બિપરજોય વાવાઝોડા વખતે PM મોદી રાતના 1 સુધી શું કરતા હતા, અમિત શાહે જણાવ્યું

PC: Khabarchhe.com

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતના ભુજથી માંડવી અને જખૌ સુધી ચક્રવાત પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. માંડવીમાં, કેન્દ્રીય ગૃહ મંત્રીએ સિવિલ હૉસ્પિટલની મુલાકાત લીધી જ્યાં ચક્રવાત ત્રાટકે તે પહેલાં ગર્ભવતી મહિલાઓને લાવવામાં આવી હતી.

અમિત શાહે હૉસ્પિટલના વૉર્ડ્સની મુલાકાત લીધી અને ગર્ભવતી મહિલાઓ તેમજ એ મહિલાઓ સાથે વાત કરી હતી જેમણે ચક્રવાત દરમિયાન જન્મ બાળકોને જન્મ આપ્યો હતો. શાહે એક ગામની પણ મુલાકાત લીધી અને એવા ખેડૂતોને મળ્યા કે જેમના પાકને ચક્રવાતને કારણે નુકસાન થયું છે.

ભુજમાં જ એક પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે 140 કિમી પ્રતિ કલાકની ઝડપવાળા ચક્રવાત બિપોરજોયમાં એક પણ વ્યક્તિનો જીવ નથી ગયો, તે ખૂબ જ સંતોષની વાત છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગૃહ મંત્રાલય, ગુજરાત સરકાર અને તમામ એજન્સીઓને સતત માર્ગદર્શન આપ્યું અને ઓછાંમાં ઓછાં નુકસાન સાથે આ આપત્તિમાંથી બહાર આવવું એ ટીમ વર્કનું એક ઉત્તમ ઉદાહરણ છે.

અમિત શાહે જણાવ્યું હતું કે PM મોદીના નેતૃત્વ હેઠળની ભારત સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રીનાં માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે સમગ્રતાની સાથે મળીને બિપોરજોયનો સામનો કર્યો છે. તેમણે કહ્યું કે એક પણ માનવ મૃત્યુ ન થવું એ સમગ્ર તંત્રની સફળતા દર્શાવે છે અને સમયસર માહિતીનો ઉપયોગ કેવી રીતે કરવો તે આપણા માટે એક ઉદાહરણ છે.

અમિત શાહે ચક્રવાત પહેલા અને તે દરમિયાન કરવામાં આવેલી તૈયારીઓ અને વ્યવસ્થાઓ માટે ગુજરાત સરકારની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, ગુજરાત સરકારે સમયસર મળેલી માહિતીનો ઉપયોગ જાનમાલને બચાવવા માટે કેવી રીતે કરી શકાય તેનું એક ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. ગુજરાત સરકારે સરકારી વિભાગો, જનપ્રતિનિધિઓ, સ્થાનિક લોકો અને સ્વૈચ્છિક સંસ્થાઓનાં સંપૂર્ણ યોગદાન સાથે ચક્રવાત પર એનડીએમએની માર્ગદર્શિકાનો સંપૂર્ણ અમલ પણ કર્યો.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે 6 જૂને ચક્રવાત બિપોરજોયના સમાચાર આવ્યા બાદ તરત જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર અને રાજ્ય સરકારોની તમામ એજન્સીઓની સમીક્ષા કરી હતી. અમિત શાહે જણાવ્યું હતું કે, સમગ્ર તંત્રને એલર્ટ કરવા અને તમામ વ્યવસ્થા ચુસ્ત રાખવા માટે પ્રધાનમંત્રી મોદીએ પોતે રાતના એક વાગ્યા સુધી પરિસ્થિતિ પર નજર રાખી હતી. તેમણે કહ્યું કે અનેક સ્તરે સમીક્ષા બેઠકો યોજવામાં આવી હતી અને તમામ એજન્સીઓ વચ્ચે માહિતીનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું, જેનાં પરિણામે આપણે સતર્કતા સાથે અને જનતાના સહકારથી ઓછાંમાં ઓછાં નુકસાન સાથે આ આપત્તિમાંથી બહાર આવવામાં સફળ થયા છીએ.

અમિત શાહે કહ્યું કે તોફાનમાં માત્ર 47 લોકોને નાની-મોટી ઈજાઓ થઈ અને 234 પશુઓ મૃત્યુ પામ્યાં. તેમણે કહ્યું કે વાવાઝોડાંને જોતા 3400 ગામોમાં વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો, જેમાંથી 24 કલાકથી ઓછા સમયમાં 1600 ગામોમાં પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે અને 20મીની સાંજ સુધીમાં તમામ ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે તોફાન ત્રાટકે તે પહેલા જ 1206 ગર્ભવતી મહિલાઓને સંવેદનાની સાથે સુરક્ષિત રીતે હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને તે તમામ મહિલાઓએ તેમને આપવામાં આવેલી સુવિધાઓ પર સંતોષ વ્યક્ત કર્યો છે.

અમિત શાહે કહ્યું કે આ આફત દરમિયાન 707 સફળ પ્રસૂતિ થઈ છે. આ ઉપરાંત, કુલ 1,08,208 નાગરિકો અને 73,000 પશુઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. અમિત શાહે જણાવ્યું હતું કે 3,27,890 વૃક્ષોની સમયસર કાપણી કરવામાં આવી હતી જેથી વાવાઝોડા દરમિયાન ભારે પવનને કારણે તે પડે નહીં. તમામ જિલ્લાઓમાં સમયસર કુલ 4317 હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે લગભગ 21,585 બોટને સમયસર દરિયામાંથી બહાર કાઢવામાં આવી હતી અને એક લાખથી વધુ માછીમારોને કિનારે લાવીને એમના જીવ બચાવવાનું કામ કરવામાં આવ્યું.

એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા કરવામાં આવેલી કામગીરીની પ્રશંસા કરતા કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે એનડીઆરએફની 19 બટાલિયન, એસડીઆરએફની 13 બટાલિયન અને 2 રિઝર્વ બટાલિયનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકોનો જીવ બચાવવાનું કામ કર્યું. તેમણે કહ્યું કે આર્મી, નેવી, એરફોર્સ, કોસ્ટ ગાર્ડ, બીએસએફ, સ્ટેટ રિઝર્વ પોલીસ અને રાજ્ય પોલીસે NDRF અને SDRF સાથે સંપૂર્ણ સંકલનમાં કામ કર્યું.

અમિત શાહે જણાવ્યું હતું કે હાલમાં 1133 ટીમો વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં લાગેલી છે અને આવતી કાલથી વધુ 400 ટીમો કાર્યરત થશે. તેમણે કહ્યું કે મીઠાના પ્લાન્ટમાં ઘણા મજૂરો હતા જેમને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા.

અમિત શાહે એમ પણ કહ્યું હતું કે તમામ એજન્સીઓ દ્વારા ચક્રવાત બિપોરજોયની ચેતવણીથી લઈને અત્યાર સુધીની કરવામાં આવેલી કાર્યવાહી અંગે એક દસ્તાવેજ તૈયાર કરવો જોઈએ જેથી કરીને આપત્તિનો સામનો કરવામાં મળેલી અદ્‌ભૂત સફળતા દરેક રાજ્ય સુધી પહોંચાડી શકાય. ભવિષ્યમાં આવનારી કુદરતી આફતોનો સામનો કરવા માટે એક ઉદાહરણ સાબિત થઈ શકે છે, તેથી તેને સાફલ્ય ગાથા તરીકે દેશભરમાં પ્રચાર અને પ્રસારિત થવો જોઈએ. ગૃહ મંત્રીએ ચક્રવાતી તોફાન બિપોરજોયનો સફળતાપૂર્વક સામનો કરવા બદલ રાજ્ય અને કેન્દ્ર સરકારની તમામ એજન્સીઓ, અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસા કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વતી એ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp