વડોદરાની હોસ્પિટલમાં ધિંગાણું, લુખ્ખા તત્ત્વો હથિયાર સાથે ધસી ગયા, મારામારી

PC: aajtak.in

ગુજરાતની વડોદરા જિલ્લા હોસ્પિટલમાં વોર્ડની અંદર બે જૂથો વચ્ચે ઝપાઝપી થતાં અરાજકતા સર્જાઈ ગઇ હતી. આ મારામારીનોનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વોર્ડમાં હાજર દર્દી પોતાને બચાવવા ભાગતા નજરે પડે છે. હોસ્પિટલમાં ભારે ધિંગાણું મચી ગયું હતું અને લુખ્ખા તત્ત્વોએ હથિયારો સાથે હોસ્પિટલમાં બબાલ મચાવી હતી.

વડોદરાની સયાજી (SSG)હોસ્પિટલમાં બે જૂથો વચ્ચે મારામારીની ઘટના મંગળવારે રાત્રે બની હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે હોસ્પિટલમાં દર્દીઓ પલંગ પર સુતેલા છે અને તેમને બાટલા ચઢી રહ્યા છે. આ વોર્ડમાં ડઝનથી વધારે લોકો હથિયાર સાથે ઘુસી ગયા હતા અને મારપીટ કરી હતી.

હોસ્પિટલના વોર્ડમાં મહિલાઓ અને પુરુષોની વચ્ચે એકબીજા સાથે જબરદસ્ત મારપીટ કરવામાં આવી રહી છે. વોર્ડમાં ભારે હંગામો મચી ગયો છે. બધા એકબીજાને લાત અને મુક્કાનો માર મારી રહ્યા છે. વાળ ખેંચીને પણ માર મારવામાં આવી રહ્યો છે. નવાઇની વાત એ હતી કે એક પોલીસકર્મી પણ ત્યાં હાજર હતો, પરંતુ તે મારપીટ રોકી શક્યો નહોતો.

પલંગ પર સુતેલા મહિલા અને પુરુષ દર્દીઓ પોતાનો જીવ બચાવવા ભાગતા નજરે પડી રહ્યા છે. આ બબાલ વચ્ચે અન્ય પોલીસ સ્ટાફ અને હોસ્પિટલની સિક્યોરીટી મામલાને થાળે પાડે છે.

સયાજી હોસ્પિટલના RMO ડી. કે. હેલૈયાએ જણાવ્યું હતું કે, મંગળવારે દર્દીઓને તાત્કાલિક સારવાર વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. હુસેન કાલુમુયા સુન્ની અને જાવેદ શેખને ઇજા થવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી કેટલાંક લોકોએ હોસ્પિટલમાં આવીને મારામારી કરી હતી. ટોળામાં આવેલા લોકોએ અમારા સ્ટાફને ખબર પડે તે પહેલાં જ મારપીટ શરૂ કરી દીધી હતી. પોલીસે આવીને મામલો થાળે પાડી દીધો હતો.

RMOએ વધુમાં કહ્યુ હતું કે આ મામલે કોઇ કમિટીની રચના કરવામાં નહીં આવે સીધું એકશન લેવામાં આવશે.હોસ્પિટલમાં સિક્યોરીટી છે, પરંતુ હવે સિક્યોરીટી વધારવા માટે સરકારને જાણ કરી છે. બહારથી આવેલા લોકોએ માથાકૂટ કરી હતી, પોલીસ તપાસ કરી રહી છે.

રાવપુરા પોલીસના PI પી જી તિવારીએ કહ્યુ હતું કે હોસ્પિટલમાં કેટલાંક લોકો પાઇપ અને અન્ય હથિયારો સાથે આવીને હુમલો કરીને ફરાર થઇ ગયા છે. હથિયારો કબ્જે લેવામાં આવ્યા છે અને આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp