પૂર્વ MLA લલિત કગથરા કહે- મોરબી બ્રિજ માટે કલેક્ટર અને પાલિકા કેમ નથી જવાબદાર?

PC: navbharattimes.indiatimes.com

મોરબી બ્રિજ દુર્ઘટનામાં SITના રિપોર્ટ પછી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ અકસ્માતમાં કોંગ્રેસના સૌરાષ્ટ્ર પ્રદેશના આગેવાનોએ ઓરેવા ગ્રૂપના માલિક જયસુખ પટેલને ફસાવવાનો આક્ષેપ કર્યો છે. જે દિવસે SITએ રિપોર્ટ રજૂ કર્યો હતો. તે જ દિવસે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ તેમના પર બલિનો બકરો (હોળીનું નાળિયેર) બનાવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. હવે કોંગ્રેસના નેતાઓ મોરબીની ઘટના પર વધારે પ્રમાણમાં અવાજ ઉઠાવતા થઇ ગયા છે. લલિત કગથરાની સાથે કોંગ્રેસના આગેવાન લલિત વસોયા અને ધારાસભ્ય ડો.કિરીટ પટેલે આ મુદ્દે સૌરાષ્ટ્રમાં આંદોલનની ચેતવણી આપી છે. ત્રણેય નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં SIT તપાસ પર સવાલો ઉઠાવ્યા હતા.

મોરબીની ઘટનામાં SITએ એકતરફી તપાસ કરી હોવાનો આક્ષેપ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ કર્યો છે. તેમણે કહ્યું છે કે, આ દુર્ઘટના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેક્ટર અને ચીફ ઓફિસર પણ જવાબદાર છે.1995 અને 2007 વચ્ચે બે વખત કંપનીને સંપૂર્ણ કાયાપલટની જવાબદારી સોંપવામાં આવી હતી. કગથરાએ કહ્યું કે, તેઓ જયસુખ પટેલનો બચાવ નથી કરી રહ્યા પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે SITની તપાસ એકતરફી છે. આ અકસ્માત માટે તંત્રના અધિકારીઓને બદલે કંપનીના કર્મચારીઓને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે. કગથરાએ કહ્યું કે, જો કરાર હેઠળ ઓરેવા જવાબદાર છે તો કરાર મુજબ કલેક્ટર અને મોરબી નગરપાલિકા શા માટે જવાબદાર નથી? ચૂંટણીનું વર્ષ હોવાથી સરકારે કંપનીના માલિકની ધરપકડ કરી છે. આમાં માલિક જેટલી જ જવાબદારી કલેકટરની છે. માત્ર ઓરેવા ગ્રુપને નિશાન બનાવવામાં આવી રહ્યું છે.

કગથરાએ કહ્યું કે SITએ માત્ર એકતરફી તપાસ કરી છે. ઓરેવા ગ્રુપને હોળીનું નાળિયેર બનાવવામાં આવ્યું છે. મોરબી કલેક્ટર અને મુખ્ય નગરપાલિકા અધિકારી સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે. જો યોગ્ય તપાસ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અમે સામાજિક સંસ્થાઓને એકઠી કરીશું અને સરકાર સમક્ષ અમારો પક્ષ રજુ કરીશું. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે, કલેક્ટર અને પાલિકાના જવાબદાર અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ. પોતાને બચાવવા માટે સરકારે જયસુખ પટેલને બલિનો બકરો બનાવ્યો છે. અમે જયસુખ પટેલનો બચાવ નથી કરી રહ્યા, પરંતુ સરકારે જે આક્ષેપો કર્યા છે તે કલેક્ટર અને અધિકારીઓ સામે લગાવવા જોઈએ.

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે, હું લલિતભાઈની વાતને સમર્થન આપું છું, ઘણા સમયથી પાટીદાર સમાજના ઉદ્યોગપતિ સામે એકતરફી તપાસ ચાલી રહી છે. પાટીદાર સમાજના કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરો સામે પક્ષપાતી તપાસ કરવામાં આવી રહી છે. આખરે કોની સૂચના પર છેલ્લા દિવસે ચાર્જશીટ દાખલ કરીને કોર્ટને મુશ્કેલીમાં મુકવાનું વલણ છે? તેને ખોટી રીતે કેદ કરવામાં આવ્યો હતો. અધિકારીઓને જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. અવાજ જાણી જોઈને દબાવવામાં આવ્યો છે. પોલીસે કલેક્ટરની પૂછપરછ કેમ ન કરી, કલેક્ટરને એક પણ સવાલ પૂછ્યો નહીં. સરકારની નિષ્ફળતા પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. SIT દ્વારા હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં ઓરેવા ગ્રુપના માલિક અને બે ડિરેક્ટરને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp