CM કેજરીવાલે કહ્યું- ગુજરાતમાં IBનો રિપોર્ટ છે કે AAPની 94-95 સીટ આવે છે પણ...

PC: khabarchhe.com

રવિવારે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન વડોદરા એરપોર્ટથી નીકળી સુરત એરપોર્ટ થઇને વલસાડ પહોંચ્યા હતા. વલસાડ પહોંચીને અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને વિશાળ સભામાં ભાગ લીધો હતો. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેર સભામાં લાખોની સંખ્યામાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું કે, અહીં પરિવર્તન માટે લાખોની સંખ્યામાં જેટલા પણ લોકો આવ્યા છે એ સૌનો આભાર માનું છું અને હું તે સૌને વચન આપુ છું કે ગુજરાતમાં સરકાર બન્યા પછી હું તમારા પ્રેમનું એક-એક ઋણ ચુકાવીશ, તમારા બાળકોનું ભવિષ્ય બનાવીશ.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું કે, હું તમારા માટે સારા સમાચાર લઈને આવ્યો છું. IB નો રિપોર્ટ આવ્યો છે કે ડિસેમ્બરમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. IBનો રિપોર્ટ કહી રહ્યો છે કે આમ આદમી પાર્ટીની 94-95 સીટો આવી રહી છે, પણ ગુજરાતમાં આ વખતે 150 સીટ આવવી જોઇએ. ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે, ત્યારે સૌથી પહેલું કામ ભ્રષ્ટાચારને નાબૂદ કરવાનું કરીશું.

કેજરીવાલે ભાજપના એક નેતા પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, તેમની 4 એકર જમીન હતી. તે 5 વર્ષ પછી 1000 એકર જમીન થઈ ગઈ છે. આ જમીન ક્યાંથી આવી? બધા જ ધારાસભ્યોની આ જ હાલત છે, ગુજરાત લૂંટાઈ ગયું છે. અને પછી તેઓ કહે છે કે સરકાર ખોટમાં ચાલી રહી છે. દૂધ, દહીં, વીજળી, સહિત તમામ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં ગરીબ માણસ ટેક્સ આપે છે, તો શા માટે સરકાર ખોટમાં છે? ગુજરાત સરકાર દર વર્ષે 2.5 લાખ કરોડ રૂપિયા ખર્ચે છે. તો, ગામમાં છેલ્લા 27 વર્ષમાં કોઈ રોડ બન્યો છે? શાળા બની? હોસ્પિટલ બની? કોઈને દવા આપી? આ લોકો પોતાની મિલકત બનાવે છે, જમીન ખરીદવામાં અને સ્વિસ બેંકમાં પૈસા ખર્ચે છે.

તેમણે કહ્યું- આમ આદમીની સરકારમાં કોઈ ભ્રષ્ટાચાર કરશે તો તેની સામે પણ કાર્યવાહી કરશે તેવું જણાવ્યું હતું. કેજરીવાલે પોસ્ટર અંગે આક્ષેપ કર્યા હતા કે ગુજરાતમાં આવ્યો ત્યારે ભાજપવાળાએ મારી વિરુદ્ધ આખા ગુજરાતમાં પોસ્ટર લગાવી દીધા. પોસ્ટર ઉપર ભગવાન માટે અપશબ્દો લખ્યા અને ભગવાનનું અપમાન કર્યું. હું એક ધાર્મિક માણસ છું, હનુમાનજીનો કટ્ટર ભક્ત છું. બધી જ આસુરી અને રાક્ષસી શક્તિઓ મારી સામે વિરુદ્ધ એકઠી થઈ ગઈ છે. આ બધા કંસની ઓલાદ છે. હું તેમને કહેવા માંગુ છું કે, મારો જન્મ જન્માષ્ટમીનાં દિવસે થયો હતો, ભગવાને મને એક ખાસ કામ સાથે મોકલ્યો છે, લોકો અમારી સાથે છે, જનતા પરિવર્તન ઈચ્છે છે અને તેના કારણે આ લોકો બધી બાજુથી બોખલાઈ ગયા છે.

કેજરીવાલે જન સંબોધનમાં જાહેરાત કરી હતી કે, જ્યારે ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું ત્યાકે ઘણા પૈસાની બચત થશે, તે પૈસાથી સૌથી પહેલા વીજળી મફત કરીશું. ભાજપ-કોંગ્રેસ પાર્ટીઓ મને ગાળો આપી રહી છે કે, કેજરીવાલ મફતમાં વીજળી કેમ આપે છે? કેજરીવાલ મફતની રેવડી કેમ વહેંચે છે? તેમના મુખ્યમંત્રીને 5000 યુનિટ અને અન્ય ધારાસભ્યને 4000 યુનિટ વીજળી મફતમાં મળે છે. ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રીઓને મફતમાં વીજળી મળે તો તેમને કોઈ તકલીફ નથી, પરંતુ ગુજરાતની જનતાને 300 યુનિટ વીજળી મફતમાં મળે તો તેમની તકલીફ થાય છે. 18 વર્ષથી વધુ ઉંમરની જેટલી પણ મહિલાઓ છે તેમના એકાઉન્ટમાં દર મહિને ₹1000 સન્માન રાશિ જમા કરાવીશું. જેમનો અભ્યાસ પૈસાને અભાવે છુટી જાય છે. આવી દીકરીઓના હાથમાં હજાર રૂપિયા આપવાથી તેમના આવવા જવાનાં ભાડામાં મદદ મળશે અને તેમનો અભ્યાસ પૂર્ણ થશે.

તેમણે કહ્યું કે, દિલ્હીની તમામ સરકારી શાળાઓને શાનદાર બનાવી દીધી. આજે દિલ્હીની સરકારી શાળાના પરિણામો પણ ખૂબ સારા આવી રહ્યા છે. દિલ્હીમાં મજૂરોના બાળકો, રિક્ષાચાલકોનાં બાળકો, મોચીનાં બાળકો, ઇસ્ત્રી કરનારના બાળકો, ગરીબોના બાળકો ડૉક્ટર અને એન્જિનિયર બની રહ્યાં છે. તમારા બાળકોને સારું શિક્ષણ આપીશું અને તમારી ગરીબી દૂર કરીશું. દિલ્હીમાં અમે દરેક વ્યક્તિની સારવાર મફત કરી છે. આજે કોઈને ગંભીર બીમારી થાય તો ઘર, જમીન, મિલકત, દાગીના બધું ગીરવે રાખવું પડે છે, પરંતુ દિલ્હીમાં તમામ સારવાર મફત છે. અમીર હોય કે ગરીબ, તમામ માટે સારવાર મફત છે, બધી દવાઓ મફત છે, તમામ ટેસ્ટ મફત છે, ઓપરેશન ગમે તેટલું મોટું હોય તે પણ મફત છે.

તેમણે કહ્યું કે, ગુજરાતમાં 20,000 મોહલ્લા ક્લિનિક્સ ખોલવામાં આવશે. રોગ ભલે ગમે તેટલો મોટો હોય, દરેક વ્યક્તિની સારવાર મફતમાં થશે. ગુજરાતમાં 6.5 કરોડ લોકોની તમામ સારવાર મફતમાં કરવામાં આવશે. દિલ્હીમાં મેં 5 વર્ષમાં 12,00,000 બાળકો માટે નોકરીઓ ઊભી કરી. પંજાબમાં ભગવંત માન સાહેબે છેલ્લા 6 મહિનામાં 17,000 બાળકોને સરકારી નોકરી આપી છે. ગુજરાતમાં અમારી સરકાર બનશે ત્યારે અમે દરેક બાળક માટે રોજગારની વ્યવસ્થા કરીશું અને જ્યાં સુધી રોજગાર નહીં મળે ત્યાં સુધી અમે ₹3000નું બેરોજગારી ભથ્થું આપીશું અને 10,00,000 સરકારી નોકરીઓની વ્યવસ્થા કરીશું. ડિસેમ્બરમાં અમારી સરકાર બનશે અને અમે ફેબ્રુઆરીમાં તલાટીના પેપર કરાવીશું. સરકાર બન્યા પછી 6 મહિનાની અંદર જેટલા પણ જરૂરી રસ્તાઓ છે એનું પહેલા સમારકામ કરવામાં આવશે ઘઉં, ચોખા, કપાસ, નરમા અને મગની દાળ આ પાંચ પાકો પર MSP આપી દીધી છે. ગુજરાતના ખેડૂતો માટે પણ અમે 5 પાકોથી શરૂઆત કરીશું અને પછી એક પછી એક એમ તમામ પાક પર એમએસપી આપવાનું શરૂ કરીશું, ખેડૂતો માટે સિંચાઈની વ્યવસ્થા કરીશું. જો દિલ્હી અને પંજાબની અંદર પાકને નુકસાન થાય છે, તો સરકાર 1 મહિનાની અંદર તેમના ખાતામાં પ્રતિ હેક્ટર ₹ 50000 એમનાં બેંક એકાઉન્ટમાં જમા કરે છે, તે ગુજરાતમાં પણ લાગુ કરવામાં આવશે. આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ અમે આદિવાસી માટે ‘પેસા કાનુન’ લાગુ કરીશું. અત્યાર સુધી તમામ સરકારોની નિયત ખરાબ હતી, કોઈપણ સરકાર ‘પેસા કાનુન’ લાગુ કરવા માંગતી ન હતી. પરંતુ અમે ‘પેસા કાનુન’ લાગુ કરીશું, ગ્રામસભાઓને સંપૂર્ણ અધિકાર આપીશું.

CMએ કહ્યું કે, તમારા જળ, જંગલ, જમીન પર માત્ર ગ્રામસભાઓનો જ અધિકાર હશે. દિલ્હીની જેમ ગુજરાતમાં પણ અમારી સરકાર બન્યા બાદ ગુજરાતની જનતાને મફતમાં અયોધ્યાના ભગવાન શ્રી રામના દર્શન કરાવવામાં આવશે: કેજરીવાલે કોંગ્રેસને વોટ આપીને પોતાનો વોટ બગાડતા નહીં તેવી અપીલ કરી હતી. કોંગ્રેસ અને ભાજપ એક થઇ ગઇ છે. એ લોકોએ નક્કી કરી લીધું છે કે આમ આદમી પાર્ટીની સરકાર ન બનવી જોઇએ. ગુજરાતમાં બહું મોટું વાવાઝોડું આવ્યુ છે વલસાડમાં આયોજિત વિશાળ જનસભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની સાથે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, આમ આદમી પાર્ટીના નેશનલ જોઇંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને ‘આપ’ યુવા નેતા યુવરાજસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp