સ્ટેચ્યૂ ઓફ યૂનિટી વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા તડામાર તૈયારીઓ શરૂ

PC: facebook.com/hypages

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આગામી 31મી ઓક્ટોબરે લોકાર્પણ થવાનું છે ત્યારે દેશ વિદેશમાંથી 15,000 પ્રવાસીઓ રોજના આવે એવી સરકારની તૈયારી છે. આ સંજોગોમાં અહીંયા પ્રવાસીઓ આવે એ માટે ફોર લેન રસ્તાથી કેવડિયાને જોડવામાં આવ્યું છે. બીજી બાજુ ચાંદોદથી સીધી રેલવે લાઈન પણ બનાવવાનો સરવે શરૂ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત હવાઈ મુસાફરી કરી આવતા પ્રવાસીઓ માટે જિલ્લામાં એર ટ્રીપ વિકસાવવી જરૂરી બન્યું છે તે માટે આગાઉ રાજ્યના પૂર્વ રાજ્ય વનમંત્રી શબ્દસરણ તડવીએ રજૂઆત કરી હતી, જેમાં રાજ્ય સરકારની મંજૂરી મળી અને કેન્દ્ર સરકારે પણ આ એર સ્ટ્રિપ બનાવવાની લીલી ઝંડી આપી દીધી છે.

આ વિસ્તારને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની રાજ્ય સરકારની તૈયારીઓનો આરંભ થઈ ચૂક્યો છે. સરદારની 182મીટર ઊંચી પ્રતિમાના લોકાર્પણ બાદ પ્રવાસીઓ વધુને વધુ આ વિસ્તારમાં આવે તે માટે રાજ્યના પ્રવાસન વિભાગ અને ગુજરાત ટુરીઝમ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત સાધુ બેટ વિસ્તારને વિકસિત કરવાની પણ શરૂઆત કરી દેવામાં આવી છે. સાથે સાથે વિદેશી સહેલાણીઓ હવાઈ માર્ગે સીધા આ વિસ્તારમાં પહોંચે તે માટે એર સ્ટ્રિપ બનાવવાની પણ પરવાનગી જે તે વિભાગોમાંથી મળી ગઈ છે ત્યારે હવે એ માટે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. હવાઈ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયની સૂચના અને રાજ્ય નાગરિક ઉડ્ડયન મંત્રાલયની સિવિલ વિભાગની ટીમે રાજપીપળા ખાતે જગ્યા માટે જરૂરી બેઠક પ્રભારી સચિવ સાથે કરીને જગ્યાનું નિરીક્ષણ પણ કર્યું હતું. જેમાં પ્રવાસન વિભાગના પ્રભારી સચિવ જે.એચ.હૈદર, સિવિલ એવિયેશન ઓફ સ્ટેટના કેપ્ટન અજય ચૌહાણ, જિલ્લા કલેક્ટર આર.એસ.નિનામા, ડીડીઓ જીન્સી વિલિયમ્સ, સીટી સરવે આધિકારી ગૌરાંગ શાહ, ખેતીવાડી અધિકારી નિલેશ ભટ્ટ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બાબતે પ્રવાસન વિભાગના પ્રભારી સચિવ જે.એચ.હૈદરે Khabarchhe.com ને જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને પ્રવાસીઓ માટે સુવિધા ઊભી કરવા એર સ્ટ્રિપ બનાવવામાં આવશે, જ્યાં સરળતાથી વિમાન ટેક ઓફ અને લેન્ડ કરી શકે એ રીતે સ્ટ્રિપ બનાવવામાં આવશે. ઉડ્યન વિભાગના ઈજનેરોએ મુલાકાત લઈને જગ્યા જોઈ ખૂબ વિશાળ જગ્યા છે. જેટલો રન વે મળે છે એટલું એરપોર્ટ મોટું અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઉતરે એવા પ્રયાસો રહેશે. હાલ રાજ્ય સરકારે કેન્દ્રમાં ફાઈલ મોકલી છે. જેમાં કેન્દ્રની પણ મંજૂરી મળી છે ત્યારે આ જગ્યાનો સરવે થઈ ટેન્ડરિંગ પ્રક્રિયા થશે અને કામગીરી કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાશે અને કેન્દ્ર સરકારની યોજના મુજબ ખૂબ જ ઓછા દરે સામાન્ય વ્યક્તિ પણ હવાઈ મુસાફરી કરી શકે એ પ્રકારની હવાઈ સેવા આ વિસ્તાર માટે શરૂ કરવાની વિચારણા પણ ચાલી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ બાદમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવશે, યુનિટીના લોકાર્પણ બાદ પ્રતિદિન 15,000 પ્રવાસીઓ મુલાકાતે આવે એવી શક્યતાઓ રાજ્ય સરકાર રાખી રહી છે. ત્યારે આ પ્રવાસીઓ માટે ખાસ સરકાર દ્વારા બે ત્રણ એજન્સીઓને હાયર કરી જેમને પેકેજ ટુર બનાવવા માટે આમંત્રણ આપી દેવામાં આવ્યું છે અને જેઓ હાલ તમામ પ્રકારનું પ્લાનિંગ કરી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શન માટે ખાસ 150 વ્યક્તિ બેસી શકે જેવી બોટ મુકવામાં આવશે. જેનું ભાડું રૂપિયા 300થી 500 સુધીનું રાખવામાં આવશે, સાથે જો કેપ્સ્યુલ બોટ દ્વારા જવું હોય તો પ્રત્યેક વ્યક્તિની રૂપિયા 50થી 100ની ટિકીટ લેવી પડશે. આમ આ સાથે ગરૂડેશ્વર ખાતે બની રહેલા વિયર કમ કોઝ વેથી 12 કિમીનું સરોવર બનાવાશે, જેમાં બોટિંગથી લઈ નર્મદા ઘાટ તૈયાર કરાશે. જ્યાં પૂજા સાથે નર્મદા મહા આરતી કરવામાં આવશે. બહાર તળાવ નંબર 3 પાસે બોટિંગ સુવિધા ઊભી કરાશે. જેમાં પણ વ્યક્તિ દીઠ રૂપિયા 200 ટિકીટ રહેશે. સરદાર સરોવર પાછળ પણ એક ક્રુઝ દ્વારા 50થી 60 કિલો મીટરનો એક રાઉન્ડ લગભગ 5થી 6 કલાકનો ગોવાની જેમ લાગશે. જેમાં જમવાની સુવિધા અપાશે. આ તમામ પ્રકારની બોટિંગ વ્યવસ્થા પણ 31 ઓક્ટોબર પહેલા શરૂ કરી દેવામાં આવશે એવું પણ સૂત્રોએ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp