અમિત શાહે કહ્યું- મેં અનેકવિધ સામાજિક-રાજકીય જવાબદારીઓ સંભાળી પણ આત્મ સંતોષ...

PC: facebook.com/amitshahofficial

ગાંધીનગર લોકસભા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે 28મી નવેમ્બરના રોજ ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એશિયાની સૌથી વિશાળ ડેરી અમુલ ફેડ ગાંધીનગર ખાતેના 150 મેટ્રિક ટન પ્રતિ દિવસની ક્ષમતાના દૂધ પાવડર પ્લાન્ટ, બટર પ્લાન્ટ તેમજ ઓટોમેટીક રોબોટિક સ્ટોરેજ અને રેટ્રીવલ સિસ્ટમનું લોકાર્પણ તથા અદ્યતન પેકેજીંગ પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 

અમિત શાહે તેમના ઉદબોધનમાં કહ્યું હતું કે તે દિશામાં 280 કરોડના ખર્ચે દૂધ પાવડર અને બટર પ્લાન્ટ, ઓટોમેટીક રોબોટિક સ્ટોરેજ, આધુનિક રેટ્રિવલ સિસ્ટમ અને 50 કરોડના ખર્ચે પોલી ફિલ્મ પેકિંગ પ્લાન્ટનું લોકાર્પણ થયું છે જેના પરિણામે અમુલ વધુ વિકસિત અને વ્યાપક બનશે. તેઓએ કહ્યું કે અમૂલના ત્રણ અંગો મહત્ત્વના છે, 18 હજાર ગામડાઓમાં દૂધ ઉત્પાદકો, આ દૂધની પ્રોસેસિંગ અને માર્કેટિંગ પ્રણાલી અને દૂધ ઉપભોક્તાઓ. આ ત્રણેય મહત્ત્વના અંગોનું સશકિતકરણ આ લોકર્પિત થયેલ પ્રકલ્પોના માધ્યમથી થયું છે.

અમિત શાહે અહીં આમંત્રિત કરવા બદલ અમુલ ફેડના ચેરમેન અને વાઇસ ચેરમેનનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે 130 કરોડ આબાદી ધરાવતા ભારત જેવા વિશાળ દેશમાં સર્વસ્પર્શી સર્વસમાવેશક વિકાસ પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચાડવો અત્યંત કઠિન છે. આ વિકાસની પ્રક્રિયાને વ્યાપક બનાવવા આપણા દેશમાં કયું આર્થિક મોડેલ અનુકૂળ રહેશે તે સમજવું અત્યંત જરૂરી હતું. આ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ સહકારી ક્ષેત્રનું આર્થિક મોડલ તેઓએ લાગુ કર્યું . આ દિશામાં જ આગળ વધવા અને કરોડો લોકો આર્થિક રીતે સક્ષમ અને સમૃદ્ધ બને તેવા શુભ હેતુ સાથે કેન્દ્રમાં નવા સહકાર મંત્રાલયની સ્થાપના કરવામાં આવી. તેઓએ કહ્યું કે સહકારીતાનો વિચાર નવો નથી, આદરણીય સરદાર પટેલ અને ત્રિભોવન પટેલે શોષણ સામે અવાજ ઉઠાવવા સહકારી સંસ્થાઓની સ્થાપના કરી અને આજે જોત જોતાંમાં આ આંદોલન 36 લાખ પરિવાર અને 18 હજાર ગામડાઓ સુધી વિસ્તર્યું. સમગ્ર દેશની દૂધની જરૂરિયાત અમુલ પૂરી કરી રહ્યું છે ત્યારે આપણે ચોક્કસપણે કહી શકીએ કે અમુલ એ ગુજરાતનું ગૌરવ છે.

અમિત શાહે ઉમેર્યું હતું કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સહકારિતા મંત્રાલયની સ્થાપના કરી ત્યારે અનેક લોકોએ પ્રશ્નો ઉભા કર્યા હતા. આ મંત્રાલયની જવાબદારી મને મળી તે મારા માટે અત્યંત હર્ષ અને ગૌરવની વાત હતી. આજે સહકારીતા મંત્રાલયના માધ્યમથી દેશના અર્થતંત્રને સક્ષમ અને લોકોને સમૃદ્ધ બનાવવાની દીશામાં નક્કર પ્રયત્નો થઈ રહ્યા છે. તેઓએ કહ્યું કે સમાજમાં એવી ઘણી બધી મહિલાઓ છે જેના સહકારી ક્ષેત્રે જોડાવાના પરિણામે તેઓ પરિવારની આર્થિક ઉન્નતિમાં સહભાગી બનવાની સાથે સાથે પરિવારમાં અત્યંત મહત્ત્વનું સ્થાન પણ ધરાવે છે. સૌ એક સાથે મળીને આગળ વધીએ તો એક ખૂબ મોટી શકિત અને કાર્ય સંસ્કૃતિનું નિર્માણ કરી શકીએ છીએ તે જ સહકારીતાનો મૂળ મંત્ર છે.

અમિત શાહે અમૂલના સ્ત્રી સશક્તિકરણના પ્રયાસને બિરદાવતા કહ્યું હતું કે સ્ત્રી સશક્તિકરણનું જો કોઈ સૌથી ઉત્તમ ઉદાહરણ હોય તો તે અમુલ છે. અમૂલના પરિણામે સ્ત્રીઓ આત્મ નિર્ભર બની છે અને ઘણા પરિવારોમાં તે આર્થિક ઉપાર્જન દ્વારા સહાયભૂત પણ બની રહી છે. સ્ત્રી સશક્તિકરણ માટે સહકારી ક્ષેત્ર પોતાનું અનન્ય યોગદાન આપી શકે છે તે વાત અમુલે સાબિત કરી બતાવી છે. અમુલ વિના ભારતની દૂધની જરૂરિયાતો પૂર્ણ કરવી લગભગ અસંભવ છે. અમુલ આજે અનેક રાજ્યોમાં વિસ્તર્યું છે અને સાથે-સાથે પશુપાલકોને દૂધના ઉજડા મળી રહે અને ઉપભોક્તાઓને ઉત્તમ ગુણવત્તાની પ્રોડક્ટ મળી રહે તે દિશામાં પણ ખૂબ પ્રશંસનીય કામગીરી કરી છે.

અમિત શાહે કહ્યું હતું કે રસાયણિક ઉર્વરકના અતિશય ઉપયોગના કારણે આજે જમીનોની ફળદ્રુપતા, ઉત્પાદકતા ઘટવાની સાથે લોકોમાં કેન્સર જેવી બીમારીઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જયારે બીજી બાજુ ઓર્ગેનિક અને કુદરતી ખેતી દ્વારા ભૂમિ, જળ અને શરીર બધાને બચાવી શકાય છે.તેઓએ કહ્યું કે વર્તમાન સમયમાં બે લાખ જેટલા કિસાનો ઓર્ગેનિક અને કુદરતી ખેતીને અનુસરી રહ્યા છે. આજે દેશ અને દુનિયામાં ઓર્ગેનિક ઉત્પાદનોની ખૂબ જ માંગ વધી રહી છે, આ દિશામાં માર્કેટિંગ ચેઇન, સંશાધનોની યોગ્ય પ્રણાલી સ્થાપિત કરવામાં આવે તો ઉત્પાદકોને સક્ષમ ભાવ મળી રહે અને ઉપભોક્તાને ગુણવતા સભર ઉત્પાદનો મળી રહે. આ માટે ઠોસ પગલાં લેવાય તે સમયની માંગ પણ છે.

અમિત શાહે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષને સંકલ્પ વર્ષ તરીકે ઘોષિત કર્યું છે. આગામી 25 વર્ષ બાદ આપણે જ્યારે શતાબ્દી ઉજવી રહ્યા હોઈશું ત્યારે દેશ ક્યાં હશે તે માટેના સંકલ્પો માટેનું આ વર્ષ છે. અમુલ પણ 25 વર્ષ બાદ સમાન સ્થિતિમાં હશે ત્યારે તેના માટેની બ્લુ પ્રિન્ટ, ભવિષ્યના આયોજન રચાય તે દિશામાં નવા આયામ કાર્યરત થાય તે માટેના સંકલ્પ જરૂરી છે. તેઓએ કહ્યું કે ઇફકો, ક્રુભકો અને લિજ્જત પાપડ સહિતના સહકારી ક્ષેત્રના સફળ મોડેલ આપણી સમક્ષ મોજૂદ છે. આવા વધુ ને વધુ મોડેલ બને અને વધુ લોકો તે છત્ર હેઠળ આવે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે તે આવશ્યક છે. ગુજરાત સહકારી આંદોલનનું કેન્દ્ર બની શકે તેમ છે. તેઓએ કહ્યું કે મે વિદ્યાર્થી કાળથી અનેકવિધ જવાબદારીઓ સંભાળી પણ આત્મ સંતોષ સહકારી ક્ષેત્ર સાથે જોડાયા બાદ મળ્યો. અનેક લોકોને જોડીને પ્રચંડ શક્તિનું નિર્માણ અને પરિપાક સ્વરૂપે સર્વેનું કલ્યાણ સહકારી ક્ષેત્રમાં જ સંભવી શકે છે.

અમિત શાહે ઉપસ્થિત સૌ અને અમૂલના ફેડના સંચાલક મંડળને આગ્રહ અને વિનંતી કરતા કહ્યું હતું કે ઓર્ગેનિક ખેતીના પ્રોત્સાહન હેતુ તેની વિતરણ પ્રણાલી અને વિશ્વનીયતા સુનિશ્ચિત કરવા ટેસ્ટિંગ વ્યવસ્થા વિકસાવવા ચોક્કસ પ્રયત્નો કરવામાં આવે. ઓર્ગેનિક અને કુદરતી ખેતી સાથે જોડાયેલા કિસાનો અને તેના ઉપભોક્તા વચ્ચે એક ઉત્તમ પ્રણાલી સ્થાપિત કરવામાં આવે તે આવશ્યક અને અનિવાર્ય પણ છે. અંતમાં અમિત શાહે અનુરોધ કરતાં કહ્યું કે દેશના વિકાસ અને ગરીબીના ઉન્મુલન માટેના પ્રયાસોમાં આપણે સૌ મહત્તમ યોગદાન આપીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp