1 KG સોનું પકડેલું, હવે પાછું આપવા માટે કસ્ટમ 15000ની ઓફર કરે છે,કિંમત છે 60 લાખ

PC: theweek.in

ભારતના કસ્ટમ કાયદાની આંટીઘુંટીમાં ગુજરાતના એક વેપારી બરાબરના ફસાઇ ગયા છે. રાજકોટમાં એક વેપારી 3 વર્ષ પહેલાં દુબઇથી સોનું લઇને અમદાવાદ એરપોર્ટ આવ્યા હતા, એરપોર્ટ પર કસ્ટમે વિભાગે તેમની પાસેનું સોનું જપ્ત કરી લીધું હતું. તે વખતે સોનાની કિંમત 41 લાખ રૂપિયા હતી. આ સમયગાળામાં સોનાના ભાવમાં મોટો ઉછાળો આવ્યો અને અત્યારે એ જ સોનાની કિંમત 60 લાખ રૂપિયા પર પહોંચી ગઇ છે. હવે મુસીબત એ ઉભી થઇ છે કે ઘટનાના 3 વર્ષ પછી કસ્ટમ વિભાગ આ વેપારીને માત્ર 15,800 રૂપિયા પાછા આપવાના કહે છે,કસ્ટમનું કહેવું છે કે સોનું ટંકશાળમાં મોકલી આપ્યું હોવાથી પાછું મળી શકે તેમ નથી, જોઇતા હોય તો 15,800 રૂપિયા લઇ જાવ.

જાણવા મળેલી માહિતી મુજબ રાજકોટના વેપારી જશપાલ સિંહ તોમર વર્ષ 2020માં દુબઇથી આવ્યા હતા ત્યારે તેમની સાથે 1 કિલો સોનાના બિસ્કિટ લઇને આવ્યા હતા. તે વખતે એ ગોલ્ડ બિસ્કિટ્સની વેલ્યુ 41 લાખ રૂપિયા થતી હતી. અમદાવાદ એરપોર્ટ પર જશપાલ સિંહને રોકવામાં આવ્યા અને તેમની પાસેનું સોનું કસ્ટમ વિભાગે જપ્ત કરી લીધું હતું.

જશપાલ સિંહ તોમરના વકીલ મનન પાનેરીએ કહ્યું કે, જ્યારે અમદાવાદ એરપોર્ટ પર જશપાલ તોમરને અટકાવ્યા ત્યારે તેમણે રેડ ચેનલ પર ગોલ્ડનું ડેકલેરેશન આપી દીધું હતું. તેમણે કસ્ટમ વિભાગને ડ્યુટી ભરી દેવાની પણ તૈયારી બતાવી હતી, છતા કસ્ટમે તે સોનું જપ્ત કરી લીધું હતું. જશપાલ સિંહે એ ગોલ્ડ ફરી દુબઇ નિકાસ કરી દેવાની પણ તૈયારી બતાવી, પરંતુ કસ્ટમે એ વાત સ્વીકારી નહોતી. હવે સોનાની કિંમત 60 લાખની થઇ ગઇ છે અને કસ્ટમ પાસે સોનાની માંગણી કરવામાં આવી તો જવાબ મળ્યો કે સોનું ટંકશાળમાં મોકલી દીધું છે, એટલે પરત મળી શકે તેમ નથી. કસ્ટમ વિભાગ માત્ર 15,800 રૂપિયા પાછા આપવા તૈયાર છે. જશપાલ સિંહે હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. કોર્ટમાં એવી દલીલ ચાલે છે કે તોમરની અપીલ પેન્ડિંગ છે ત્યારે કસ્ટમ વિભાગ પાસે ગોલ્ડનો નિકાલ કરવાનો અધિકાર છે કે નહીં.

ઘણા એરપોર્ટ પર કસ્ટમ વિભાગ સોનું ગેરકાયદે લઇને આવતા હોય ત્યારે ધરપકડ કરે છે અને ઘણા લોકો તો સોનું પાછું લેવા આવતા પણ નથી. જો કે, આ કેસ પરથી એક મહત્ત્વની વાત સામે આવી છે કે જપ્ત કરાયેલા સોનાનું કસ્ટમ વિભાગ શું કરે છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp