ તથા નરોડા વિસ્તારના વેપારીઓ હજુ પણ વીકએન્ડમાં સ્વૈચ્છિક રીતે લોકડાઉન પાળે છે. બે દિવસ દુકાન બંધ રાખીને સંક્રમણની ચેઈન તોડવા સાથ સહકાર આપે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp