રાજકોટ મધ્યસ્થ જેલના 5 જેલકર્મીની અટકાયત થઈ
રાજ્યની જેલોમાંથી અવાર નવાર પ્રતિબંધિત વસ્તુઓ મળવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે રાજકોટની મધ્યસ્થ જેલમાંથી મોબાઈલ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ મળવાના કિસ્સાઓમાં વધારો થતાં રાજ્યના જિલ્લા દ્વારા મધ્યસ્થ જેલની અંદર ફરજ બજાવી રહેલા પાંચ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
રિપોર્ટ અનુસાર રાજકોટની મધ્યસ્થ જેલમાંથી અવાર નવાર મોબાઈલ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાના કિસ્સાઓમાં વધારો થયો હતો. મોબાઈલ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ મળી આવતા રાજકોટ મધ્યસ્થ જેલ ગુનેગારો માટે સજા કાપવાનું સ્થળ નહીં પરંતુ મોજ-મજા કરવાનું સ્થળ બની ગઈ હોય તેવું લાગી રહ્યું હતું. જાન્યુઆરી 2020થી જુન 2020 સુધીમાં રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળવાના 11 જેટલા કેસ સામે આવ્યા હતા. ત્યારે પ્રતિબંધિત વસ્તુઓ જેલમાંથી મળવાના કિસ્સાઓમાં સતત વધારો થવાના કારણે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં માટે એક SITની રચના કરવામાં આવી હતી. SITની રચના બાદ રિપોર્ટ રાજ્ય જેલ વડા કે.એલ.એન. રાવને સોંપવામાં આવ્યો હતો. જેથી રાજકોટ જિલ્લા મધ્યસ્થ જેલમાં ફરજ બજાવી રહેલા પાંચ જેલ કર્મીઓને સસ્પેન્ડ કરવા માટેના આદેશો આપવામાં આવ્યા હતા.
પાંચ જેલ કર્મીઓમાં હવલદાર ભીમા કેશવાલા, સુબેદાર છોટુ ચુડાસમા, જેલ સહાયક ભરત ખાંભરા, જેલ સહાયક હરપાલ સોલંકી અને જેલ સહાયક રાજદીપ ઝાલાનો સમાવેશ થાય છે. આ પાંચ જેલ કર્મીઓને સસ્પેન્ડ કરી તેમની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે. તો બીજી તરફ પોલીસે અગાઉ 15 જેટલા કેદીઓની પૂછપરછ કરી હતી અને જેના આધારે રાજ્ય જેલ પોલીસ વડાએ આ પાંચેય કર્મીઓની સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી મહિનાના જેલમાંથી મોબાઈલ, ચાર્જર અને તમાકુની 12 પડીકી મળી આવી હતી અને સમગ્ર મામલે પ્રહલાદનગર પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો હતો. ત્યારબાદ લોકડાઉનમાં રાજકોટ મધ્યસ્થ જેલમાંથી બેટરી સાથે 4 મોબાઈલ મળી આવ્યા હતા. નવી જેલ 1ના યાર્ડ નંબર 5ની બેરક 2અને 4માંથી 4 ફોન મળી આવ્યા હતાં. મોબાઈલ મળવા મામલે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરાવામાં આવી હતી. આ પ્રકારના 11 જેટલા કેસ સામે આવતા જવાબદાર જેલ કર્મીઓ સામે જ જેલ પોલીસ વડા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp