રખડતા ઢોર પર નિયંત્રણની પોલિસી અમદાવાદમાં લાગૂ થશે, જાહેરમાં પશુઓ પર પ્રતિબંધ

PC: newindianexpress.com

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા સરકાર વિધાનસભામાં રખડતા ઢોર નિયંત્રણ કાયદો લાવવાની તૈયારી કરી રહી હતી, પરંતુ તે વખતે આખા ગુજરાતના માલધારીઓએ રાજ્યને હચમચાવી નાંખ્યું હતું અને એક દિવસની હડતાળને કારણે લોકોએ ભારે પરેશાની ભોગવી હતી. ચૂંટણીનો સમય હતો એટલે સરકારે પીછેહઠ કરી હતી.હવે ગુજરાતમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવીને ફરી સત્તા મેળવી લીધી છે ત્યારે સરકાર બીજા સ્વરૂપે ઢોર નિયંત્રણ કાયદો લાવી રહી છે. જો કે, માલધારી સમાજે ફરી આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

હવે ગુજરાત સરકારે  રખડતા ઢોર નિયંત્રણ કાયદા માટે જે મહેનત કરી હતી, જે નીતિઓ બનાવી હતી તે તો રાજ્યમાં લાગૂ નહોતી થઇ શકી, પરંતુ આવતીકાલે અમદાવાદ મ્યૂનિસપલ કોર્પોરેશન રાજ્ય સરકારની જ પોલીસીને અમદાવાદમાં લાગૂ કરવા જઇ રહી છે. જાણવા મળેલી વિગત મુજબ આ પોલીસી અત્યારે અમદાવાદમાં જ લાગૂ કરવામાં આવશે, પરંતુ સંભવત ધીમે ધીમે આખા રાજ્યમાં લાગૂ થઇ શકે છે.

જાણવા મળેલી માહિતી મજુબ ગુજરાત હાઇકોર્ટે રખડતા ઢોરના નિયંત્રણ માટે  આપેલા દિશા નિર્દેશ, ગુજરાત સરકારના પરિપત્રો,પોલીસ અને જીપીએમસી એક્ટ મુજબની અલગ અલગ જોગવાઈઓ મુજબ AMC દ્વારા નવી પોલિસી બનાવવામાં આવી છે.  આવતીકાલે,ગુરુવારે સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં મંજૂર કરવામાં આવશે એવું જાણવા મળ્યું છે.

AMC જે નવી પોલીસી લાવી રહી છે તેમાં જાહેરમાં ઢોર પર પ્રતિબંધ લાગશે,15 દિવસની અંદર લાયન્સધારકે પશુઓ પર ટેગ લગાવવા પડશે જેવા અનેક મુદ્દાઓ સામેલ છે.

રખડતા ઢોર નિયંત્રણ માટે અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન જે પોલીસી લાવી રહી છે તેમાં આટલા મુદ્દા મુખ્ય હશે. જેમ કે પશુ રાખવા માટે લાયન્સ લેવું પડશે અને પશુઓ રાખવા માટેની જગ્યા નક્કી કરવી પડશે. પશુમાં RFID ચીપ અને ટેગ લગાવવાની કામગીરી 200 રૂપિયા ચાર્જ લઇને કરાશે, રખડતા પશુ મુકવા બદલ કાયદેસરની કાર્યવાહી, જો ઢોર પાર્ટી પર હુમલો થશે તો જાહેરનામા ભંગ મુજબ કાર્યવાહી થશે, જો પશુ માલિક ઢોરને છોડાવવા નહીં આવે તો 4000 રૂપિયાનો દંડ કરીને પશુઓને પાંજરાપોળમાં મોકલી આપવામાં આવશે.

હવે રાજ્ય સરકાર જે રખડતો ઢોર નિયંત્રણ કાયદા માટેની તૈયારી કરી હતી તેના પર એક નજર નાંખી લઇએ. રાજ્ય સરકારે કહ્યુ હતું કે પશુ રાખવા માટે શહેરી વિસ્તારોમાં લાયસન્સ લેવું પડશે, લાયસન્સ ધરાવનારે 15 દિવસની અંદર પોતાના પશુઓને ટેગીંગ કરવા પડશે. કાયદાના ભંગ બદલ 5થી 20 હજારનો દંડ અને 1 વર્ષની સજાની જોગવાઇ કરવામાં આવી હતી, ઢોર પકડવા આવતા પાલિકાના સ્ટાફ પર હુમલાના સંજોગોમાં 50,000થી 1 લાખ રૂપિયાનો દંડ અને એક વર્ષની જેલ.

માલધારી એકતા સમાજના પ્રમુખ નાગજીભાઇ દેસાઇએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે,AMCની નવી પોલીસીમાં લાયસન્સ સહિતની અનેક જોગવાઇઓ રાખવામાં આવી છે. દેસાઇએ કહ્યુ કે સરકાર કાયદાની આંટીઘૂટીમાં પડવાને બદલે મહાનગરોથી 30 કિ.મી દુર માલધારી વસાહત ઉભું કરવાનું કામ કરે, જેની અમે વર્ષોથી માંગણી કરી રહ્યા છે. સરકાર માલધારીઓ સાથે છેતરપિંડી ન કરે, નહીં તો ભૂતકાળની જેમ આંદોલન કરવામાં આવશે એવી ચિમકી નાગજી દેસાઇએ ઉચ્ચારી હતી. અમે પણ એવું નથી ઇચ્છતા કે સામાન્ય લોકોને રસ્તા પર તકલીફ પડે, સરકારે પહેલા માલધારીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થાનો વિચાર કરવો જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp