સુરતમાં વધુ એક રત્ન કલાકારે આપઘાત કરીને જીવન ટુંકાવ્યું

PC: youtube.com

સુરતના હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે. ઘણા હીરાના કારખાનાઓ બંધ થઇ ગયા છે. હાલ હીરા ઉદ્યોગમાં વેકેશનનો માહોલ છે. દિવાળીના વેકેશન પહેલા પણ ઘણા કારખાનાઓ બંધ થયા હતા, તો કેટલાક કારખાનાઓમાંથી કર્મચારીઓને છુટ્ટા કરવામાં આવ્યા હતા. નોકરી જવાના કારણે ઘણા રત્ન કલાકારો દિવાળીમાં કપડાની ખરીદી પણ કરી શક્યા નથી. આ ઉપરાંત કામ ન મળવાના કારણે આર્થિક સંકળામણમાં આવીને રત્ન કલાકારોના આપઘાતના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા છે, ત્યારે સુરતમાં વધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યાની ઘટના સામે આવી છે.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા વિરાટ નગરમાં રહેતા જયસુખભાઈ ઠુમ્મર નામના રત્ન કલાકારે પંખા સાથે ચાદર બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. જયસુખભાઈ ઠુમ્મર સાવરકુંડલાના રહેવાસી હતા અને તે કેટલાક સમયથી યોગ્ય વળતર ન મળવાના કારણે ચિંતામાં રહેતા હતા. જે સમયે તેમના પરિવારના સભ્યો આગળની રૂમમાં બેઠા હતા, તે સમયે પાછળની રૂમમાં જઈને જયસુખભાઈ ઠુમ્મરે પંખની સાથે ચાદર બાંધીને આપઘાત કરી લીધો હતો.

જયસુખભાઈ રૂમમાંથી ઘણો સમય પછી પણ બહાર ન આવતા પરિવારના સભ્યો રૂમની અંદર ગયા હતા અને ત્યાં તેમને જયસુખભાઈ ઠુમ્મરને પંખાની સાથે લટકેલી હાલતમાં જોયા હતા. જેથી પરિવારના સભ્યોએ જયસુખભાઈના ભાઈ મહેશને તાત્કાલિક ઘરે બોલાવ્યો હતો અને પછી સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને જયસુખભાઈના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને ત્યારબાદ તપાસ શરૂ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આર્થિક સંકણામણના કારણે રત્ન કલાકારોના આપઘાતના કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી શ્યામધામ સોસાયટીમાં રહેતા રાજુ ખેની નામના રત્નકલાકારે આર્થિક સંકળામણના કારણે BRTS રોડ પર આવેલી કેનાલ પાસે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કર્યો હતો. રાજુ ખેનીએ આપઘાત કરતા પહેલા તેના એક પરિજનને ફોન કરીને કહ્યું હતું કે, હું કંટાળી ગયો છું અને મેં દવા પીધી છે. રાજુ ખેની વર્ષોથી હીરાના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. રાજુ દર મહિને 25 હજાર રૂપિયાનું કામ કરતો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી મંદીનો માહોલ હોવાના કારણે રાજુ માંડ માંડ 10 હજાર રૂપિયાનું કામ કરી શકતો હતો.

ત્યારબાદ સુરતના યોગીચોક વિસ્તારમાં આવેલી તિરુપતિ સોસયટીમાં રહેતા 42 વર્ષના જયેશ શિંગાળા રત્નકલાકાર છે. તેઓ હીરા ઘસીને પરિવારનું ગુજરાત ચલાવતા હતા. હીરા ઉદ્યોગમાં મંદીના કારણે તેમનું કારખાનું પણ બંધ થતા તેઓ છેલ્લા અઢી મહિનાના સમયથી કામની શોધખોળ કરી રહ્યા હતા પરતું તેમને કામ મળી રહ્યું નહોતું. કામ ન મળતા તેઓ આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા, તેથી સોસાયટીની બહાર જઈને તેમને અનાજમાં નાંખવાની દવાની ટીકડી ખાઈ લીધી હતી અને આ બાબતે તેમેને ભાઈને વિડીયો મોકલીને જણાવ્યું હતુ કે, તેમને બેરોજગારીથી કંટાળીને ઝેરી ટીકડી ખાઈ લીધી છે. આ બાબતે પરિવારજનોને જાણ થતા જયેશ શિંગાળાને શોધીને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ જયેશ શિંગાળાનું મોત નીપજ્યું હતું.


ત્યારબાદ સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલા અર્જુન નગર-2માં ત્રણ સંતાન અને પત્ની સાથે રહેતા મગનભાઈ દુધાત હીરા ઘસીને પરિવારના સભ્યોનું ગુજરાન ચલાવતા હતા. મગનભાઈને ત્રણ સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. હીરા ઉદ્યોગમાં મંદીના કારણે છેલ્લા એક વર્ષથી મગનભાઈ બેરોજગાર હતા. પિતાનો કામધંધો બંધ થવાના કારણે બંને દીકરીઓ સિલાઈ કામ કરીને ઘર ખર્ચ ઉપાડતી હતી. ઘરની સાથે-સાથે બંને બહેનો 13 વર્ષના નાના ભાઈનો અભ્યાસનો ખર્ચ પણ ઉપડતી હતી. 18 સપ્ટેબરના રોજ જ્યારે પરિવારના સભ્યો કોઈ દુ:ખદ પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા, તે દરમિયાન મગનભાઈ ઘરમાં એકલા હતા. ઘરમાં કોઈ ન હોવાના કારણે મગનભાઈએ રસોડામાં ગળેફાંસો ખાઈ લીધો હતો.

ત્યારબાદ સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા મંગલમ રેસિડેન્સીમાં રહેતા નયન લખાણીયા હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ હોવાના કારણે ફ્લેટના હપ્તા ભરી શકતો નહોતો. તેથી બેંક દ્વારા નયનના ઘરે એક નોટીસ લગાવવામાં આવી હતી. બેંક દ્વારા નોટીસ લગાડવામાં આવતા નયનને લાગી આવ્યુ હતું અને તેને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp