ગાંધીનગર બેઠક ઉપરથી અડવાણી નહીં અમિત શાહ લડી શકે છે, કારણ શું છે

PC: zeenews.com

લોકસભાની ગુજરાતની 26 બેઠકો ઉપર કોણ ચૂંટણી લડશે તેવી સંભવીત યાદી તૈયારી થઈ ચૂકી છે. જો કે તેમાં 25 બેઠકો માટે સંભવીત ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે ગાંધીનગર બેઠક ઉપર કોણ ચૂંટણી લડશે તેનો નિર્ણય કેન્દ્રીય નેતાગીરી ઉપર સોંપવામાં આવ્યો છે. સૂત્રોની જાણકારી પ્રમાણે ગાંધીનગર બેઠક ઉપરથી હવે લાલકૃષ્ણ અડવાણી ચૂંટણી નહીં લડે, પણ તેમના સ્થાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ચૂંટણી લડાવવામાં આવશે. જો કે ગાંધીનગરની બેઠક ઉપર લાલકૃષ્ણ અડવાણીની દીકરી તેમજ આનંદીબહેન પટેલની દીકરીના નામની અટકળો પણ થઈ રહી છે. પરંતુ આ તમામ નામો ઉપર ચોકડી મારી ખુદ અમિત શાહ જ લોકસભાના મેદાનમાં આવે તેવા અણસાર મળી રહ્યા છે.

લાલકૃષ્ણ અડવાણીએ 2014માં નરેન્દ્ર મોદીને દિલ્હી તરફ કુચ કરતા અટકાવવા માટે જે કઈ પ્રયાસો કર્યા તેનાથી નરેન્દ્ર મોદી સારી રીતે વાકેફ છે અને નરેન્દ્ર મોદીના શબ્દકોષમાં માફી નામનો શબ્દ નથી. 2014માં લોકસભાની ચૂંટણી જીત્યા બાદ નરેન્દ્ર મોદી અને અમિત શાહે જે પ્રકારે લાલકૃષ્ણ અડવાણી અને તેમના જુથને હાંસીયામાં ધકેલી દીધુ તેનાથી સમગ્ર પાર્ટી વાકેફ છે. આ પ્રકારના સંબંધોને ધ્યાનમાં લેતા લાલકૃષ્ણ અડવાણીને ગાંધીનગર લોકસભા ટિકિટ મળવાના કોઈ આશાર નથી, જેના કારણે ગાંધીનગર બેઠક ઉપર ટિકિટ મેળવવાની ઈચ્છા ભાજપના ઘણા સિનિયર નેતાઓને છે, પરંતુ અમિત શાહના નામની ચર્ચા નીકળતા હવે કોઈ જાહેરમાં ગાંધીનગર બેઠકનો ઉલ્લેખ કરતા નથી.

સૂત્રોની જાણકારી પ્રમાણે અમિત શાહ ખુદ ગાંધીનગર બેઠક ઉપર ચૂંટણી લડે તેવી પૂરી શક્યતા છે. આ શકયતા પાછળનો તર્ક એવો છે કે ચૂંટણી લડવા માટે જે તે ઉમેદવાર ત્યાંનો મતદાર હોવો જરૂરી છે. અને તાજેતરમાં અમિત શાહ દ્વારા તેઓ ગાંધીનગર લોકસભા વિસ્તારનાં ઉમેદવાર છે, તેવુ પ્રમાણપત્ર કલેક્ટર ઓફિસમાંથી મેળવ્યુ હતું. જો અમિત શાહ લોકસભા લડવાના ના હોત તો હાલમાં તેમણે આ પ્રમાણપત્ર લેવાની જરૂરીયાત ઉભી થતી નહીં. આ ઉપરાંત ગુજરાતમાં ભાજપે કોંગ્રેસમાં ઘણી તોડફોડ કરી છે. છતા 26 બેઠકો જાળવી રાખવી મુશ્કેલ છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહના હોમગ્રાઉન્ડમાં ગાબડુ પડે તે મંજૂર નથી, પણ જો અમિત શાહ ગાંધીનગરમાંથી ચૂંટણી લડતા હોય તો માહોલ બદલાઈ શકે છે, જેના કારણે અમિત શાહ ચૂંટણી લડે તેવી પૂરી સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp