નવી કારનું બુકિંગ કરાવતા પહેલા રાજકોટનો આ કિસ્સો સાંભળી લેજો નહિતર પસ્તાશો

PC: aahacarrentals.com

રાજકોટથી એક ચોંકાવનારા કિસ્સો સામે આવ્યો છે. કાર બુકીંગના નામે 8 લોકો સાથે છેતરપિંડી થઇ છે અને પોતાને મેનેજર તરીકે ઓળખ આપનાર માણસ રફચક્કર થઇ ગયો છે. આ વાત ત્યારે બહાર આવી જ્યારે કારનું બુકીંગ કરાવનાર ખેડુતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રહેતા ખેડુત ભુપત જેઠવાએ ટાટા કંપનીની એક કાર ખરીદવાનું નક્કી કર્યું હતું. ભુપત જેઠવા જેતપુરમાં આવેલા ભગવતી ઓટોમાં કાર લેવા માટે ગયા હતા. આ શોરૂમમાં એક કર્મચારીએ પોતે રૂરલ મેનેજર અને પારસ ઠુંમર તરીકે ઓળખાણ આપી હતી. પારસ ઠુંમરે ભુપત જેઠવાને કહ્યુ હતું કે ટાટાનું પંચ મોડલ અત્યારે હાજર નથી તમારે ટેસ્ટ ડ્રાઇવ માટે જુનાગઢ જવું પડશે.

ભુપત જેઠવાએ જુનાગઢ જઇને ટેસ્ટ ડ્રાઇવ પણ આપી હતી, તે પછી પારસે ફોન કરીને કહ્યું હતું કે કારના ભાવ 50,000 વધવાના છે એટલે પહેલા બુકીંગ કરાવી લો. ભુપત જેઠવાએ કારના બુકીંગ માટે 8,51,000નો ચેક આપ્યો હતો. જે આરોપી પારસ ઠુંમરે પોતાના ખાતમાં ટ્રાન્સફર કરી લીધો હતો.

એ પછી પારસ ઠુંમર પહેલા નોરતે કાર આવશે, બીજા નોરતે આવશે, આઠમા નોરતે આવશે એમ વાયદા કરતા રહ્યો હતો. છેલ્લે એણે કહ્યું હતું કે પૂનમના દિવસે તમારી કાર આવી જશે. એ પછી પારસ ઠુંમરનો ફોન બંધ થઇ ગયો હતો.

ફરિયાદમાં ભુપત જેઠવાએ કહ્યું છે કે, અમે બુકીંગ કેન્સલ કરાવવા માટે પારસને અનેક વખત કહ્યુ હતું, પરંતુ તે આશ્વાસન આપતો રહેતો કે હવે બસ કાર આવી જ જવાની છે. ભુપત જેઠવાએ કહ્યું કે પારસ ઠુંમર પર અમને એટલા માટે વિશ્વાસ આવી ગયો હતો કે તેણે સામે 9 લાખ રૂપિયાનો ચેક આપીને કહ્યું હતું કે જો પૂનમ સુધીમાં તમારી કાર ન આવે તો આ ચેક ખાતમાં નાંખી દેજો. પરંતુ જ્યારે પૂનમ પછી પણ કારની ડિલીવરી ન મળી અને અમે ખાતમાં ચેક નાંખ્યો તો ચેક રિટર્ન થયો હતો. એટલે અમને લાગ્યું કે અમારી સાથે છેતરપિંડી થઇ છે.

એટલે અમે વીરપુર પોલીસ સ્ટેશનમાં પારસ ઠુંમર સામે ફરિયાદ નોંધાવી છે. એ પછી તો એવું જાણવા મળ્યું છે કે પારસનો ભોગ માત્ર અમે નહોતા બન્યા, અન્ય 8 લોકોએ પણ બુકીંગ કરાવ્યા હતા અને બુકીંગના નામે 29 લાખ રૂપિયા લઇને પારસ ફરાર થઇ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp