કોઈ દેવ સ્થાન ન હોવા છતા પણ લોકો માનતા પૂરી કરવા આ જગ્યા પર ચઢાવે છે પાણી

PC: youtube.com

રાજ્યમાં ઘણા મંદિરો આવેલા છે. અલગ-અલગ મંદિરો પર લોકો તેમની મનોકામના પૂર્ણ થતા માનતા ચઢાવતા હોય છે. ત્યારે આજે ગુજરાતમાં એક એવા સ્થાનની વાત કરવી છે કે આ સ્થાન પર કોઈ દેવી-દેવતા ન હોવા છતાં પણ લોકો તેમની માનતા પૂરી થતા પાણી ચઢાવવા માટે આવે છે. આ સાંભળીને તમને પણ નવાઈ થતી હશે કે લોકો માત્ર પાણી જ શા માટે માનતા રૂપે ચઢાવે છે.

ઘણા મંદિરોમાં તો લોકો માતાજી કે દેવતાને તેમની માનતા પૂરી કરવા માટે ચાંદીનું છત્ર, ચાંદીના દાગીના કેસ પછી અન્ય કિંમત ધાતુ ચઢાવતા હોય છે. જે સ્થળ પર લોકો તેમની માનતા પૂરી થતા પાણી ચઢાવે છે તે સ્થળ મહેસાણા જિલ્લાના મોઢેરાથી ચાણસ્મા તરફ જતા રોડ પર મેસર ગામના પાટિયા નજીક આવેલું છે. આ જગ્યા પર કોઈ મોટું મંદિર બનાવવામાં આવ્યું નથી પણ એક વૃક્ષ નીચે ઇંટોની મદદથી સાવ નાનું એવું મંદિર બનાવવામાં આવ્યું છે. આ જગ્યાની આસપાસ પાણીના પાઉચની થેલીઓના પર્વત જેવા ઢગલા જોવા મળે છે.

રિપોર્ટ અનુસાર મેસર ગામ નજીક એક અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ચારેય લોકો પાણી માટેની બૂમો પાડી રહ્યા હતા અને અંતે તમામ લોકોના મોત થયા હતા. પાણી વગર ચારેય લોકોના મોત થતા લોકોએ આ જગ્યા પર પાણી ચઢાવવાની શરૂઆત કરી.

મહત્વની વાત છે કે, આ જગ્યા પર કોઈ દેવતા કે દેવીનો વાસ નથી. છતાં પણ કેટલા શ્રદ્ધાળુઓ ચારથી છ ઈંટ મૂકીને દીવો થાય તેવી વ્યસ્થા કરીને દીવો પ્રકટાવીને તેઓ પાણી ચઢાવે છે. ત્યારબાદ લોકોની આસ્થાના કારણે આ સ્થળનું મહત્ત્વ વધ્યું અને આજે પણ લોકો તેમને માનેલા કામ પૂરા થાય તો આ સ્થળ પર પાણી ચઢાવવા માટે આવે છે.

લોકોનું માનવું છે કે, જે લોકો પાણી વગર મૃત્યુપામ્યા હતા તેમના તરસ્યા આત્માને તૃપ્ત કરવા માટે લોકો અહિયાં પાણી ચઢાવે છે. આ ધરતી અતૃપ્ત હોવાથી લોકો પાણી આ જગ્યાને ચઢાવીને ધરતીને પણ પાણીથી તૃપ્ત કરે છે. આ કિસ્સા પરથી એવું કહી શકાય કે, આસ્થા લોકોના મનમાંથી જ ઉત્પન થાય છે. જ્યાં તર્કવિહીની વિચાર હોય છે ત્યાં જ આસ્થાનું સિંચન થાય છે. આ કિસ્સો મહેસાણાના મેસર ગામ નજીકની જગ્યા પર સાચો કહી શકાય. કારણ કે ભલે ત્યાં કોઈ દેવ સ્થાન નથી પણ લોકોએ રાખેલી આસ્થાથી તેમના કામ પૂરા થતા તેઓ માનતા ચઢાવવા માટે એક વૃક્ષ નીચે રહેલા નાના મંદિરની સામે દીવો કરીને પાણીની બોટલો કે પછી પાઉચ ચઢાવે છે. તેનો પૂરાવો આ સ્થાનની આસપાસ ખડકલો થયેલા પાણીના પાઉચ જ દર્શાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp