કેનાલ નવીનીકરણના નામે થાય છે કરોડોનો ભ્રષ્ટાચાર, અધિકારીના પાપે ખેડૂત હેરાન

PC: youtube.com

બનાસકાંઠા હોય કે, સુરત પણ ભ્રષ્ટાચારના મામલા તો બધે સરખા જ હોય છે. આ વાત એટલા માટે કહી કારણ કે, જ્યારે-જ્યારે બનાસકાંઠાની કેનાલમાં પાણી છોડવામાં આવે, ત્યારે-ત્યારે કેનાલમાં ઠેર-ઠેર ગાબડાં પડે છે. ત્યારે હવે સુરતના મહુવા તાલુકામાં આવેલી કાકરાપાર ડાબા કાંઠાની કેનાલના નવીનીકરણમાં થયેલો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. આ કેનાલના નવીનીકરણના નામે સિંચાઈ વિભાગ દ્વારા કેનાલ ચાર વર્ષથી બંધ રાખવામાં આવતી હતી. ત્યારે આ વર્ષે કેનાલની નવીનીકરણની કામગીરી કરવા માટે કેનાલને 70 દિવસ બંધ રાખવામાં આવી હતી અને જ્યારે કેનાલનું નવીનીકરણ પૂર્ણ થયા બાદ કેનાલ શરૂ કર્યાના 25 દિવસમાં જ કેનાલમાં ઠેર-ઠેર મોટા-મોટા ગાબડા પડી ગયા છે. જેના કારણે કેનાલમાં માટી નાખીને કેનાલ ફરીથી બંધ કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, 26 કિલોમીટર લાંબી કેનાલનું 25 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યુ હતુ અને આ નવીનીકરણના અમુક દિવસોમાં જ કેનાલના ગાબડાં જ ગાબડાં દેખાઈ રહ્યા છે. કેનાલમાં ગાબડાં પડવાના કારણે જે પાણી ખેડૂતના પાક માટે જરૂરી છે તે પાણી કેટલાક ખેડૂતોના પાકને નિષ્ફળ કરી રહ્યું છે.

આ બાબતે ખેડૂતોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમારા ગામમાં 70 દિવસથી કેનાલ નવીનીકરણનું કામ ચાલુ હતું. 70 દિવસનું કામ પૂર્ણ બાદ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું, ત્યારે 15 દિવસમાં કેનાલમાં ઠેર-ઠેર ગાબડાં પડી ગયા છે. જેના કારણે અમારા ખેતર સુધી પાણી નથી પહોંચતું.

ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા ચોમાસા દરમિયાન જ આ કેનાલ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના કારણે એટલા સમય માટે ખેડૂતોએ પાકનું વાવેતર કર્યું ન હતુ. પરંતુ કેનાલના નવીનીકરણ પછી કેનાલમાં પાણી છોડવાની તૈયારી દેખાતા ખેડૂતોએ ખેતરોમાં શેરડીની વાવણી કરી, પરંતુ જેવું કેનાલમાં પાણી છોડવામાં આવ્યું તેવુ જ નવી બનેલી કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો શરૂ થઇ ગયો. જેના કારણે માટી નાંખીને કેનાલ ફરીથી બંધ કરી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp