રાજકોટમાં નશો કરી જાહેરમાં હોબાળો મચાવતા PSIની ધરપકડ, CP ઓફિસ પર તૈનાત હતો

PC: khabarchhe.com

સમગ્ર શહેરમાં દારૂબંધીની અમલવારી કરાવવાની કામગીરી જ્યાંથી થાય છે તે પોલીસ કમિશ્રર કચેરીના ગેટ પર તૈનાત SRPનો PSI વીજેન્દ્રસિંહ કિશનસિંહ ચૌહાણ નશાખોર હાલતમાં મળી આવતાં ઉપરી અધિકારીઓને નીચું જોવા જેવી સ્થિતી સર્જાઈ છે. એટલું જ નહીં શહેરમાં નશાબંધીની કેટલી અને કઈ રીતે અમલવારી થાય છે તેની પણ વધુ એક વખત પોલ ખુલી ગઈ છે.

PSI ચૌહાણ સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. આ અગાઉ પોલીસ કમિશ્નર કચેરી બહાર પાર્ક કારમાંથી અંગ્રેજી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ કમિશ્નર કચેરીમાં તહેનાત વોર્ડન જ અંગ્રેજી દારૂનો વેપલો કરતો હતો તેને પોલીસનો કોઈ ડર ન હોવાથી પોલીસ કમિશ્નર કચેરીની સામે પાર્ક કારમાં અંગ્રેજી દારૂનો જથ્થો રાખ્યો હતો. જોકે પોલીસ કમિશ્નરની નજરે તેની કાર ચડી જતાં ભાંડો ફૂટયો હતો. પોલીસ કમિશ્નર કચેરીના ગેટ પર અરજદારોના નામ સહિતની વિગતો નોંધવા માટે PSI વીજેન્દ્રસિંહ ચૌહાણને તહેનાત કરાયેલા છે.

સવારે તે નશામાં ધૂત હાલતમાં ફરજ પર આવ્યો હતો. એટલું જ નહીં અરજદારો સાથે ગેરવર્તન શરૂ કર્યું હતું. આ ઉપરાંત લથડિયા ખાતા હોવાથી નશામાં ચૂર હોવાની શંકા ગઈ હતી. સોશિયલ મીડિયાના આ જમાનામાં PSI ચૌહાણનો નશામાં ધૂત હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો. જેના પગલે પોલીસ કમિશ્રર કચેરીમાં હોબાળો મચી ગયો હતો. તત્કાળ આબરૂ બચાવવા એક કોન્સ્ટેબલ PSI ચૌહાણને બાઈક પર બેસાડી પોલીસ કમિશ્રર કચેરીમાંથી રવાના થઈ ગયો હતો.

થોડીવાર બાદ પ્ર.નગર પોલીસે PSI ચૌહાણને શોધી કાઢી તેનું મેડિકલ કરાવ્યું હતું. જેમાં ધારણા મુજબ નશો કર્યાનું સ્પષ્ટ થતા તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. તે કયાંથી દારૂ લઈ આવ્યા હતા તે અંગે હાલ તપાસ ચાલુ હોવાનું પોલીસ કહી રહી છે. જોકે આ મુદ્દે તપાસ થશે કે કેમ તે બાબતે શંકા છે. ઘંટેશ્વર SRP ગ્રુપ-13માં ફરજ બજાવતા PSI ચૌહાણ નશાની ટેવવાળા હોવાની માહિતી પણ પોલીસને મળી છે. આમ છતાં તેને કયા કારણથી પોલીસ કમિશ્નર કચેરીના ગેટ પર ડયુટી સોંપાઈ તે બાબતે પણ અનેક સવાલો ઉઠયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp