Video: સાળંગપુર પરિસરમાં વ્યક્તિ ઘૂસી ગયો, ભીંતચિત્ર પર કુહાડી મારી, કાળો કલર...

PC: khabarchhe.com

સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટ ઊંચી મૂર્તિના બેઝમાં કંડારવામાંઆવેલા મ્યૂરલમાં હનુમાનજી સ્વામીનારાયણને પ્રણામ કરતી મુદ્રામાં દર્શાવતા વિવાદ વકર્યો છે. જેનો અનેક સાધુસંતો, લોક કલાકારો સહિત અનેક લોકો વિરોધ કરી રહ્યા છે. છેલ્લાં ત્રણેક દિવસથી ચાલી રહેલા વિવાદમાં પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, છતા શનિવારે એક હનુમાન ભક્ત મંદિર પરિસરમાં ઘુસી ગયો હતો અને ભીંતચિત્રને કુહાડીથી તોડવાનો પ્રયાસ કર્યો હતો. તેણે ભીંતચિત્રો પર કાળા કલરથી પોતું પણ ફેરવી દીધું હતું. પોલીસે એની ધરપકડ કરી લીધી છે.

સાળંગપુર મંદિરમાં હનુમાનદાદાને સ્વામીનારાયણ ભગવાનને પગે લાગતા ભીંતચિત્રથી વકરેલા વિવાદમાં શનિવારે એક ભક્ત કુહાડી લઇને ઘુસી જતા ભારે ચર્ચા જાગી છે. નવાઇની વાત એ છે કે વિવાદ પછી પોલીસનો કાફલો મંદિરની આજુબાજુ બંદોબસ્ત માટે ગોઠવી દેવાયો હતો છતા એક ભક્તે મંદિર પરિષરમાં ઘુસીને હનુમાન દાદા વાળા એ ભીંતચિંત્રને કુહાડીથી તોડવાનો પ્રયાસ કર્યો હતો અને ચિત્રો પર કાળું કપડાથી પોતું મારી દીધું હતું. ભક્તને પરિસરમાં જોઇને પોલીસ હેબતાઇ ગઇ હતી અને તાત્કાલિક તેની ધરપકડ કરવામાં આવી હતી.

બોટાદના SP કિશોર બલોળિયાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે, મંદિર પરિસરમાં ભીંતચિત્રો પર હુમલો કરનાર વ્યકિતની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની ઓળખ હર્ષદ ગઢવી તરીકે થઇ છે. હર્ષદ ગઢવી ગઢડા તાલુકાના ચારણકીનો રહેવાસી છે.SPએ કહ્યુ કે મંદિરમાં પોલીસ બંદોબસ્ત રાખેલો છે, પરંતુ મંદિરની વિશાળ જગ્યા છે અને બાજુમાં પાર્કિંગ અને ગાર્ડન છે. હર્ષદ ગાર્ડનમાંથી છુપાઇને હનુમાનદાદાની પ્રતિમા સુધી પહોંચી ગયો હતો. પ્રતિમાને હવે વાંસથી કોર્ડન કરી દેવામાં આવી છે અને જે કાળો કલર લગાવવામાં આવ્યો છે તેને દુર કરવામાં આવી રહ્યો છે.

પોલીસે કહ્યું કે હર્ષદ ગઢવીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની સાથે બીજું કોઇ હતું કે કેમ અને તે મંદિર પરિષરમાં કેવી રીતે પહોંચ્યો તે વિશેની તપાસ કરવામાં આવશે. સાળંગપુર મંદિર તરફથી ફરિયાદ આપવામાં આવશે પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

SP એ કહ્યુ કે કોઇ પણ વિવાદનો ઉકેલ સંવાદથી લાવવો જોઇએ. જો ભીંતચિત્ર મુદ્દે વિવાદ હોય તો મંદિર મેનેજમેન્ટ સાથે વાટાઘાટ કરીને ઉકેલ લાવવો જોઇએ. કોઇ વ્યકિત આ રીતે કાયદો હાથમાં લે તે વાત યોગ્ય નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp