11 વર્ષની દીકરીને ગરબામાં 1 ઇનામ ઓછું મળ્યું, તેની મગજમારીમાં પિતાનું કાસળ...

PC: news18.com

પોરબંદરમાં એક સાવ નજીવી બાબતમાં એક વ્યકિતની હત્યા કરી દેવાનો કિસ્સો સામે આવ્યો છે. નવરાત્રિના ગરબામાં 11 વર્ષની એક બાળકી 2 ઇનામ જીતી હતી, તેમાંથી તેને એક ઇનામ નહોતું મળ્યું એ વિશેની આયોજકો સાથેની ભાંજગઢમાં એ 11 વર્ષની બાળકીના પિતાની હત્યા કરી દેવામાં આવી છે.

જાણવા મળેલી વિગત મુજબ પોરબંદરમાં શિતલ પાર્ક ગરબી મંડળ દ્રારા ગરબાનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં એક 11 વર્ષની બાળકીને 2 ઇનામ જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ તેના હાથમાં એક જ ઇનામ આવ્યું હતું. આ બાબતે બાળકીની માતાએ આયોજકને વાત કરી હતી. એ દરમિયાન બોલાચાલી વધી ગઇ અને આયોજકો બાળકીની માતાને ધમકી આપી કે જે મળ્યું છે તે લઇને ચાલ્યા જાઓ, નહીંતર તને મારી નાંખીશું.

જાણવા મળેલી માહિતી મુજબ 11 વર્ષની બાળકીનું નામ કૃપાલી છે અને તેની માતા માલીબેને શિતલ પાર્ક ગરબી આયોજનના રાજુભાઇ કેશવાલાને રજૂઆત કરી હતી. આયોજકે ધમકી આપતા માલીબેન તેમની દીકરીને લઇને ઘરે ચાલ્યા ગયા હતા.

સરમણ ઓડેદરા

પરંતુ મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ આયોજકો સહિત કેટલાંક માણસો માલીબેનના ઘરે આવ્યા હતા. તે વખતે બાળકીના પિતા સરમણ ઓડેદરા, માલીબેન અને કૃપાલી ઘર પાસે ખાટલો નાંખીને બેઠા હતા તે વખતે 3થી 4 બાઇક પર કેટલાંક લોકો આવ્યા હતા અને બાળકીના પિતા અને માલીબેનના પતિનું અપહરણ કરીને લઇ ગયા હતા અને તેમને ઢોર માર માર્યો હતો. સરમણને આયોજકોએ એવો ઢોર માર્યો કે સારવાર દરમિયાન તેમનું મોત થઇ ગયું.

પિતાને માર મારવાની ઘટના બનતા દીકરી કૃપાલીએ પોલીસને 100 નંબર પર ફોન કરીને જાણકારી આપી દીધી હતી.

બાળકીએ પોલીસને કહ્યુ હતું કે, મારા પિતાને કેટલાંક લોકો માર મારીને ગરબી ચોકમાં લઇ ગયા છે. માલીબેન અને સરમણના ભાઇ ગરબી ચોકમાં પહોંચ્યા હતા, ત્યારે સરમણ લોહીલૂહાણ હાલતમાં પડ્યા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

 ઉદ્યોગનગર પોલીસે 6 આરોપીઓના નામ જોગ અને 3 અજાણ્યા લોકો સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસ તપાસ કરી રહી છે.

આવા બનાવો ચિંતા વધારી રહ્યા છે. એક ઇનામ માટે એક માણસે જીવ ખોવો પડ્યો. આયોજકો માટે એક ઇનામની કિંમત કઇ બહુ મોટી હોતી નથી. પરંતું અહમના ટકરાવમાં લોકો ભાન ભુલી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp