પોલીસ ખનન માફિયાઓને છાવરે છે, ભરૂચના ભાજપના સાંસદે લખ્યો મુખ્યમંત્રીને પત્ર

PC: facebook.com/mploksabhabharuch

ભાજપના સાંસદ મનસુખ વસાવા અવાર નવાર સરકારની સામે કોઈને કોઈ મુદ્દે રજૂઆત કરતા નજરે ચઢે છે. તેઓ ભાજપમાં હોવા છતાં પણ સરકારની પોલ અવાર નવાર છતી કરે છે. ત્યારે હવે ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યો છે. પોલીસ પર ભૂ માફિયાઓને છાવરવાનો આક્ષેપ કરતો પત્ર સાંસદે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો છે. આ પત્રમાં તેમણે ભૂ માફિયાઓના કારણે રસ્તા નુકસાન અને અકસ્માત જેવી ઘટનાઓ થાય છે તે બાબતે પણ રજૂઆત કરી હતી. ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, નર્મદાના બંને કાંઠે ગડેશ્વરથી પોઇચા ભાઠા, રૂઢ તથા શિનોર તાલુકા, નાંદોદ તાલુકા, કરજણ તથા ઝઘડિયા તાલુકાના અલગ-અલગ સ્થાનો પર ખૂબ જ મોટા પ્રમાણમાં નર્મદામાંથી ગેરકાયદેસર રેતી ઉપાડવામાં આવે છે. જેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાય છે.

નદીમાંથી મશીન દ્વારા રેતી કાઢવાથી ખૂબ જ ઊંડા ખાડા પાડવામાં આવે છે. જેના કારણે નર્મદા સ્નાન કરવા આવતા લોકોના ડૂબી જવાના ઘણા જ બનાવો બને છે તથા નદીમાં પાણી પીવા જતા પશુધન પણ પાણીમાં ગરકાવ થાય છે. સતત ચાલતી આવી પ્રવૃત્તિથી નદી તથા વન્ય જીવ સૃષ્ટિને ભારે હાનિ થાય છે. રેતી ભરીને ચાલતા ડમ્પર ઓવરલોડ હોવાથી રોડ-રસ્તાને પણ નુકસાન થાય છે. રાત-દિવસ સતત બેફામ ચાલતા ડમ્પર દ્વારા ટ્રાફિકની મોટી સમસ્યા સર્જાય છે. જેના કારણે અકસ્માતની ઘટના બને છે. થોડાં દિવસ પહેલા પાણેથા-અસાની વચ્ચે એક રાહદારીને કચડેલ હતો. જેમાં પોલીસને જાણ કરવા છતા પોલીસ પણ આવા ખનન માફિયાઓને છાવરે છે.

જેથી નર્મદા, ભરૂચ જિલ્લાના રોયલ્ટી તંત્રને તાત્કાલિક જાણ કરવામાં આવે અને ઉપરોક્ત પ્રમાણેની ગેરકાનૂની પ્રવૃત્તિ તથા અકસ્માતની ઘટનાઓ તાત્કાલિક રોકવામાં આવે એવી આપ સાહેબને નમ્ર વિનંતી છે. સાંસદ મનસુખ વસાવાએ કરેલી રજૂઆત બાદ ભૂ માફિયાઓ સામે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું. મહત્ત્વની વાત છે કે, અગાઉ પણ તેમણે ભૂ માફિયાઓ દ્વારા કરવામાં આવતા રેતી ખનનને લઇને સરકારને રજૂઆત કરી હતી. પણ તે રજૂઆતનું કોઈ નિરાકરણ ન આવતા ફરીથી તેમણે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp