અમદાવાદમાં AMC જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષામાં વિવાદ, ફરી પરીક્ષાની માંગ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષાને લઈને વિવાદ ઉભો થયો છે. અમદાવાદના સરખેજમાં આવેલી કુવૈસ સ્કૂલમાં પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોને અલગ-અલગ નંબરવાળી OMR શીટ અને પ્રશ્નપત્ર આપવામાં આવ્યા હતા અને બંનેના નંબર તેમની સીટ નંબર સાથે મેચ થતા ન હતા, જેના કારણે ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો. આ કેન્દ્રના 300 ઉમેદવારોએ પરીક્ષા પ્રણાલી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો અને પુન: પરીક્ષાની માંગણી કરી હતી.
માર્ચ 2024માં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જુનિયર ક્લાર્કની 612 જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડ્યું હતું, જેના માટે હજારો ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરી હતી. અમદાવાદ અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાં 313 કેન્દ્રો પર રવિવારે પરીક્ષા લેવામાં આવી હતી. આ MCQ આધારિત પરીક્ષા બપોરે 12 વાગ્યાથી 2:30 વાગ્યા સુધીની હતી અને તમામ પરીક્ષા કેન્દ્રો પર સવારે 11:30 વાગ્યા સુધી ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
પરીક્ષા દરમિયાન, કુવૈસ સ્કૂલમાં, ઉમેદવારોને બપોરે 12:30 વાગ્યે OMR શીટ્સ અને પ્રશ્નપત્ર આપવામાં આવ્યા હતા, પરંતુ અમદાવાદની સરખેજની કુવૈસ સ્કૂલમાં ઉમેદવારોએ જોયું કે OMR શીટ્સ અને પ્રશ્નપત્રો પર લખેલા નંબરો બેઠક સાથે મેળ ખાતા ન હતા. તેથી લગભગ 300 ઉમેદવારોએ પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો અને તેની ફરિયાદ કરી હતી. આ અગાઉ પેપર લીક થયાની અફવા પણ ફેલાઈ હતી. પરીક્ષાર્થીઓનો ગુસ્સો વધી જતાં પરીક્ષા કેન્દ્ર પર વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર આર્જવ શાહે પેપર લીકના આરોપોને ફગાવી દીધા અને કહ્યું કે આવી કોઈ ઘટના બની નથી. તેમણે કહ્યું કે, કેટલાક ઉમેદવારોએ OMR શીટ્સ, પ્રશ્નપત્રો અને સીટ નંબરોમાં તફાવતને કારણે કુવૈસ સ્કૂલના પરીક્ષા કેન્દ્ર પર હંગામો મચાવ્યો હતો, પરંતુ એક સિવાયના તમામ કેન્દ્રો પર કોઈ વિવાદ થયો ન હતો. પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે.
ગુજરાત યુનિવર્સિટીના OSD ધર્મેન્દ્ર ચાવડાએ જણાવ્યું હતું કે, કુવૈસ સ્કૂલના ઉમેદવારોને પરિસ્થિતિ સમજાવવામાં આવી હતી, પરંતુ તેઓ તેને સ્વીકારવા તૈયાર ન હતા. તેમણે કહ્યું કે, પેપર લીક જેવી કોઈ ઘટના બની નથી, અને પરીક્ષા સમિતિએ નિર્ણય લીધો કે, થોડા ઉમેદવારોના વિરોધને કારણે હજારો અન્ય ઉમેદવારો સાથે અન્યાય કરવામાં આવશે નહીં. તેથી પરીક્ષા રદ કરવામાં આવશે નહીં અને ફરીથી પરીક્ષા લેવામાં આવશે નહીં.
કુવૈસ સ્કૂલમાં પરીક્ષા આપવાથી વંચિત રહી ગયેલા ઉમેદવારોએ જણાવ્યું હતું કે, આવું અગાઉ ક્યારેય બન્યું ન હતું. તેમણે કહ્યું કે સામાન્ય રીતે OMR શીટ અને પ્રશ્નપત્રનો નંબર સીટ નંબર સાથે મેળ ખાય છે, પરંતુ આ વખતે ત્રણેય નંબરો અલગ-અલગ હોવાથી પરિણામમાં ગેરરીતિ થઈ શકે તેમ હતી. કેટલાક ઉમેદવારોએ તેને પેપર લીકનો સંકેત ગણાવ્યો હતો અને ફરીથી પરીક્ષાની માંગ કરી હતી.
વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે આરોપ લગાવ્યો કે, કુવૈસ સ્કૂલમાં 12:30 વાગ્યે શરૂ થનારી પરીક્ષામાં બપોરે 1 વાગ્યા સુધી પેપર આપવામાં આવ્યા હતા, જેના કારણે કેટલાક ઉમેદવારોએ પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો. તેમણે કહ્યું કે, આ સમસ્યા ત્રણ-ચાર અન્ય કેન્દ્રોમાં પણ બની હતી અને તેની તપાસ થવી જોઈએ. યુવરાજે કહ્યું કે, જો ઉમેદવારોને ન્યાય નહીં મળે તો તેઓ વિરોધ કરશે અને 7 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp