ગુજરાતમાં 12 GST સેવા કેન્દ્ર શરૂ કરતા સિતારમણ, કહ્યુ- આનાથી બોગસ રજિસ્ટ્રેશન...

PC: twitter.com

કેન્દ્ર સરકારના નાણાં અને કોર્પોરેટ અફેર્સ વિભાગના મંત્રી નિર્મલા સીતારમણના હસ્તે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં વલસાડ જિલ્લાના વાપીની જ્ઞાનધામ સ્કૂલ ખાતે GST સેવા કેન્દ્રની સાથે રાજ્યના 12 GST સેવા કેન્દ્રનું ઇ-લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય નાણામંત્રી સીતારમણે જણાવ્યું કે, બોગસ બીલિંગ અટકાવવા માટે શરૂ થઈ રહેલા GST સેવા કેન્દ્રમાં બાયોમેટ્રીક સિસ્ટમથી GST નંબર મેળવવા માટેની તમામ પ્રોસેસ પાસપોર્ટ મેળવતી વખતે કરવાની હોય તે મુજબની જ છે, માત્ર પોલિસ વેરિફિકેશન કરવાનું રહેતું નથી. ગુજરાતમાં મુખ્ય મુખ્ય જગ્યા પસંદ કરી GST સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. દરેક કચેરીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર એક સરખું છે. લોકોને સરળતા પડે તે મુજબ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જે બદલ ગુજરાત GST ટીમને બિરદાવું છું. ગુજરાત બિઝનેસનું હબ છે ત્યારે પાયલોટ પ્રોજેકટ તરીકે ગુજરાતમાં શરૂ થયેલા GST સેન્ટર અન્ય રાજ્યો માટે મોડલ બનશે.

વધુમાં તેમણે ‘‘મેરા બિલ, મેરા અધિકાર’’ કેમ્પઈન અંગે કહ્યું કે, દેશનો સામાન્યમાં સામાન્ય નાગરિક પણ ખરીદી કરતી વખતે વેપારી કે દુકાનદાર પાસે બિલ માંગી રાષ્ટ્રના વિકાસમાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપી શકે છે. ગ્રાહક ટ્રેન્ડ સેટર બની શકે છે. બિલ લેવું ગ્રાહકનો અધિકાર છે અને બિલ આપવું એ વેપારી-દુકાનદારની ફરજ છે. મેરા બિલ, મેરા અધિકારથી લોકોમાં જાગૃતિ આવી રહી છે. પીઝા, મિઠાઈ અને કપડાં જેવી નાની મોટી ખરીદી કરી ગ્રાહકોએ બિલ અપલોડ કર્યું તેનાથી લકી ડ્રોમાં જે લોકોને રૂ. 10 લાખનું ઇનામ મળ્યું છે તેઓ અભિનંદનને પાત્ર છે. વધુમાં વધુ લોકો ખરીદી કરતી વખતે બિલ મેળવી અપલોડ કરે એ દેશના વિકાસમાં મોટું કદમ કહેવાશે. દુકાનદારોએ પણ નૈતિક ફરજના ભાગરૂપે સામે ચાલીને બિલ આપે એટલી પ્રમાણિકતા દાખવવી જોઈએ. GSTને 6 વર્ષ પુરા થયા છે. લોકોની જાગૃતિના કારણે દર મહિને ટેક્સ કલેક્શન વધી રહ્યું છે. જેના થકી રાષ્ટ્રનો પારદર્શી વિકાસ થઈ રહ્યો છે. તેમણે વલસાડના પનોતા પુત્ર અને દેશના માજી PM સ્વ. મોરારજી દેસાઈને યાદ કરી કહ્યું કે, તેઓના સિદ્ધાંત અને હકારાત્મકતાના કારણે તેઓ મહાન નેતા બન્યા હતા. એશિયાની સૌથી મોટી ગણાતી વાપી જીઆઇડીસી તેમણે ભેટ રૂપે આપી હતી. દેશના અર્થતંત્રમાં વાપી જીઆઇડીસીનું બહુમૂલ્ય યોગદાન છે. આજે વાપીની ધરતી પર આવી ગર્વ અનુભવું છું એવું મંત્રીએ જણાવ્યું હતું.

રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈએ દિવાળી પર્વે વાપીને GST સેવા કેન્દ્રની ભેટ આપવા બદલ કેન્દ્રીય નાણામંત્રીનો આભાર માની જણાવ્યું કે, GST 6 વર્ષ પહેલાં લાગુ થયું ત્યારે લોકોના અનેક પ્રશ્નો હતા પરંતુ દેશના દરેક રાજ્યોના GST કાઉન્સિલના મેમ્બરોના અભિપ્રાયો જાણીને GST કાઉન્સિલના અધ્યક્ષ તરીકે નિર્મલા સીતારમણે લોકોના હિતને પ્રાધાન્ય આપી અનેક ફેરફારો કર્યા. PM નરેન્દ્ર મોદીનું સપનું હતું કે, ‘‘વન નેશન, વન ટેક્સ’’ જે સાકાર થયું છે. જે માટે આજના તબક્કે સ્વ. અરુણ જેટલીને યાદ કરવા જરૂરી છે તેમણે GSTનો મજબૂત પાયો નાખ્યો હતો. દેશના વિકાસમાં ગુજરાતનો વિશેષ ફાળો છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે. ઔદ્યોગિક ક્ષેત્રે 18 ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે. 10 ટકા ફેકટરી ગુજરાતમાં છે. ગુજરાત બિઝનેસ ફ્રેન્ડલી છે. વાપી 2 લાખથી વધુ લોકોને રોજગારી આપે છે. GST કલેક્શનમાં ગુજરાતમાં વાપી 10 ટકા ફાળો આપે છે. બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઇવે અને ડેડીકેટ ફ્રેઈટ કોરિડોર પણ વાપીથી પસાર થશે. વધુમાં ગુજરાત સેલ્સ ટેક્સ ડિપાર્ટમેન્ટની કામગીરીને બિરદાવતા તેમણે જણાવ્યું કે, 20 ટકા વધારા સાથે 1 લાખ કરોડથી વધુ GST કલેક્શન થયું છે. મેરા બિલ, મેરા અધિકારથી મોટી સફળતા મળી છે. GST સેવા કેન્દ્ર દ્વારા કોઈ પણ કરદાતા કે વિક્રેતાને તકલીફ પડશે નહી પરંતુ સુવિધામાં વધારો થશે. કોઈ પણ બોગસ રજિસ્ટ્રેશન થશે નહી. આ સેન્ટરો ઉપયોગી બનશે એવી તેમણે આશા વ્યકત કરી હતી. વધુમાં તેમણે વાપીમાં જ આ કાર્યક્રમ થવાના કારણ અંગે કહ્યું કે, વાપીમાં એશિયાની જુનામાં જુની જીઆઈડીસી છે, સ્કૂલ, હોસ્પિટલ અને પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણમાં પણ અગ્રેસર ફાળો આપે છે.

સીબીએસઆઈના ચેરમેન સંજ્ય અગ્રવાલે મેરા બીલ, મેરા અધિકાર થકી મળેલી સફળતા વર્ણવી હતી. શશાંક અય્યરે પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. GSTના ગુજરાતના ચીફ કમિશનર સમીર વકીલે સ્વાગત પ્રવચન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન રાજ્યના 12 વિવિધ GST સેવા કેન્દ્રમાં થતી કામગીરીની ફિલ્મ બતાવવામાં આવી હતી. 12 GST સેવા કેન્દ્રમાં અમદાવાદ, વડોદરા, સુરત, ગોધરા, વાપી, મહેસાણા, પાલનપુર, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીધામનો સમાવેશ થાય છે. કેન્દ્રીય નાણામંત્રીએ વાપીના GST સેવા કેન્દ્રની વિઝિટ કરી હતી. જ્ઞાનધામ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીતની કૃતિ રજૂ કરી હતી. નિર્મલા સીતારમણના હસ્તે વાપી તાલુકાની વિવિધ શાળાને ચંદ્રયાન – 3 ની પ્રતિકૃતિ ભેટરૂપે આપવામાં આવી હતી.

એપમાં બિલ અપલોડ કરનાર 6 ગ્રાહકોને રૂ. 10 લાખનું ઈનામ અપાયું

મેરા બિલ, મેરા અધિકારી લકી ડ્રોમાં રૂ. 10 લાખનું ઈનામના વિજેતા બનનાર 6 ભાગ્યશાળી ગ્રાહકોનું તેમના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં આણંદના ગૃહિણી સ્મિતાબેન રાજેન્દ્રસિંહ રાજએ રૂ. 651ના પિઝા ખરીદીનું બીલ, સુરત કતારગામના ડો. મિતેશ અરવિંદ આંબલિયાએ રેસ્ટોરન્ટમાં ભોજનનું રૂ. 665નું બિલ, અમદાવાદના શિક્ષક હર્ષદ અંબાલાલ પટેલે ગ્રોસરી ખરીદીનું રૂ. 1734નું બિલ, ભૂજના પોલીસ કોન્સ્ટેબલ રોહિત નાથુ રાઠોડે ઘર સામાન ખરીદીનું રૂ. 228નું બિલ, અમદાવાદ ચાંદખેડાના પુનિત સત્યપ્રકાશ શર્માએ કપડા ખરીદીનું રૂ. 1500નું બિલ અને અમદાવાદના અતુલ સોમાણીએ મિઠાઈ ખરીદીનું બિલ મેરા બિલ, મેરા અધિકારી એપમાં અપલોડ કર્યુ હતુ. લકી ડ્રોમાં આ 6 ગ્રાહકો વિજેતા થતા તેઓને રૂ. 10 લાખના ઈનામનો ચેક મંત્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp