સુરતમાં મકાન ધરાશાયી કેસમાં બિલ્ડર સહિત 3 સામે FIR, 1ની ધરપકડ

PC: twitter.com

ગુજરાતના સુરતમાં છ માળની ઇમારત ધરાશાયી થવાના કેસમાં પોલીસે બિલ્ડર સહિત ત્રણ લોકો સામે ફોજદારી કેસ નોંધ્યો છે. તેમજ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અહીં તમને જણાવી દઈએ કે, સુરત મહાનગર પાલિકા હેઠળના પાલી ગામમાં શનિવારે 6 માળની ઈમારત ધરાશાયી થઈ હતી. ઘણી મહેનત પછી એક મહિલાને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી, પરંતુ સાત લોકોના મોત થયા હતા.

સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી છ માળની કૈલાશ રાજ રેસીડેન્સી કાટમાળમાં ફેરવાઈ ગઈ છે. આ બિલ્ડીંગમાં રહેતા લોકો શનિવારે બપોરે પોતાના ઘરે હતા ત્યારે અચાનક મકાન ધડાકા સાથે ધરાશાયી થઈ ગયું હતું. સુરત ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. NDRF અને SDRFની ટીમોને પણ મદદ માટે બોલાવવામાં આવી હતી.

ઘણી મહેનત પછી એક મહિલાને કાટમાળમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી. પરંતુ સાત લોકોના મોત થયા હતા. લગભગ 16 કલાકથી ધરાશાયી બિલ્ડીંગનો કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, સુરત પોલીસે બિલ્ડિંગના માલિક રાજ કાકડિયા, તેની માતા રમીલા કાકડિયા અને બિલ્ડિંગના કેરટેકર અશ્વિન વેકરિયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 અને 54 હેઠળ કેસ નોંધ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, તપાસમાં એવું જાણવા મળ્યું કે, આરોપી જાણતો હતો કે, બિલ્ડિંગની સ્થિતિ રહેઠાણ માટે યોગ્ય નથી. આમ છતાં આ લોકોએ આ બધા ફ્લેટ ભાડે આપી દીધા હતા. એટલું જ નહીં, ભાડુઆતોએ તેમને સમારકામની ફરિયાદ પણ કરી હતી. પરંતુ આવતા વર્ષે સમારકામ કરાવી દઈશું તેવી ખાતરી આપવામાં આવી હતી.

SP નિરવ ગોહિલે જણાવ્યું કે, બિલ્ડિંગના માલિક રાજ કાકડિયા હાલ અમેરિકામાં છે, જ્યારે તેની માતા કસ્ટડીની બહાર છે. પોલીસે આ કેસમાં કેરટેકર અશ્વિન વેકરિયાની ધરપકડ કરી છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, છ માળની આ ઈમારતમાં લગભગ 35 ફ્લેટ હતા. પરંતુ બિલ્ડીંગની હાલત જર્જરિત હોવા છતાં લોકોને ભાડે મકાનો આપવામાં આવ્યા હતા. આ કેસની તપાસ કરી રહેલી પોલીસ હવે કાટમાળના સેમ્પલ લેશે અને FSL કરાવશે. તેમજ R&B વિભાગના નિષ્ણાતના રિપોર્ટના આધારે વધુ તપાસ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp