લોકાર્પણ પહેલા જ તાપીમાં મીંઢોળા નદી પરનો પુલ તૂટી પડ્યો, તપાસના આદેશ

PC: humdekhenge.in

ગુજરાતના તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં મીંઢોળા નદી પરનો પુલ ધરાશાયી થયો છે. બુધવારે પુલ તૂટી પડવાથી લગભગ 15 ગામોને અસર થશે. પુલ ધરાશાયી થતાં વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે. આ પુલનું હજુ સુધી લોકાર્પણ પણ કરવામાં આવ્યું નથી તે પહેલા જ ધરાશાયી થઈ જતા તેના કામને લઈને પણ લોકોમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે, એટલું જ નહીં પુલના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયાનો પણ ગણગણાટ શરૂ થયો છે. તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી રહી છે.

15 ગામો અસરગ્રસ્ત હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે જે સમયે આ ઘટના બની તે સમયે ત્યાં કોઈ નહોતું, જેના કારણે જાનહાનિની કોઈ માહિતી નથી.

આ ઘટના અંગે એક્ઝિક્યુટિવ એન્જિનિયર નીરવ રાઠોડે જણાવ્યું કે, બ્રિજનું નિર્માણ કાર્ય 2021માં શરૂ થયું હતું. જેના પર 2 કરોડનો ખર્ચ થયો હતો. નિષ્ણાંતોની તપાસ કરાવ્યા બાદ પુલ તૂટી પડવાનું કારણ જાણી શકાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રિજનું 95 ટકા કામ પૂર્ણ થઈ ગયું હતું. પરંતુ બાંધકામ પૂર્ણ થાય તે પહેલા જ પુલ તૂટી પડ્યો હતો. પુલ ધરાશાયી થતાં જ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મામલાની તપાસ શરૂ કરી હતી.

મળતી માહિતી મુજબ, આ પુલ વ્યારા તાલુકાના માયપુર અને દેગામા ગામોને જોડતા રોડ પર મીંઢોળા નદી પર બનેલો પુલ હતો, જેના કારણે એક ડઝનથી પણ વધુ ગામોને અસર થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પુલ પડવા પાછળ મોટા ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. સ્થાનિકોએ કોન્ટ્રાક્ટર પર બાંધકામ દરમિયાન હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.

આ ઘટનાએ ગયા વર્ષે મોરબીમાં બનેલી બ્રિજ દુર્ઘટનાની યાદ અપાવી છે, જેમાં 135 લોકોએ જીવ ગુમાવ્યો હતો. તે ઘટના પછી, સરકારે પુલના બાંધકામ અને જાળવણીની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે કડક પગલાં લીધાં હતા. જો કે, તાપી જિલ્લામાં પુલના તૂટી જવાની તાજેતરની ઘટના સરકાર દ્વારા લેવામાં આવેલા કડક પગલાંની અસરકારકતા પર પ્રશ્નો ઉભા કરે છે અને માળખાકીય પ્રોજેક્ટ્સમાં કડક દેખરેખ અને જવાબદારીની જરૂરિયાતને ખુલ્લી પાડી છે.

અહીં તમને જણાવી દઈએ કે આ પહેલા બિહારના ભાગલપુરમાં પણ પુલ તૂટી જવાની ઘટના સામે આવી હતી. ગંગા નદી પર બનેલો આ પુલ 1,717 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો અને આ કોઈ પહેલી ઘટના નથી પરંતુ આ પુલ બે વાર પડી ગયો છે.

આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે, બિહારમાં આ બ્રિજના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો છે. બિહારમાં પણ આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. વર્ષ 2014માં બિહારના CM નીતિશ કુમારે આ પુલનો શિલાન્યાસ કર્યો હતો. આ અકસ્માત બાદ બ્રિજ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp