કોંગ્રેસના પૂર્વ MLA અંબરિશ ડેર મારા મિત્ર છે, તેમને હું ભાજપમાં લાવીશ: પાટીલ

PC: facebook.com/CRPatilMP

સૌરાષ્ટ્રના વેરાવળમાં એક મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલના કાર્યક્રમમાં હાજર રહેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંબરિશ ડેરને જોઇને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે મોકા પર ચોકો મારી દીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સી આર પાટીલે કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્ય અંબરિશ ડેર મારા મિત્ર છે. તેમને હું ભાજપમાં લઇ આવીશ. પાટીલે મજાકમાં કહ્યુ કે, બસમાં તેમના માટે રૂમાલ રાખ્યો હતો, પરંતુ તેઓ બસ ચૂકી ગયા હતા. પાટીલના નિવેદન પછી હજુ અંબરિશ ડેરની કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ ગુજરાતના રાજકારણમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

લોક સાહિત્યાકર મયાભાઇ આહીરની ગીર સોમનાથના વેરાવળ ખાતે નવી બની રહેલી હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી આર પાટીલ સહિતના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે માયાભાઇ આહિર સાથે મિત્રતા હોવાને કારણે કોંગ્રેસના ધારાસભ્ય અંબરિષ ડેર પણ હાજર રહ્યા હતા.

સી આર પાટીલે આ પ્રસંગે કહ્યું હતું કે, જેમના માટે મેં બસમાં રૂમાલ મુકી રાખ્યો હતો, પરંતુ તેઓ બસ ચુકી ગયા એવા મારા મિત્ર અંબરિષ ડેરને હું હાથ પકડીને ભાજપમાં લાવવાનો છું.

અંબરિષ ડેર આહીર સમાજનો જાણીતો ચહેરો છે અને તેઓ રાજુલા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છે. સી આર પાટીલે બસમાં રૂમાલ મુકવાની જે વાત કરી તેનું અનુસંધાન એવું છે કે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપે અંબરિશ ડેરને ભાજપમાં લાવવા માટે ઘણા પ્રયાસ કર્યા હતા. પરંતુ ડેર કોંગ્રેસમાંથી જ ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા.

સી આર પાટીલે કાર્યક્રમમાં તેમને જોઇને ફરી સોગઠી મારી અને એવો મેસેજ આપ્યો કે હજુ પણ તમારા માટે ભાજપના દરવાજા ખુલ્લા છે. પાટીલના નિવેદન પછી અંબરિષ ડેરે કોઇ પ્રતિક્રિયા આપી નથી.

જો કે આ પહેલા પણ સી આર પાટીલે વર્ષ 2021માં અમરેલી જિલ્લાના બાબરિયાધામમાં આહીર સમાજના સમૂહલગ્નોત્સવમાં ભાગ લીધો હતો, તે વખતે પણ અંબરિષ ડેર હાજર હતા. પાટીલે તે વખતે કહ્યું હતું કે, મારે કોંગ્રેસના ધારાસભ્ય અંબરિષ ડેરને મારે ખખડાવવા છે, તેઓ મારા મિત્ર છે અને મને તેમને ખખડાવવાનો અધિકાર છે.

હવે આગામી દિવસોમાં ખબર પડશે કે અંબરિષ ડેર પોતાના ઘર કોંગ્રેસમાં જ રહે છે કે પછી સી આર પાટીલે મુકી રાખેલા રૂમાલ પર જગ્યા લઇ લે છે, મતલબ કે ભાજપમાં જોડાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp