વેરાવળઃ ડૉક્ટર આત્મહત્યા કેસમાં ભાજપ સાંસદની મુશ્કેલી વધી, સરકારે કહ્યું FIR થશે

PC: Iamgujarat.com

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરના જાણીતા તબીબ અતુગ ચગની આત્મહત્યાના કેસમાં ભાજપ સાંસદની મુશ્કેલીઓ વધી શકે છે. ડોક્ટરના પુત્રએ હાઈકોર્ટમાં અરજી કર્યા બાદ સરકારે FIR નોંધવાની ખાતરી આપી છે,આવી સ્થિતિમાં હવે આ મામલે FIR નોંધવામાં આવશે.

વેરાવળના જાણીતા ડોકટર ડો. અતુલ ચગે પોતાની હોસ્પિટલમાં ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસને ઘટના સ્થળેથી એક સ્યુસાઇડ નોટ મળી હતી જેમાં ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાંનું નામ લખેલું હતું. ડો. ચગના પરિવારે પોલીસને ફરિયાદ કરી હતી, પરંતુ સ્થાનિક પોલીસે સાંસદ રાજેશ ચુડાસમાં સામે FIR નોંધી નહોતી.

પોલીસે તો ફરિયાદ ન નોંધી એટલે ચગ પરિવારે હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. હાઇકોર્ટે આ મામલે કડક વલણ અપવાનીને તમામ પોલીસ અધિકારીઓને સમન્સ મોકલ્યા હતા. હવે આ કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં સરકારી વકીલે આશ્વાસન આપ્યું હતું કે આ કેસમાં રાજેશ ચુડાસમા સામે જલ્દી FIR નોંધવામાં આવશે.

મીડિયા રિપોર્ટમાં જણાવ્યા મુજબ હાઇકોર્ટે છેલ્લી સુનાવણીમાં નોટીસ જારી કરીને સરકાર પાસે જવાબ માંગ્યો હતો. કોર્ટની નોટીસ પર સરકારી વકીલે જવાબ આપ્યો હતો કે ટુંક સમયમાં સાંસદ ચુડાસમા સામે FIR નોંધાશે.

ડો. અતુલ ચગે 12 ફેબ્રુઆરીના દિવસે પોતાની હોસ્પિટલના પહેલા માળે સ્યુસાઇડ નોટ  લખીને આત્મહત્યા કરી નાંખી હતી. ડો. અતુલ ચગે સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે હું નારણભાઇ અને રાજેશ ચુડાસમાને કારણે આપઘાત કરી રહ્યો છું. તમે વિચારો કે, ડોકટર ચગે આત્મહત્યા કરીને આજે લગભગ બે મહિનાથી વધારે સમય થયો, પરંતુ હજુ સુધી FIR નોંધાઇ નહોતી. ડો.ચગના પરિવારને ન્યાય અપાવવા માટે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ અવાજ ઉઠાવ્યો છે અને તેમણે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને રૂબરૂમાં મળીને નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી.

આપઘાતના 5 દિવસ પછી ચગના પરિવારે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા સામે વેરાવળ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસે ફરિયાદ લેવાનો ઇન્કાર કર્યો હતો. લોકોનું દબાણ વધ્યું તો પોલીસ અધિકારીઓ રજા પર ઉતરી ગયા હતા.

ડો. ચગ વેરાવળમાં એટલા જાણીતા તબીબ હતા કે તેમના આપઘાત પર લોકોએ ધરણાં પ્રદર્શન પણ કર્યા હતા, પરંતુ આમ છતા પોલીસે ફરિયાદ નોંધી નહોતી. કોરોના મહામારીના સમયે ડો. અતુલ ચગે લોકોની ઘણી મદદ કરી હતી.

BJP MP  રાજેશ ચુડાસમા

ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાં  કોળી સમાજમાંથી આવે છે. તેઓ પહેલીવાર વર્ષ 2012માં જૂનાગઢની માંગરોળ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. 2014માં પાર્ટીએ ટિકીટ આપી તો જૂનાગઢ લોકસભામાંથી ચૂંટાયા હતા. વર્ષ 2019માં ભાજપે ફરી ચુડાસમાને ટિકીટ આપી હતી અને તેઓ લોકસભા જીત્યા હતા. 40 વર્ષના રાજેશ ચુડાસમાં જૂનાગઢના ચોરવાડમાં રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp