ભાજપ આવી ગયું છે ફૂલ ચૂંટણી મૂડમાં, સ્ટ્રેટેજી નક્કી કરવા 2 દિવસનું સઘન ચિંતન

PC: connectgujarat.com

વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ થવા લાગી છે. ભાજપના ટોચના 40થી વધુ આગેવાનો બે દિવસ સુધી ચૂંટણી ચિંતન કરશે. 15 અને 16 મે ના રોજ ભાજપની ચિંતન શિબિર યોજાઇ રહી છે જેમાં ચૂંટણી અંગેની સ્ટ્રેટેજી નક્કી કરાશે. આ બેઠકમાં પાર્ટીની કોર કમિટી તેમજ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો પણ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

આ બેઠકમાં ભાજપના મહામંત્રી તેમજ સંગઠનના ટોચના આગેવાનો પણ હાજર રહેવાના છે. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા પછી પાર્ટીની આ પ્રથમ ચિંતન શિબિર છે જેમાં તેઓ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ હાજર રહેવાના છે.

બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય નેતાઓની ગુજરાત મુલાકાતોનો તખ્તો ગોઠવાઇ રહ્યો છે. ડિસેમ્બરમાં ગુજરાત તેમજ હિમાચલપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓનું ફોકસ માત્ર બે રાજ્યો છે. કેન્દ્રમાં ગુજરાતમાંથી કેબિનેટ મંત્રી બનેલા સાંસદો પણ ગુજરાતના પ્રવાસની તૈયારીઓ કરી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનામાં બે વખત ગુજરાતની મુલાકાતે આવવાના છે.

આ ચિંતન શિબિરમાં ભાજપના રાષ્ટ્રીય નેતા અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેવાના છે. આ બેઠકમાં આદિવાસી તેમજ પાટીદાર સમાજ અંગે ચર્ચા થવા સંભવ છે. છેલ્લી છ ટર્મથી ગુજરાતમાં ભાજપની સરકાર છે ત્યારે એન્ટી ઇન્કમબન્સી ફેક્ટર તેમજ મોંઘવારીના મુદ્દા સામે છે ત્યારે આ ચિંતન શિબિરમાં ભાજપના નેતાઓ જનતાની વચ્ચે જવાનો માર્ગ ખોળશે.

આ બેઠકમાં કેટલાક સેશન થવાના છે જેમાં સોશ્યલ મિડીયા, મિડીયા કમિટી, આઇટી સેલના સેશન પણ થશે. જિલ્લા, તાલુકા અને મહાનગરો દ્વારા થયેલા કાર્યક્રમોનું પ્રેઝન્ટેશન પણ કરવામાં આવશે. સંગઠનાત્મક કાર્યક્રમો માટે પણ તૈયારી કરાશે. ઉલ્લેખનીય છે કે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક 20 અને 21 મે દરમ્યાન જયપુરમાં યોજાવાની છે ત્યારે તે પહેલાં ગુજરાતમાં મળનારી આ ચિંતન શિબિર મહત્વની બની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp