કોંગ્રેસ ગુજરાતમાં 9 ઑગસ્ટથી 300 કિમીની ન્યાયયાત્રા કાઢશે, જાણી લો રુટ
કોંગ્રેસ ગુજરાતમાં ન્યાય યાત્રા કરવા જઇ રહી છે. આ ન્યાય યાત્રા મોરબીથી શરૂ થશે અને તે રાજકોટ સુરેન્દ્રનગર થતી ગાંધીનગર સુધી પહોંચશે. કુલ 300 કિલોમીટરની આ ન્યાયયાત્રા હશે. આ ન્યાય યાત્રા બાબતે માહિતી આપવા આજે પ્રેસ કોન્સફરન્સ કરવામાં આવી હતી. કોંગ્રેસની ન્યાય યાત્રાની શરૂઆત 9 ઑગસ્ટથી થશે. આ ન્યાય યાત્રા મોરબીમાં બનેલી ઝૂલતા પુલ દુર્ઘટનાના સ્થળેથી શરૂ થશે. દુર્ઘટના સ્થળ પરથી ધ્વજ ફરકાવીને સવારે 9:00 વાગ્યાથી આ યાત્રાની શરૂઆત થશે. મોરબીથી શરૂ થનારી આ ન્યાય યાત્રા 11 ઑગસ્ટે રાજકોટ પહોંચશે.
રાજકોટમાં TRP ગેમ ઝોન પર સંવેદના સભા યોજાશે. આ ન્યાય યાત્રા રાજકોટમાં રાત્રિ રોકાણ કરશે અને ત્યારબાદ બીજા દિવસે રાજકોટના અલગ અલગ સ્થળો પર ફરશે. 13 ઑગસ્ટે આ યાત્રા આગળ વધશે. 15 ઑગસ્ટેના રોજ સુરેન્દ્રનગરમાં ધ્વજ વંદન કાર્યક્રમ થશે. ત્યારબાદ યાત્રા સુરેન્દ્રનગરથી આગળ વધીને અમદાવાદ પહોંચશે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં આ ન્યાય યાત્રા ફરશે. ત્યારબાદ વિધાનસભા સત્ર શરૂ થશે એ દરમિયાન આ ન્યાય યાત્રા ગાંધીનગર પહોંચશે.
કોંગ્રેસની આ ન્યાયયાત્રામાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, વેણુ ગોપાલ, મલ્લિકાર્જૂન ખડગે સહિતના નેતાઓને નિમંત્રણ આપવામાં આવશે. આ બધા નેતાઓ પોતાની અનુકૂળતા મુજબ આ યાત્રામાં જોડાશે. મોરબીથી શરૂ થતી ન્યાય યાત્રામાં એક ઘડો હશે, જેને કોંગ્રેસ ભાજપના પાપનો ઘડો નામ અપાશે. આ ઘડામાં લોકો ભાજપ સરકાર સામેની ફરિયાદો લખીને નાખી શકશે અને તેને ચોક્ક્સ જગ્યાએ ફોડી નાખવામાં આવશે.
આ ન્યાય યાત્રામાં 100 જેટલા પદયાત્રીઓ હંમેશાં સાથે રહેશે. એ સિવાય વિભિન્ન પદયાત્રીઓ પણ જોડાશે. કુલ 300 કિલો મીટરની આ ન્યાય યાત્રા હશે જેમાં રોજ 25-30 કિલોમીટરનું અંતર કાપવામાં આવશે. કોંગ્રેસના નેતાઓએ કહ્યું હતું કે, એક પણ જગ્યાએ ઢોલ નગારાથી આ ન્યાય યાત્રાનું સ્વાગત નહીં કરવામાં આવે. માત્ર સુતરની આંટીઓથી જ સ્વાગત કરાશે.
આ યાત્રા મામલે કોંગ્રેસ સેવા દળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજીભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, આગામી 9 ઑગસ્ટના રોજ ક્રાંતિ દિવસથી અમે ક્રાંતિની શરૂઆત મોરબીથી કરીશું. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના પીડિત પરિવારો, રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારોને સાથે રાખી આ ન્યાય યાત્રા કરવામાં આવશે. મોરબીના ઝૂલતા પૂલથી આ યાત્રાની શરૂઆત થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp