માલિકની સોશિયલ મીડિયાની એક પોસ્ટથી બાઇક ચોરનું થયું હૃદય પરિવર્તન અને પછી...
સુરતમાં એક અજીબો-ગરીબ ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિની બાઇક ચોરી થઇ હતી. બાઇક ચોરી કરતો વ્યક્તિ CCTVમાં કેદ થઇ ગયો હતો. બાઇક ચોરી થયા બાદ બાઇકના માલિકે સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ કરી હતી, જે ખૂબ વાયરલ થઇ હતી. ત્યારબાદ ચોરનું હૃદય પરિવર્તન થયું હોય તેમ ફરીથી એ જ જગ્યાએ બાઇક મૂકી જતો રહ્યો હતો. સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક બાઇકની ચોરીની ઘટના સામે આવી હતી. મોટા વરાછાના મહાદેવ ચોક પાસેથી પરેશ પટેલ નામના વ્યક્તિની બાઇક ચોરાઇ ગઇ હતી. ચોરીની આ ઘટના ત્યાંના CCTV કેમેરામાં કેદ થઇ હતી.
તેમાં એક વ્યક્તિ બાઇક ચોરી કરીને જતી દેખાઇ રહી છે. બાઇક ચોરી થયા બાદ સોશિયલ મીડિયામાં પરેશભાઇએ એક અજીબો-ગરીબ પોસ્ટ કરી હતી, જે ખૂબ જ વાયરલ થઇ હતી. સોશિયલ મીડિયામાં પરેશભાઇએ પોસ્ટ કરી લખ્યું હતું કે શ્રીમાન ચોર સજ્જનને ખબર પડે કે જ્યાંથી ગાડી GJ5 FE 5906ની ચોરી કરી છે ત્યાં પાર્કિંગમાં ડાબી સાઇડના ખૂણામાં એ ગાડીની RC બુક અને ચાવી મૂકેલી છે. તો તમારા ટાઇમે આવીને લઇ જજો અને સુખથી ચલાવજો, મારું ટેન્શન ન લેતા, મારી પાસે સાઇકલની વ્યવસ્થા છે. આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ હતી.
સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થયા બાદ ચોરનું હૃદય પરિવર્તન થયું હોય તેમ ચોર 4 દિવસ બાદ ફરીથી એ જ જગ્યા પર બાઇક મૂકીને જતો રહ્યો હતો, જેની પણ CCTV ફૂટેજ સામે આવી છે. ચોર બાઇક માલિકને ખબર ન પડે એ રીતે બાઇક ચોરી ગયો હતો, એ જ રીતે કોઇને ખબર ન પડે એ રીતે બાઇક પાછો મૂકીને જતો રહ્યો હતો. બાઇક મળી જતા બાઇક માલિક પરેશભાઇમાં ખુશી છવાઇ ગઇ હતી.
આ ઘટના મામલે બાઇક માલિક પરેશ પટેલે જણાવ્યું કે મોટા વરાછા મહાદેવ ચોક મિડલ પોઇન્ટમાંથી મારી બાઇક ચોરી થઇ હતી, જેથી મને ખૂબ દુ:ખ થયું હતું. ત્યારબાદ મેં ચોર માટે એક મેસેજ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. એ મેસેજ વાયરલ થયો હતો, આ મેસેજથી ચોરનું પણ ધ્યાન ગયું હતું અને કદાચ ચોરે પણ આ મેસેજ વાંચ્યો હશે, જેથી તેનું હૃદય પરિવર્તન થયું હશે. ત્યારબાદ ચોર એ જ જગ્યાએ ફરીથી એ જ પાર્કિંગમાં ગાડી મૂકીને જતો રહ્યો છે.
તો એ ચોરનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, તેમજ સોશિયલ મીડિયા મિત્રોનો પણ હું આભાર માનું છું. સોશિયલ મીડિયા પર જે લખ્યું હતું એ માત્ર કહેવા પૂરતું જ લખ્યું નહોતું. પાર્કિંગમાં જે જગ્યાએ મારી બાઇક પાર્ક કરી હતી એની બાજુમાં આવેલા ઇલેક્ટ્રિક પેટી પર ખરેખર બાઇકની ચાવી અને RC બુક મૂકી હતી. હું નહોતો ઇચ્છતો કે જે પણ વ્યક્તિ બાઇક ચોરી ગઇ છે તે કોઇ પણ રીતે પરેશાન થાય, પરંતુ આજે સોશિયલ મીડિયાનો જમાનો છે અને સોશિયલ મીડિયામાં કરેલી મારી આ પોસ્ટથી મને મારી બાઇક પાછી મળી છે. મેં આ અંગે કોઇ પોલીસ ફરિયાદ પણ કરી નહોતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp