શિક્ષિત બેરોજગાર આંદોલન બાબતે રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જાણો શું કહ્યું

PC: dmcdn.net

દેશની આઝાદીને લઈને અનેક ક્રાંતિઓ ઓગસ્ટ મહિનાથી શરૂ થઈ હતી, ત્યારે 2020માં ઓગસ્ટ મહિનાની શરૂઆત થતાં જ ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોનો વિરોધ સામે આવ્યો છે. બેરોજગાર બનેલા લોકો છેલ્લા કેટલાક સમયથી ટ્વીટર પર ડિજિટલ આંદોલન કરી રહ્યા હતા. ત્યારે આંદોલનને લઈને બેરોજગાર યુવકો એ હું પણ શિક્ષિત બેરોજગાર નામનું ગીત પણ લોન્ચ કર્યું છે. આ ગીતને યુટ્યુબ પર લોન્ચ કરવામાં આવ્યુ છે. ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મદિવસ નિમિત્તે રાજ્યના શિક્ષિત બેરોજગાર યુવાનોએ આંદોલનની શરૂઆત કરી છે. ગુજરાતમાં લાંબા સમયથી સરકારી નોકરીમાં ભરતી મામલે શિક્ષિત બેરોજગારોનું આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે હવે શિક્ષિત બેરોજગાર સમિતિના કાર્યકર્તાઓએ સમગ્ર ગુજરાતમાં વિરોધ દર્શાવી આ બાબતે લાંબી લડત આપવાનું નક્કી કર્યું છે. તો બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મદિવસ નિમિત્તે શિક્ષિત બેરોજગાર યુવકોએ ટ્વીટર પર વિરોધ દર્શાવી એક નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે. જેમાં CM કા જન્મદિન બને રોજગાર દિન નામનો ટ્રેન્ડ શરૂ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ઘણી ટ્વીટ પણ આ હેશટેગ સાથે થઈ છે.

શિક્ષિત બેરોજગાર આંદોલન બાબતે રાજ્ય ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા દસ વર્ષમાં એક લાખ કરતાં પણ વધારે રોજગારી આપવાનું કામ કોઈના દ્વારા કરવામાં આવ્યુ હોય તો સમગ્ર દેશની અંદર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આ સંદર્ભમાં આંદોલન સમિતિના આગેવાનોને હું થોડા દિવસો પહેલા મળ્યો હતો. આ બાબતે હાઇકોર્ટમાં કેટલાક મુદ્દાઓ છે અને બાકીની પ્રક્રિયા તીવ્ર ગતિએ ચાલી રહી છે. એટલે ગુજરાત સરકાર સતત સરકારી નોકરી અને ભરતી આપે છે. અમે જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અહીં બેઠા છીએ એટલે અમે ગુજરાતના યુવાનોની વેદનાઓથી અને તેમના પ્રશ્નોથી વાકેફ છીએ. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ બાબતે વિશેષ ચિંતા કરે છે. એટલે ગુજરાતના યુવાનોને રોજગારી મળે તે બાબતે અમારા સંપૂર્ણપણે પ્રયાસો શરૂ છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારી વચ્ચે લોકો રસ્તા પર ઉતરીને આંદોલન કરી શકતા નથી એટલા માટે લોકોએ સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પરથી સરકારની સામે પોતાની માંગને લઇને ડિજિટલ આંદોલન શરૂ કર્યા છે. થોડા દિવસો પહેલા રાજ્યના શિક્ષકોએ 4200 ગ્રેડ પેને લઈને ડિજિટલ આંદોલન શરૂ કર્યું હતું ત્યારબાદ હવે શિક્ષિત બેરોજગાર ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં અને રાજ્યના મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે ટ્વિટર પર એક નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp