પોતાને અમરેલીનો બાપ કહેનાર અને SP નિર્લિપ્ત રાયને ચેલેન્જ ફેંકનાર....

PC: Dainikbhaskar.com

અમરેલીના SP નિર્લિપ્ત રાયને એક આરોપીએ ખુલ્લી ચેલેન્જ આપી હતી પરંતુ આરોપીની આ ભૂલના કારણે હવે તે પોલીસથી બચવા માટે ફરાર થઈ ગયો છે. અમરેલીમાં ગુરુદત્ત પેટ્રોલ પંપના માલિક પાસેથી છત્રપાલ વાળા નામના ઈસમ દ્વારા 10 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. આ બાબતે છત્રપાલ વાળાની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આરોપી છત્રપાલ વાળા દ્વારા પેટ્રોલ પંપના માલિક પાસેથી તમને પ્રોટેક્શન આપવા અને સારી રીતે પેટ્રોલ પંપ ચલાવવા દેવા માટે પૈસાની માગણી કરવામાં આવી હતી. આરોપીએ પૈસા ન આપે તો પેટ્રોલપંપના માલિકના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરવાની પણ ધમકી આપી હતી.

આરોપી છત્રપાલ વાળા એ માત્ર પેટ્રોલ પંપના માલિક જ નહીં પરંતુ અમરેલીના SP નિર્લિપ્ત રાયનો પણ ઉલ્લેખ કર્યો હતો અને આ આરોપીએ પોલીસને ખુલ્લી ચેલેન્જ ફેંકી હતી. આ સમગ્ર મામલે ગુરુદત્ત પેટ્રોલ પંપના માલિક દ્વારા અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં છત્રપાલ વાળા સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અમરેલી સીટી પોલીસે પેટ્રોલ પંપના માલિક હિતેશ આડતિયાની ફરિયાદ લઈને આરોપી છત્રપાલ વાળા સામે બળજબરીથી નાણા કઢાવવા અને ખંડણીની ફરિયાદ પણ દાખલ કરી હતી. ફરિયાદ દાખલ થયા બાદ પોલીસ હરકતમાં આવતાં આરોપી છત્રપાલ વાળા પોલીસથી બચવા માટે ફરાર થયો છે. હાલ આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને છત્રપાલ વાળાની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે છત્રપાલ વાળાની સામે અગાઉ પણ પાંચ કરતાં વધુ ગુનાઓ નોંધાયા ચૂક્યા છે અને પોલીસે છત્રપાલ વાળાની ધરપકડ કરવા માટે તેના નિવાસ સ્થાને અને અન્ય જગ્યાઓ પર તેની શોધખોળ શરૂ કરી છે. છત્રપાલ વાળાએ પેટ્રોલ પંપના માલિક પાસેથી ખંડણી માગતા સમયે અમરેલીના SPની સાથે-સાથે ભાજપના સાંસદ નારણભાઇ કાછડીયા નામનો પણ ઉલ્લેખ કર્યો હતો અને પોતાને અમરેલીનો બાપ ગણાવ્યો હતો. પેટ્રોલના માલિકે પૈસા આપવાની ના પાડતા છત્રપાલ વાળા એ ત્રણ દિવસમાં ફાયરિંગ કરવાની ધમકી પણ આપી હતી.

ઉલ્લેખનિય છે કે, થોડા દિવસ પહેલા અમરેલીના SP નિર્લિપ્ત રાયનું ફેક ફેસબૂક અકાઉન્ટ બનાવનાર અને તેમાં કેટલીક આપત્તિજનક કોમેન્ટ કરનાર ઈસમની પણ અમરેલી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp