વડોદરામાં કરૂણાંતિકા, બોટ ઉંધી વળી ગઇ, 13 બાળકોના મોત, 23 વિદ્યાર્થી સવાર હતા

PC: twitter.com

વડોદરામાં એક મોટી કરૂણાંતિકા સામે આવી છે. એક તળાવમાં શાળાના બાળકો બોટીંગની મજા કરવા ગયા હતા, પરંતુ આ મજા તેમના માટે મોતની સજા બની ગઇ છે. તળાવમાં બોટ ઉંધી વળી જવાને કારણે 13 વિદ્યાર્થીઓ અને 2 ટીચરના મોત થયા છે. આ બોટમાં 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો હતા. બાળકોને લાઇફ જેકેટ પણ પહેરાવાયા નહોતા. 13 બાળકોના પરિવારના માથે આભ ફાટ્યું છે, કારણકે તેઓ તો બાળકો ઘરે પાછા આવાવની રાહ જોઇને બેઠા હતા અને મળ્યા માતમના સમાચાર.

જાણવા મળેલી વિગત મુજબ વડોદરામાં આવેલી ન્યૂ સનરાઇઝ સ્કુલના બાળકોને પિકનિક પર મોટનાથના હરણી તળાવમાં લઇ જવાયા હતા. શાળાના 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો બોટની મજા માણી રહ્યા હતા ત્યારે અચાનક બોટ પલટી મારી ગઇ હતી અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો ડુબી ગયા હતા. ફાયર વિભાગની ટીમે 10 વિદ્યાર્થીઓ અને 2 ટીચરને બચાવી લીધા છે પરંતુ અફસોસ,13 માસુમ બાળકોને બચાવી ન શકાયા.

ફાયર વિભાગની ટીમ રેસ્કયુ ઓપરેશન કરી રહી છે અને NDRFની ટીમને પણ બોલાવી લેવામાં આવી છે. વિદ્યાર્થીઓના પરિવારોને જ્યારે ઘટનાની જાણ થઇ તો તેમનો હોંશ ઉડી ગયા હતા. માતાઓના કલ્પાંતે આખા વિસ્તારને હચમાચાવી નાંખ્યો હતો. એક માતાના આંક્રદે તો બધા લોકોને હચમચાવી નાંખ્યા હતા. માતા કહી રહી તે મારા દીકરાને પાછો લાવી આપો. આ ઘટના જ એવી છે ભલભલા માણસોની આંખો ભીની થઇ જાય.

નવાઇની વાત એ છે કે જ્યારે તમે આટલા બધા વિદ્યાર્થીઓને બોટમાં ભરીને લઇ જાઓ અને સુરક્ષાના વિચાર પણ ન કરો? જાણવા મળેલી વિગત મુજબ બાળકોને માટે લાઇફ જેકેટ પણ સાથે રાખવામાં નહોતા આવ્યા. આ શાળા સામે ગંભીર પગલા લેવા જોઇએ, જેમણે 13 બાળકોના જીવ દાવ પર લગાવી દીધા. જેમણે દીકરો ગુમાવવો પડ્યો હોય તેમને જ ખબર પડ કે તેમની પર શું વિતી છે, બાકી રાજકારણી અને અધિકારીઓને કોઇ ફરક પડવાનો નથી. મગરની ચામડીના લોકો એમાં પણ પોતોના રાજકીય રોટલો શેકી લેશે.

આ ઘટનાને નજરે જોનારા મુકેશ નામના વ્યકિતએ મીડિયાને કહ્યું હતું કે, અમારા ગેરેજની સામે જ તળાવ આવેલું છે. સાંજના સમયે બે મેડમોએ બચાવો બચાવોની બુમો પાડી એટલે અમે બચાવ માટે દોડ્યા હતા અને 4 બાળકોને તરત બહાર કાઢી લીધા હતા.

આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ કહ્યું હતું કે અમારી વિનંતી છે કે સરકાર આ ઘટનાને તાકીદે ધ્યાનમાં લે અને જે જવાબદાર હોય તેમની સામે ગંભીર પગલા લેવામાં આવે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી તાત્કાલિક વડોદરા જવા માટે નિકળી ગયા છે. મુખ્યમંત્રી પટેલે એ પહેલા ટ્વીટ કરીને લખ્યુ હતું કે, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતા બાળકો ડુબી જવાની ઘટના હચમચાવી નાંખે તેવી છે. ઘટનામાં જીવ ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું અને તેમના પરિવારજનોને પ્રત્યે આત્મીય સંવેદના વ્યકત કરું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp