તુલના જ મોટાઇનો અહેસાસ કરાવે

PC: Khabarchhe.com

પ્રકરણ ત્રણમાં આપણે જોયું કે માણસનો ચગાવેલો, ખામીયુક્ત સેલ્ફ એસ્ટીમ ઇગોની બહુ નજીક છે, પરંતુ એ ઇગો નથી, કારણ કે એમાં ફક્ત વ્યક્તિના પોતાનાં જ મનની વાત હોય છે. વ્યક્તિ ફક્ત પોતાના મનમાં જ મોટો ન બની શકે. એણે મોટાં બનીને અન્ય માણસો સાથેની તુલનામાં ચડિયાતા પૂરવાર થવું પડે. તો જ એ મોટાઇનો આનંદ અનુભવી શકે. સેલ્ફ એસ્ટીમ વિશે ચર્ચા કરતી વખતે આપણી સામે એ પ્રશ્નો હતા કે હું કોણ છું, મારી ઓળખ શી છે અને મારી ક્ષમતા કેટલી છે. હવે એ પ્રશ્નો પર વિચાર કરવાનો છે કે સમાજની અન્ય વ્યક્તિઓની તુલનામાં કેવો છું. હું કોનાથી ચડિયાતો છું અને કોનાથી નબળો છું. અને જ્યારે આપણે અન્યોથી ચડિયાતા પૂરવાર થઇએ ત્યારે એક આનંદની અનુભૂતિ થાય છે.

બે માણસોમાં કોણ ચડિયાતું છે અને કોણ નબળું છે એ ફક્ત બંને વચ્ચેની સરખામણી એટલે કે તુલના કરવાથી જ નક્કી થઇ શકે. એક વિદ્યાર્થીને એક્ઝામમાં નેવું ટકા આવ્યા અને બીજાને પંચાણું ટકા આવ્યા તો બંને હોંશિયાર ગણાય, પરંતુ જો બંને વચ્ચે સરખામણી કરીએ તો સ્વીકારવું પડે કે પંચાણું ટકાવાળો નેવું ટકાવાળાં કરતાં વધુ હોંશિયાર છે. આ તો ભણવાની વાત થઇ. આ જ રીતે સમાજમાં માણસ માણસ વચ્ચે અનેક બાબતોની તુલના થઇ શકે અને એ રીતે બે માણસોમાં ચડિયાતું કોણ એ નક્કી થઇ શકે. સમાજમાં જોકે માણસો વચ્ચે મુખ્ય સરખામણી સામાજિક દરજ્જા માટે થતી હોય છે. સમાજમાં કોનું સ્ટેટસ કોના કરતાં ઉંચું અને કોના કરતાં નીચું એ માટેની જ રમત બધે ચાલી રહી હોય છે. સમાજમાં માણસ જ્યારે ઉંચું સ્ટેટસ પ્રાપ્ત કરે ત્યારે એ આનંદ અનુભવે છે. આથી જ ઉંચું સ્ટેટસ મેળવવા માટે લોકો એકેબીજા સાથે સ્પર્ધા કરતાં હોય છે. જો પડોશમાં રહેતા નીમેશભાઇ પાસે દશ લાખ રુપિયાની કિંમતની કાર છે અને તમે પણ દશ લાખ રુપિયાની કાર ખરીદો તો એમાં શું મજા આવે? આવું વિચારીને તમે પચ્ચીસ લાખ રુપિયાની કાર લેવાનું નક્કી કરશો. અને પછી જ્યારે પચ્ચીસ લાખની કાર પડોશીની દશ લાખ રુપિયાની કારની સામે ઉભી રહેશે ત્યારે કેવી મજા આવશે? ત્યારે કંઇ જ બોલવાની જરુર નહીં પડે. ઓન ધ સ્પોટ તુલના અને તમારું ચડિયાતાપણું પૂરવાર થઇ જાય. બસ, કારના બોનેટ પર હાથ રાખીને ફક્ત પડોશીની તરફ એક વાર નજર કરવાની છે. મોજ પડી જાય. અને એમાંય જ્યારે ચોથા માળે રહેતા જયેશભાઇ તમારી કાર જોઇને મોટા અવાજે બોલે કે 'અરે, તમે તો નીમેશ ભાઇની કારને પણ ટક્કર મારે એવી કાર ખરીદી.' તમારા પચ્ચીસ લાખ વસુલ.
જે રીતે એક માણસ પોતાની મેળે પોતાની મોટાઇ નક્કી ન કરી શકે એમ બે માણસો પણ આપસમાં એ નક્કી ન કરી શકે કે એ બેમાં મોટું કોણ અને નાનું કોણ. એ નક્કી કરવા માટે કોઇ ત્રીજી વ્યક્તિ અથવા ઓથોરિટી જોઇએ, જે બંને માણસોનું મુલ્યાંકન કરે અને પછી ફેંસલો કરે કે બેમાંથી ચડિયાતું કોણ અને નબળું કોણ. બે વ્યક્તિઓ વચ્ચે તુલના કરીને કોણ ચડિયાતું એ નક્કી કરનાર ઓથોરિટી એટલે આપણો સમાજ. બે માણસોમાં કોણ ચડિયાતું અને કોણ નબળું એ સમાજ નામની ઓથોરિટી નક્કી કરે છે. અને આ બાબતમાં સમાજ દ્વારા અપાતો ચુકાદો આખરી ગણાય છે. જ્યારે માણસ અન્ય કોઇ સાથેની તુલનામાં ચડિયાતો સાબિત થાય ત્યારે સમાજ ફેંસલો આપીને એને ચડિયાતો જાહેર કરતો હોય છે. બસ્સો કરોડ રુપિયાની અસ્ક્યામત ધરાવતો ધનપતિ આમ તો ખૂબ શ્રીમંત ગણાય, પરંતુ એ જ્યારે બે પાંચ હજાર કરોડની પાર્ટી સામે ઉભો રહે ત્યારે એનું તુલનાત્મક મૂલ્ય ઘટી જાય છે, કારણ કે બે વચ્ચેની સરખામણી અનિવાર્ય બની જાય અને એ બેમાં ચડિયાતું કોણ એ નક્કી કરવામાં કોઇને તકલીફ નથી પડતી.

મોટા દેખાવાના ધખારા અને સોશ્યલ મિડિયા: માણસ મોટો બનવા માટે જેટલા ધમપછાડા છે એના કરતાંય વધુ માથાકુટ પોતે મોટો છે એ દેખાડવા માટે કરતો હોય છે, કદાચ એમાં એને વિશેષ આનંદ મળે છે. ઘણા લોકોને વાતવાતમાં પોતાની મોટાઇ દેખાડવાની આદત હોય છે. અમિતાભ બચ્ચનની ફિલ્મ 'વક્ત એક દિવાર' ફિલ્મમાં બોમન ઇરાનીનું પાત્ર અને એનું તકિયાકલમ યાદ કરો. 'અરે, યે તો કુછ ભી નહીં. હમારા તો ઐસા અને હમારા તો વૈસા'. ટુંકમાં કોઇ નેગેટિવ વાતમાં પણ પોતે વધુ આગળ છે એવાં ફાંકા મારવા લાગે એવા અભરખા હોય છે લોકોને મોટાઇ દેખાડવાના. આજકાલ સોશ્યલ મિડિયાની બોલબાલા છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, કે ટ્વીટર પર લોકો મોટો ભાગે પોતાની મોટાઇનું જ પ્રદર્શન કરતાં હોય છે. પરિવાર સાથે વેકેશન પર ગયા હોય તો એના ઢગલાબંધ ફોટા સોશ્યલ મિડિયામાં ઠાલવી દેશે. એવું કહેવા માટે કે અમે તો બહુ પૈસા ખર્ચ્યા, અમે બહુ મોજ કરી. તમે શું કર્યું? અમારી તો વાત જ અલગ. અમે તમારા કરતાં મોટા માણસ છીએ. કોઇ નવી કાર ખરીદે તો એની ઘોષણાય સોશ્યલ મિડિયામાં કરશે અને ઘરમાં નવું ઇન્ટિરિયર કરાવ્યું તો ઘરના ખુણેખુણાની વિગતો જાહેર કરશે. હકીકતમાં સોશ્યલ મિડિયામાં માણસ પોતે હોય એના કરતાં વધુ મોટો હોવાનો દેખાવ કરી શકે છે. મિત્રની કાર સાથેનો ફોટો સોશ્યલ મિડિયામાં મુકીને એ પોતે નવી કાર ખરીદી એવા ફાંકા પણ મારી શકે. ક્યાંક વાંચેલા કોઇના વિચારો પોતાના નામે મુકી શકે છે. અરે, વિવિધ એપ વાપરીને પોતાને યુવાન તથા વધુ સુંદર બનાવીને સોશ્યલ મિડિયા પર રજુ થઇ શકે છે. સોશ્યલ મિડિયામાં લોકો જે રાજકીય અભિપ્રાયો વ્યક્ત કરતા હોય છે અને ટ્રોલિંગ કરતા હોય છે એની પાછળ પણ પોતાની મોટાઇ દેખાડવાનો જ આશય હોય છે. રિયલ લાઇફમાં સામાન્ય માણસોની વાત કે અભિપ્રાયનું કોઇ મુલ્ય નથી હોતું અને એ કોઇ સાંભળતું નથી હોતું, પરંતુ સોશ્યલ મિડિયામાં મામુલી માણસ પણ મોટા રાજકીય નેતા કે અન્ય સેલિબ્રિટીને ગાળો આપી શકે છે. મોટાઇ દેખાડવાનું સૌથી મોટું પ્લેટફોર્મ સોશ્યલ મિડિયા પુરું પાડે છે.

તુલના અને સ્પર્ધા જરુરી બની ગયા છે: અલબત્ત, એકબીજા સાથે તુલના કરવાની આપણને કોઇ ફરજ નથી પાડતું, પરંતુ સમાજનું માળખું જ એવું સ્પર્ધાત્મક બની ગયું છે કે માણસો વચ્ચે આવી તુલના અનાયસે થઇ જ રહે છે. આપણા પડોશીથી માંડીને સગાંવ્હાલા, મિત્રો તથા આપણી સાથે અવારનવાર સંપર્કમાં આવતા અસંખ્ય લોકો સાથે જાણતાં કે અજાણતાં આપણી તુલના થતી જ હોય છે. કોણ કોનાથી મોટું એની સમજ સૌને હોય જ છે અને એના આધારે જ બધા એકબીજા સાથે વહેવાર થતાં હોય છે. જો કોઇ વ્યક્તિ એમ વિચારે કે 'હું જે છું એમાં જ ખુશ છું, મારે કોઇની સાથે સરખામણી નથી કરવી' તો કદાચ એ શક્ય નથી, કારણ કે તમે ન ઇચ્છો તોય અમુક લોકો તમારી સાથે પોતાની તુલના કરવા લાગશે અને તમે એના કરતાં ચડિયાતા છો કે નબળા એ વાતનો અહેસાસ તમને કરાવશે. તમારી ઇચ્છા ન હોય તોય અમુક લોકો તમારી તુલના તમારા સગાંવ્હાલા, કલીગ્સ કે પડોશી સાથે સાથે કરી જ દેતા હોય છે. ઉદાહરણ. વેકેશનમાં તમે ક્યાંય ફરવા ન જવાના હોવ તો કોઈ સગાં કે સંબંધી તમારી પાસે આવી પહોંચશે અને કહેશે, 'અરે, ક્યાંય નથી જવાના? તમારા ભાઇનું ફેમિલી તો ઓસ્ટ્રેલિયા ફરવા જવાનું છે.' મોટાઇ દેખાડવી કે નહીં એ તમે નક્કી કરી શકો છો, પરતું મોટાઇ દેખાડવાની સ્પર્ધાથી દુર રહેવાનું તમારા હાથમાં નથી.

તુલના કરીને અન્યોથી ચડિયાતા પુરવાર થવાની ઘેલછા દર્શાવતા આ વિચારો તથા વાક્યો અવારનવાર આપણા કાને અથડાતા હોય છે. 'સામે રહેતા રાકેશ ભાઇએ નવી કાર ખરીદી, હવે મારે કોઇ પણ ભોગે બે મહિનામાં નવી કાર ખરીદવી પડશે. અને હું તો એનાથીય મોટી કાર ખરીદીશ.' 'બાજુવાળાની પિન્કીને ચોરાણું ટકા માર્ક્સ આવ્યા, આપણી ડિમ્પુ કેમ પાછળ રહી ગઇ? એને કેમ નેવું ટકા જ આવ્યા? આ ન ચાલે. આવતા વર્ષે એનું એક વધારાનું ટ્યુશન શરુ કરાવ. પૈસાની ચિંતા ન કર.'

'સર, હું ચાર વર્ષથી કંપનીમાં કામ કરું છું તોય સિનિયર મેનેજર જ છું. મિસિસ પટેલ બે જ વર્ષમાં વાઇસ પ્રેસિડેન્ટ બની ગયા. પ્લીઝ સર, મારી સાથે અન્યાય ન કરો. વીપી બનવા માટે મારે શું કરવું જોઇએ એ કહો. હું ગમે એ કરવા તૈયાર છું.'
મોટા ભાગના લોકોને અન્યો સાથે પોતાની તુલના કરીને મોટાઇ દેખાડવાની હોંશ હોય છે, પરંતુ કેટલાક લોકો અજાણતા જ અથવા દેખાદેખીમાં આવી ઘેલછામાં જોડાઇ જતાં હોય છે. પાંચ દશ વર્ષના બાળકોને જીવનનું સાચું શિક્ષણ આપવાને બદલે કેટલાક આધુનિક પેરન્ટ્સ એમને ડાન્સ ક્લાસમાં દાખલ કરે છે, જેથી તેઓ ટીવીના કોઇ શોમાં હિસ્સો લઇને નામના મેળવી શકે. આમાં દેખાદેખી સિવાય બીજું કંઇ જ નથી હોતું. દશ વર્ષની દીકરી ટીવી શોમાં હિસ્સો લઇ શકે એ માટે એને ડાન્સના ક્લાસીસમાં દાખલ કરવા પાછળનું કારણ ઘણી વાર દેખાદેખી અને તુલના જ હોય છે. મમ્મીની કોઇ ફ્રેન્ડની દીકરીએ આવા ટીવી શોમાં ભાગ લીધો છે અને પોતાની દીકરી એટલે કે પોતે પાછળ ન રહી જાય એવી મનમાં ભાવના હોય છે. ક્યારેક પડોશીઓ તથા સગાંવ્હાલને ઇમ્પ્રેશ કરવાનો પણ ઇરાદો હોય છે. કરુણા એ વાતની છે કે એક વ્યક્તિ સાથે તુલના કરીને, એનાથી ચડિયાતા પુરવાર થવાનો આનંદ ક્ષણિક અને અર્થહીન હોય છે. એવું કર્યા પછી આપણને બીજી વ્યક્તિ સાથે તુલના કરવાનું મન થાય છે. એનાથી ચડિયાતા પુરવાર થવાનું મન થાય છે. આવી તુલનાઓનો અને સ્પર્ધાઓનો કોઇ અંત જ નથી.

તુલના અને મોટાઇ શા માટે? વિચારવા જેવો મુદ્દો એ છે કે અન્યો સાથે તુલના કરવામાં, એમનાથી ચડિયાતા પુરવાર થવામાં માણસને શા માટે આનંદ મળે છે? શું છે આ ચડિયાતાપણું અને શું મળે છે માણસને મોટાઇ દેખાડવામાં? આ પ્રશ્નોના જવાબ શોધવાનું બહુ રસપ્રદ છે. જરા શાંતિથી વિચારો. જો તમને પુછવામાં આવે કે તમને મનગમતી બે ચાર વ્યક્તિઓ કોણ? તો તમે જે નામ વિચારશો એમાં મોટે ભાગે એવા નામ હશે, જેમનામાં નમ્રતા છે, જેઓ હંમેશાં બડાશ નથી મારતા હોતા, જેઓ પોતાને બીજા કરતાં મોટા નથી માનતા અને બીજાને નીચા પાડવાની કોશિષ નથી કરતાં. અને જેઓ તમારી વાત રસથી સાંભળે છે. ટુંકમાં જેઓ પોતાની મોટાઇ ઓછી દેખાડે છે એવા માણસો તમને વધુ ગમતા હશે. જરુરી નથી કે એ તમારા કુટુંબીજનો, મિત્રો કે તમને મદદરુપ થનારા માણસો હોય. મોટાઇ એવી ચીજ છે, જે પોતાની હોય તો માણસને ગમે છે, પરંતુ બીજાની મોટાઇ પ્રત્યે એ અણગમો અનુભવે છે. શા માટે અન્ય લોકોની મોટાઇ આપણને ગમતી નથી? આ એક મહત્વનો મુદ્દો છે. શા માટે અન્ય લોકોનું મોટાઇ દેખાડવાનું વર્તન આપણને અનકમ્ફર્ટેબલ બનાવે છે અને આપણે જાણે નીચા હોઇએ એવી અનુભુતિ કરાવે છે? જે લોકો સતત પોતાની મોટાઇ દેખાડતા હોય એવા લોકો આપણને પસંદ નથી આવતા એ હકીકત છે. પછી ભલે તેઓ આપણા આપ્તજનો હોય.

અહીં આપણે પ્લેઝર પ્રિન્સિપલ યાદ કરીએ. પ્લેઝર પ્રિન્સિપલ કહે છે કે જે વ્યક્તિ કે બાબતથી આપણને પીડાનો અનુભવ થાય તો એનાથી આપણે દૂર ભાગવાની કોશિષ કરીએ છીએ. જ્યારે પણ કોઇ વ્યક્તિ પોતાની મોટાઇ દેખાડે ત્યારે આપણે એ ગમતું નથી હોતું. આપણે નીચા હોઇએ એવી લાગણી અનુભવીએ છીએ. આપણે અસ્વસ્થતા અથવા હળવી પીડા અનુભવીએ છીએ. આ રીતે એ હકીકતનો પૂરો ખુલાસો મળી રહે છે કે દરેક માણસને મોટા બનવું હોય છે, પરંતુ અન્ય કોઇની મોટાઇ એને તકલીફ આપે છે. સાદી ભાષામાં આને ઇર્ષ્યા કહી શકાય. એક મોટી હકીકત એ છે કે પ્લેઝર પ્રિન્સિપલ આપણા મનમાં ઇર્ષ્યાભાવ પેદા કરે છે. સભ્ય સમાજમાં કોઇ પોતાના મનનો ઇર્ષ્યાભાવ ખુલ્લી રીતે દર્શાવતું નથી, પરંતુ અન્ય વ્યક્તિની પ્રગતિથી, એની મોટાઇથી અને એની મોટાઇના દેખાડાથી દરેકના મનમાં ઇર્ષ્યાભાવ પેદા થતો જ હોય છે. તો છેવટે વાત એ જ છે કે દરેક માણસને પોતાની મોટાઇ દેખાડવાનું ગમે છે, પરંતુ અન્ય કોઇ વ્યક્તિ મોટાઇ દેખાડે તો એ ગમતું નથી.

તુલના થતી હોય છે સામાજિક દરજ્જા માટેની: સમાજમાં ચારેય તરફ મોટા બનવા માટેની અને મોટાઇ દેખાડવા માટેની ઘેલછા ફેલાયેલી છે એ જોઇને એવો વિચાર આવે કે શું લોકો કંઇ જ જોયાવિચાર્યા વિના અન્યો સાથે તુલના કરીને પોતાની મોટાઇ દેખાડતા રહેતા હોય છે? શું એમના માટે કોઇ નિયમો નથી? ના. એવું નથી. સમાજમાં તુલના કરીને મોટા બનવાની જે રમતો ચાલી રહી છે એ પદ્ધતિસરની હોય છે. લોકોના સામાજિક દરજ્જા નક્કી કરવા માટેની એક આખી સિસ્ટમ ગોઠવાયેલી છે. આખરે તો માણસનો સામાજિક દરજ્જો જ નક્કી કરે છે કે સમાજમાં એનું સ્થાન ક્યાં છે. તો કઇ છે સમાજની આ સિસ્ટમ? માણસની સામાજિક પ્રતિષ્ઠા અથવા એના સામાજિક દરજ્જા કઇ રીતે નક્કી થાય છે? સમાજમાં કોને કેટલા માનપાન મળવા જોઇએ એ કઇ રીતે નક્કી થાય છે? કોણ એ નક્કી કરે છે? હકીકતમાં સામાજિક દરજ્જા નક્કી કરવા માટેની એક નિશ્ચિત અને સજ્જડ વ્યવસ્થા દરેક સમાજમાં ગોઠવાયેલી હોય છે અને એને મહદ અંશે સૌ સ્વીકારતા હોય છે.માણસના સામાજિક દરજ્જાને એના ઇગો સાથે સીધો સંબંધ છે. આથી જ ઇગોને એના અસલી સ્વરુપમાં સમજવા માટે સમાજિક દરજ્જાની વ્યવસ્થા વિશે જાણવાનું રસપ્રદ છે. આગામી પ્રકરણમાં આપણે સામાજિક દરજ્જો નક્કી કરતી વ્યવસ્થા વિશે જાણીશું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp