સૌરાષ્ટ્રમાં સી.આર.પાટીલના સ્વાગત કાર્યક્રમની તસવીરો જુઓ, આમની પાસે કોણ દંડ લેશે

PC: khabarchhe.com

ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આજથી 22 તારીખ સુધી સૌરાષ્ટ્રના પ્રવાસે છે, જ્યાં તેઓ પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓને મળવાના છે. આ પ્રવાસ અંતર્ગત તેઓ આજે સોમનાથ પહોંચ્યા હતા અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ તેમના સ્વાગત માટે આવ્યા હતા.

પરંતુ આ સ્વાગતમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા જોવા મળ્યા હતા. કોઇએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહોતું કર્યું.

આ સિવાય ઘણા કાર્યકર્તાઓએ માસ્ક મોંઢા પર ન રાખીને સ્વાગત કર્યું હતું.

આ સ્વાગત કાર્યક્રમના ફોટા સોશિયલ મીડિયા પર વાયુવેગે પસરી ગયા હતા.

લોકોએ આ લોકો પાસેથી પણ દંડ વસૂલવાની માંગ કરી છે. લોકોએ લખી રહ્યા છે કે કાયદો શું નેતાઓ માટે નથી.

પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્તિ થયા પછી સી.આર.પાટીલ તા. 19 થી 22 ઑગસ્ટ દરમ્યાન યોજાનાર સૌરાષ્ટ્ર પ્રવાસ દરમ્યાન 6 જિલ્લાઓ ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ શહેર, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાને આવરી લેવામાં આવશે.

સ્વાગત સમયે ફટાકડાથી સી.આર.પાટીલની આંખમાં ઇજા

સૌરાષ્ટ્રના પ્રવાસે ગયેલા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી.આર.પાટીલ આજે સોમનાથ પહોંચ્યા હતા. જ્યા ભાજપના કાર્યકર્તાઓએ તેમનું ધામધૂમથી સ્વાગત કર્યું હતું અને ફડાકડા પણ ફોડ્યા હતા. પરંતુ દરમિયાન એક ઘટના બની ગઈ હતી. ફટાકડા ફૂટતા દરમિયાન સી.આર.પાટીલની આંખમાં ઇજા થઇ હતી અને અને તેમણે તાત્કાલિક પાણી આંખમાં નાખ્યું, ટીપા નાખ્યા અને આંખને રાહત આપવાની કોશિશ કરી હતી, તેમ છતા તેમને તકલીફ જણાતા તાત્કાલિક આંખના સર્જન પાસે લઇ જવામાં આવ્યા છે. આજે તેઓ સવારે સોમનાથથી તેમણે પોતાનો પ્રવાસ ચાલુ કર્યો હતો. હવે તેમની આંખની ઇજા કેવી છે, તે અંગે કોઇ સત્તાવાર માહિતી મળી નથી.

ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે,  આ પ્રવાસ દરમ્યાન જુદી-જુદી સંગઠનાત્મક બેઠકો હાથ ધરવામાં આવશે તેમજ કાર્યકર્તાઓ અને જુના જનસંઘના કાર્યકર્તાઓ સાથે મુલાકાત યોજવામાં આવશે. તેમજ કોરોના મહામારી દરમ્યાન કાર્યકર્તાઓએ કરેલ સેવાકાર્યને બિરદાવવાનું કામ પણ આ પ્રવાસ દરમ્યાન કરશે અને ધાર્મિક સ્થાનો પર દર્શન-પૂજા કરશે.

ભરત પંડ્યાએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ સૌરાષ્ટ્ર પ્રવાસ દરમ્યાન પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સોમનાથ મહાદેવ મંદિર-સોમનાથ, ઉમિયાધામ-ગાંઠીલા, ખોડલધામ મંદિર-કાગવડ તેમજ પૂ. સવૈયાનાથ સવઘણ મંદિર-ઝાંઝરકા સહિતના ધાર્મિક સ્થળોએ દર્શન-પૂજા કરશે અને ગુજરાત અને દેશ કોરોના મહામારીમાંથી સંપૂર્ણ મુક્ત થાય તે માટે પ્રાર્થના કરશે.

આ પ્રવાસ તા. 19 ઑગસ્ટ, બુધવારના રોજ સવારે 9 કલાકે સોમનાથ મહાદેવના દર્શન બાદ શરૂ થશે. ત્યાંથી વેરાવળ, કેશોદ, વંથલી થઈ જુનાગઢ શહેર પહોંચશે. ત્યારબાદ બીજા દિવસે તા. 20 ઑગસ્ટ, ગુરૂવારના રોજ જેતપુર, ખોડલધામ, ગોંડલ થઈને રાજકોટ મુકામે જશે. તા. 21 ઑગસ્ટ, શુક્રવારે સવારે રાજકોટ ખાતે પત્રકાર પરિષદ યોજાશે. ત્યારબાદ સમગ્ર દિવસ દરમ્યાન વિવિધ શ્રેણીની સંગઠનાત્મક બેઠકો યોજવામાં આવશે. રાત્રી રોકાણ ચોટીલા ખાતે કરીને તા. 22 ઑગસ્ટ, શનિવારના રોજ પ્રવાસના અંતિમ દિવસે ચોટીલાથી ઝાંઝરકા, ધંધુકા, બગોદરા, બાવળા થઈને સુરત જવા રવાના થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp