26th January selfie contest

ભાજપ સરકાર આવી ત્યારથી ગુજરાતમાં પણ દરેક ક્ષેત્રમાં વિકાસ થઈ રહ્યો છેઃ અમિત શાહ

PC: PIB

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહે પોતાના સંસદીય ક્ષેત્ર ગાંધીનગરમાં વિવિધ વિકાસ યોજનાઓનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા. આ અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત હતા. પોતાના સંબોધનમાં અમિત શાહે કહ્યું કે PM નરેન્દ્ર મોદીએ ભારતના પૂર્વ PM ભારતરત્ન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતીને સમગ્ર ભારતમાં સુશાસન દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો છે. જેને અનુલક્ષીને જ ગુજરાત સરકાર દ્વારા 25થી 31 ડિસેમ્બર સુધી સુશાસન સપ્તાહ મનાવવામાં આવી રહ્યું છે. જેના અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી અને વિવિધ મંત્રીગણો દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓ તથા ગામોમાં વિકાસની વિવિધ પરિયોજનાઓને લઈ જવાનું કામ નિયમિત રીતે કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે જ્યારથી PMજીના નેતૃત્વમાં કેન્દ્રમાં અમારી પાર્ટીની સરકાર આવી છે ત્યારથી અવિરતપણે વિકાસની ગતિ પ્રતિદિન વધતી જાય છે અને આપણા ગુજરાતમાં પણ દરેક ક્ષેત્રનો વિકાસ થઈ રહ્યો છે. ગુજરાતમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2022 વિકાસની આ ગતિને વધુ આગળ ધપાવશે. 

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે અટલ બિહારી વાજપેયીએ પ્રથમવાર સુશાસનની સંરચનાત્મક વ્યાખ્યા કરવાનું કામ કર્યુ અને તેમના પછી PM નરેન્દ્ર મોદીએ વહીવટી સુધારાના દરેક ક્ષેત્રમાં સુશાસનની કલ્પનાને એક મૂર્ત સ્વરૂપ પ્રદાન કર્યુ છે. ભલે વહીવટી સુધારા હોય, તાલીમ, પારદર્શિતા લાવવી, ટેકનીકનો ઉપયોગ કરીને સુગમ વ્યવસ્થા કરવી હોય કે પછી લોકોનો બોજ ઓછો કરવો હોય PM મોદીજીએ વિવિધ ક્ષેત્રોમાં સુશાસનની એક કલ્પના દેશની સામે રાખી છે. શાહે કહ્યું કે તેમના નેતૃત્વમાં ભારત સરકાર અને રાજ્ય સરકારોએ સુશાસનના અનેક કાર્યો કર્યા છે.

અમિત શાહે કહ્યું કે નરેન્દ્ર મોદીએ 2021માં દસ ક્ષેત્રોમાં 58 સંકેતકના એક સુશાસન ઈન્ડેક્સની શરૂઆત કરીને રાજ્યો વચ્ચે સ્વસ્થ હરિફાઈનો આરંભ કર્યો છે. 58 સંકેતકોના સૂચકાંકમાં ગુજરાત કમ્પોઝિટ રેન્કિંગમાં ટોચના સ્થાને છે. અમિત શાહે કહ્યું કે હું તેના માટે ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને હાર્દિક શુભેચ્છાઓ આપું છું. તેમણે કહ્યું કે આ દરેક ગુજરાતી માટે ગૌરવનો વિષય છે. ગુજરાતે 10માંથી 5 ક્ષેત્રોમાં શાનદાર દેખાવ કર્યો છે. તેમાં આર્થિક વિકાસ, માનવ સંસાધન વિકાસ, સાર્વજનિક બુનિયાદી માળખું તેમજ ઉપયોગિતાઓ, સામાજિક કલ્યાણ ને વિકાસ તથા ન્યાયિક તેમજ જાહેર સુરક્ષા સામેલ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે અમદાવાદ-ગાંધીનગરવાસીઓ વચ્ચે ઉપસ્થિત હોવું મારા માટે હંમેશા ખુશીની ક્ષણ હોય છે. તમે મને મે-2019માં ચૂંટીને સંસદમાં મોકલ્યો ત્યારથી મેં એ જ પ્રયાસો કર્યા છે કે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર કઈ રીતે દેશનું સૌથી ઉત્કૃષ્ટ લોકસભા ક્ષેત્ર બને. તેમણે કહ્યું મને એ જણાવતાં ખૂબ ખુશી થઈ રહી છે કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં નાગરિક, વિદ્યાર્થીઓ અને પ્રવાસી સુવિધાઓને સુધારવા અને વધારવા અનેક એજન્સીઓએ જે કાર્યો શરૂ કર્યા આજે તેમાંથી અનેક કાર્યો અને યોજનાઓનો પાયો નાખવામાં આવી રહ્યો છે અને લોકાર્પણ થઈ રહ્યું છે.

અમિત શાહે કહ્યું કે વર્ષ 2021માં ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં કુલ 2342 કરોડ રૂપિયાના વિકાસ કાર્ય કરવામાં આવ્યા છે, જેમાંથી 1413 કરોડ રૂપિયાના ખર્ચે 1261 કાર્યોનું લોકાર્પણ થઈ ચૂક્યું છે અને 929 કરોડ રૂપિયાના ખર્ચે 106 કાર્યોનો શિલાન્યાસ થયો છે. તેમણે કહ્યું કે મોદીજીના નેતૃત્વમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રના વિકાસ કાર્યો માટે રાજ્ય સરકાર, નિગમ, જિલ્લા તંત્ર, નગરપાલિકા સહિત સ્થાનિક એકમોનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો છે અને તમામના સંયુક્ત પ્રયાસોથી ગાંધીનગર લોકસભા ક્ષેત્ર વિકાસના નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે. અમિત શાહે એમ પણ કહ્યું કે ગાંધીનગર મહાનગર નિગમ ક્ષેત્ર દ્વારા સુવર્ણ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2019-20 અંતર્ગત ગાંધીનગરના વિવિધ સેક્ટરમાં 12.26 કરોડ રૂપિયાના ખર્ચે ઉદ્યાનોનો જીર્ણોદ્ધારનું કાર્ય કરવામાં આવ્યું છે. આ બગીચાઓમાં બાળકોને રમવાનું સ્થળ, વ્યાયામના ઉપકરણો માટે જિમ ક્ષેત્ર, બેસવા માટે બેન્ચ, જોગિંગ ટ્રેક, સિંચાઈ પ્રણાલી, પરિસરની દિવાલ, પ્રકાશની સુવિધા, સુરક્ષા કેબિન, સ્ટોર રૂમ ને પીવાના પાણીની સુવિધા સામેલ છે. આ ઉપરાંત સુવર્ણ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2018-19 અંતર્ગત ગાંધીનગર મહાનગર નિગમ દ્વારા 3 કરોડ 73 લાખ રૂપિયાના ખર્ચે નવીન નગરીય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નવીનીકરણ તેમજ નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રીએ કહ્યું કે દેશભરમાં કોઈપણ વ્યક્તિ ઘર વિના ન રહે અને ભારતના દરેક નાગરિકને આવાસ આપવા માટે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા 25 જૂન, 2015ના રોજ પ્રધાનમંત્ર આવાસ યોજના-શહેરી મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. PM આવાસ યોજના-શહેરી અફોર્ડેબલ હાઉસિંગ અંતર્ગત બાવળા નગરપાલિકાએ સપ્ટેમ્બર 2020માં કુલ 468 આવાસોને મંજૂરી આપી હતી. તેમાં EWS-1 અને EWS-2 શ્રેણીના મકાનો સામેલ છે. અમિત શાહે કહ્યું કે તેમને એ જણાવતાં ખૂબ આનંદ થઈ રહ્યો છે કે આજે અફોર્ડેબલ હાઉસિંગ અંતર્ગત બાવળા નગરપાલિકા દ્રારા 34 કરોડ રૂપિયાની આવાસ યોજનાનો શિલાન્યાસ થયો છે. તેનાથી આવનારા સમયમાં લાભાર્થીઓને રહેવા માટે ઉત્તમ આવાસની સુવિધા પ્રાપ્ત થશે. કેટલાક રાજ્યોમાં કોરોનાનો પ્રસાર વધવા અંગે ચિંતા વ્યક્ત કરતા અમિત શાહે કહ્યું કે આપણે સૌએ મળીને કોરોનાથી બચવાના પ્રયાસો કરવા જોઈએ. તેમણે કહ્યું કે રાષ્ટ્રવ્યાપી કોવિડ રસીકરણ અંતર્ગત અત્યાર સુધીમાં 143 કરોડથી વધુ રસીના ડોઝ લગાવાઈ ચૂક્યા છે. દેશમાં વેક્સિનેશન યોગ્ય નાગરિકોમાંથી 60 ટકાથી પણ વધુ લોકોને બંને ડોઝ અને 90 ટકાને પ્રથમ ડોઝ લાગી ચૂક્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનને વધુ વિસ્તરિત કરતા PMએ 3 જાન્યુઆરી, 2022થી 15 વર્ષથી 18 વર્ષની વય સુધીના બાળકો માટે વેક્સિનેશન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ 10 જાન્યુઆરી, 2022થી કોરોના વોરિયર્સ એટલે કે હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી ઉપરની વયના કો-મોર્બિડિટીવાળા નાગરિકોને તેમના ડોક્ટરની સલાહ પ્રમાણે પ્રિકૉશન ડોઝ શરૂ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે આ નિર્ણય, કોરોના વિરુદ્ધ દેશની લડાઈને તો મજબૂત કરશે જ પણ સાથે સ્કૂલ-કોલેજ જઈ રહેલા આપણા બાળકો અને તેમના માતાપિતાની ચિંતાઓ પણ ઓછી કરશે.+

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp