ગાય-ભેંસને બદલે ગધેડી પાળીને ખેડૂત બન્યો અમીર, દર મહિને રૂ.3 લાખ સુધીની કમાણી

PC: aajtak.in

તમે ખેડૂતોને ગાય અને ભેંસ પાળીને સારી કમાણી કરતા જોયા હશે. તમે ભાગ્યે જ જોયું હશે કે સાંભળ્યું હશે કે એક ખેડૂત ગધેડી ઉછેરથી દર મહિને લાખોની કમાણી કરે છે. મોટાભાગના લોકો માલસામાન વહન કરવા માટે જ પ્રાણીઓનો ઉપયોગ કરે છે. વિશ્વભરના ઘણા પશુપાલકો તેનાથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. દુનિયામાં ગધેડીનું દૂધ સૌથી મોંઘુ વેચાય છે.

ગુજરાતના પાટણ જિલ્લાના નાનકડા ગામ મણુંદનો રહેવાસી ધીરેન સોલંકી સરકારી નોકરીની શોધમાં હતો. નોકરી મેળવવામાં નિષ્ફળતા પછી, તેણે ગધેડા ઉછેર કરવાનું નક્કી કર્યું. દક્ષિણ ભારતમાંથી આ અંગેની માહિતી મળી. ત્યાર પછી લગભગ 8 મહિના પહેલા તેણે પોતાના ગામમાં 22 લાખના ખર્ચે નાની જમીન લઈને 20 ગધેડા સાથે ગધેડી ઉછેરનો પ્રારંભ કર્યો હતો.

ગુજરાતમાં ગધેડીના દૂધનું મહત્વ ન હોવાને કારણે ધીરેનને 5 મહિના સુધી કોઈ આવક ન થઈ. પછી તેને ખબર પડી કે, દક્ષિણ ભારતમાં ગધેડીના દૂધની સૌથી વધુ માંગ છે. ધીરેને દક્ષિણ ભારતની કેટલીક કંપનીઓનો સંપર્ક કર્યો. આ પછી, ધીમે ધીમે દૂધનો પુરવઠો કર્ણાટક અને કેરળ જેવા રાજ્યોમાં મોકલવામાં આવ્યો.

કોસ્મેટિક્સ કંપનીઓમાં ગધેડીના દૂધની ખૂબ માંગ છે. તેનું 1 લીટર 5000 થી 7000 રૂપિયામાં વેચાય છે. આ દૂધમાંથી બનેલો પાવડર વિદેશમાં 1 લાખથી 1.25 લાખ રૂપિયામાં વેચાય છે. દૂધ બગડી ન જાય તે માટે તેને બહાર કાઢ્યા પછી તરત જ ફ્રીઝરમાં રાખવું પડતું હોય છે. પછી તેને અન્ય સ્થળોએ લઈ જવામાં આવે છે.

ગધેડીના દૂધ વિશે વાત કરીએ તો, તેની પ્રોટીન રચના અને હાઇપોઅલર્જેનિક ગુણધર્મો તેને માનવ દૂધનો આદર્શ વિકલ્પ બનાવે છે. જો ગાયના દૂધ સાથે સરખામણી કરવામાં આવે તો, ગધેડીના દૂધમાં 9 ગણું વધુ ટૌરિન હોય છે. તે એક મહત્વપૂર્ણ પોષક તત્વ છે, જે શિશુમાં વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. એવું માનવામાં આવે છે કે, 19મી સદીની શરૂઆતમાં ગધેડીનું દૂધ શિશુઓ અને બીમાર બાળકોને પીવા માટે આપવામાં આવતું હતું.

યુરોપ અને આફ્રિકાના ઘણા દેશોમાં ગધેડીનું દૂધ માન્ય છે. તે ખૂબ જ પાતળું અને સફેદ હોય છે. તેનો સ્વાદ મીઠો હોય છે. તેની ઉચ્ચ પોષક સામગ્રીને કારણે, તેનો ઉપયોગ ઔષધીય રીતે પણ થાય છે. તેનો ઉપયોગ સંધિવા, ઉધરસ, સર્જિકલ ઘા, અલ્સર વગેરેના ઉપચાર માટે થાય છે. ફ્રાન્સ અને ઈટાલીમાં પણ ગધેડીના દૂધમાંથી સાબુ બનાવવામાં આવી રહ્યો છે.

ધીરેનના ફાર્મમાં આજે 42 ગધેડી છે. તેણે તેમાં અંદાજે 38 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. સરેરાશ, 1 ગધેડી 800 ml દૂધ આપે છે. ધીરેન વેબસાઈટ દ્વારા પણ પોતાનો બિઝનેસ કરે છે. આમાંથી તેઓ દર મહિને 2 થી 3 લાખ રૂપિયાની કમાણી કરે છે. ભારતમાં પણ ગધેડા ઉછેરની ઘણી સંભાવનાઓ છે. આ દ્વારા ખેડૂતો તેમની આવકમાં વધારો કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp