26th January selfie contest

અધેલાઇથી નારી વચ્ચેના રૂ. 820 કરોડના ખર્ચે બનનાર ફોર ટ્રેક રોડનો શીલાન્યાસ

PC: Khabarchhe.com

ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ જણાવ્યું છે કે, દેશની રાજનીતિમાં યુવાનોનું ખૂબ જ મહત્વ છે. યુવાનોની ઉર્જા, કેલીબર, કેપેસીટી, કોન્ફીડન્સ, અને કેરેકટર દ્વારા દેશનો વધુ વિકાસ થશે પ્રજાએ લોકશાહીના જતન માટે ક્રીમીનાલીટીને નાબુદ કરી દરેક સમાજને સામાજિક ન્યાય મળે તે માટે જાતિ આધારીત રાજનીતિ દુર થાય તે આજની નિતાંત આવશ્યકતા છે.

ભાવનગર ખાતે રૂ. 820 કરોડના ખર્ચે બનનાર નારી થી અધેલાઇ સુધી બનનાર નેશનલ હાઇવે નંબર 751 સેક્શનને ચારમાર્ગીય કરવાના કાર્યનો શીલાન્યાસ કરીને ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ ભાવનગરવાસીઓને ગુજરાતીમાં અભિનંદન પાઠવીને જણાવ્યું હતું કે, આ ઐતિહાસીક નગરમાં આવવાનો મને અવસર મળ્યો તેનો આનંદ છે.

આજે ગુજરાતના પનોતા પુત્ર વૈજ્ઞાનિક ર્ડા. વિક્રમ સારાભાઇ નો જન્મ દિવસ છે તેને યાદ કરીને ઉપરાષ્ટ્રપતિએ દેશના વિકાસમાં ગુજરાતના મહાનસપૂતો પુ. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, મોરારજી દેસાઇ અને આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યોગદાનની સરાહના કરી હતી.

ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ જણાવ્યું કે, વર્ષ 2017-18માં દેશમાં 9800 કિ.મી. રસ્તાઓનું અને વર્ષ 2018-19માં 16000 કિ.મી. રસ્તાઓનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે. આગામી વર્ષોમાં દેશના તમામ ગામોને સાંકળી લઇ 60,000 કિ.મી. ના ગ્રામીણ માર્ગો બનાવવામાં આવશે. ગામડાઓને ઓપ્ટીકલ ફાઇબર અને વીજજોડાણથી જોડીને દેશમાં જે વિકાસ થઇ રહ્યો છે તેનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું કે, પછાત વર્ગોનું ઉથ્થાન કરીને સર્વસ્પર્શી વિકાસને પ્રાથમિકતા આપી દેશને ભય, ભ્રષ્ટાચાર અને અત્યાચારથી મુકત બનાવવો છે. વર્લ્ડ બેંક અને વર્લ્ડ ઇકોનોમીક ફોરમના રીપોર્ટની વિગતો આપી તેમને જણાવ્યું કે, ભારત શક્તિશાળી દેશ તરીકે વિકાસ કરી રહ્યો છે. આ ચારમાર્ગીય રસ્તાના નિર્માણથી અમદાવાદ-ભાવનગર વચ્ચેનો સંપર્ક વધુ સરળ બનશે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેટમેન્ટ રીજયનનાં વિકાસના કારણે ગતિ પકડાશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. ઉપરાષ્ટ્રપતિના હસ્તે મુખ્યમંત્રી ગુહ યોજના અંતર્ગત ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા નિર્મિત 852 અને મહુવા ખાતેના 336 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ઉપરાષ્ટ્રપતિના હસ્તે કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવીયાના સાંસદ તરીકેના અનુભવોને આલેખતું ‘માય જર્ની ઇન પાર્લામેન્ટ’ પુસ્તકનું પણ વિમોચન પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવીયાના જાગૃત સાંસદ તરીકેની ભૂમિકાની પ્રસન્સા કરી જનપ્રતિનિધિનું કર્તવ્ય શું હોય છે. તે દર્શાવાનો પ્રયાસ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. ગુજરાતના લોકો વિકાસને વરેલા છે અને ખૂબ જ પ્રેમાળ છે. તેથી હું ગુજરાતને બહુ જ પસંદ કરું છું તેનો ઉલ્લેખ કરી ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ જણાવ્યું કે, ગુજરાતના મહાનગરો નવી દિશા સાથે વિકાસ પામ્યા છે. રોજગારીના નવા અવસરો પણ ખૂલ્યા છે.

રાજ્યપાલ ઓ.પી. કોહલીએ જણાવ્યું હતુ કે, સર્વાગી વિકાસ માટે માર્ગ પરિવહન ખૂબ જ જરૂરી છે. કેન્દ્ર સરકારની ભારતમાલા યોજના હેઠળ ખૂબ જ ઝડપથી માર્ગ વિકાસ થઇ રહ્યો છે. ગુજરાતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓથી રસ્તાઓનું નેટવર્ક મજબૂત બન્યું છે. રાજ્યના પવિત્ર યાત્રાધામોને ચારમાર્ગીય બનાવવામાં આવી રહ્યા છે. ગતિ અને પ્રગતિના કારણે સામાજિક અને આર્થિક વિકાસના સીધા લાભો પ્રજાને મળે છે તેની ભૂમિકા તેમણે આપી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, ભાવનગરનો આ ચાર માર્ગીય રસ્તાથી તથા પ્લાસ્ટિક પાર્ક અને જી.આઇ.ડી.સી.માં વધારો કરીને ભાવનગરના વિકાસ માટે રાજ્ય સરકાર કૃતનિશ્ચયી છે. ભાવનગરમાં પ્લાસ્ટિક ઉદ્યોગના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા 151 એકર જમીન જી.આઇ.ડી.સી.ને ફાળવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા રૂ.8 હજાર કરોડના રસ્તાઓ સહિત ગુજરાતના રેલ્વે ટ્રાફીકને ધ્યાનમાં લઇ તેને ઓવરબ્રિજથી સાંકળવાનું આયોજન કર્યુ છે. જાન માટે એસ.ટી. બસોની રાહત દરે ફાળવણી તથા મહાનગરોમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે અભિયાન હાથ ધર્યુ છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને થતો અન્યાય ભૂતકાળ બની ગયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના આયોજનની ગુજરાત વિશ્વના વિકાસનું સિમ્બોલ બનશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ હતું કે, શ્રાવણ જેવા પવિત્ર માસના પ્રથમ દિવસે આ રોડનો શિલાન્યાસ થયો છે તે સદૈવ યાદગાર બની રહેશે. ગુજરાતમાં દર વર્ષે નાનામાં નાના ગામથી શહેર સુધીનાં માર્ગો રૂ. 8 થી 9 હજાર કરોડના માર્ગોનું નિર્માણ કરવામાં આવે છે તેમ જણાવી તેમણે કહ્યું કે, 1995મા ગોકૂળિયા ગામની યોજના દ્વારા ગામોને શેરીઓને જોડતા આર.સી.સી. રોડ બનાવવામાં આવ્યા હતા. તે નાના પ્રમાણમાં હતા પરંતુ આજે 33 કિ.મી. જેટલો મોટો ફોર ટ્રેક રોડ આર.સી.સી.નો બનવાનો છે તે ગુજરાતના વિકાસની ગતિને દર્શાવે છે. આ રોડ બનવાથી ભાવનગર-અમદાવાદનુ અંતર 30 કિ.મી. જેટલું ઘટી જશે તેથી આ રોડ પસાર થતા હજારો વાહનોનું કરોડો રૂપિયાનું પેટ્રોલ-ડિઝલ બચી જશે તેમ જણાવી તેમણે બગોદરા થી ભાવનગરનો રસ્તો ચારમાર્ગીય બનાવવાની જાહેરાત કરી હતી. રાજ્યના રેલ્વે ફાટકો પર પણ ઓવરબ્રિજ બનાવવા માટેની પ્રતિબદ્ધતા પણ તેમણે આ તકે વ્યક્ત કરી હતી.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ, શિક્ષણ તથા કેમિકલ ફર્ટિલાઇઝર રાજ્યમંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું કે, આઝાદીથી અત્યાર સુધી દેશમાં 98 હજાર કિ.મી.ના રસ્તાનું નિર્માણ થયું હતું. જયારે છેલ્લા આઠ વર્ષમાં જ દેશમાં 1 લાખ કિ.મી.ના રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું છે. દેશમાં રોજના 88 કિ.મી.ના હાઇવે તથા 134 કિ.મી.ના ગામડાના રસ્તા રોજ નિર્માણ પામે છે. રોડ, રસ્તા, એરપોર્ટ, પોર્ટ, રેલ્વેના વિકાસ સાથે ગતિ પ્રગતિ વધે છે તેની રૂપરેખા તેમણે આપી હતી.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, ભાવનગર ખાતે પ્લાસ્ટિક ઉધોગના વિકાસ માટે કેન્દ્ર સરકાર તરફથી પ્લાસ્ટિક પાર્કની સ્થાપનાની મંજુરી મળી ગઇ છે. આ ઉપરાંત પ્લાસ્ટિક ક્ષેત્રે નવા સંશોધનો કરવા માટે ‘સેન્ટ્રલ પ્લાસ્ટિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ની સ્થાપનાની પણ મંજૂરી મળી ગઇ છે તેથી ભાવનગર જિલ્લામાં પ્લાસ્ટિક ઉદ્યોગનો નોંધપાત્ર વિકાસ થશે.

આ અવસરે મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા નિર્મિત ભાવનગર ખાતે 852 અને મહુવા ખાતે નિર્મિત 336 આવાસોનુ ડિજીટલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવીયાના રાજ્યસભાના અનુભવોને આલેખતું ’’ માય જર્ની ઇન પાર્લામેન્ટ ’’ પુસ્તકનું પણ વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

આ અવસરે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે, સાંસદ ડૉ. ભારતીબેન શિયાળ, ધારાસભ્ય કેશુ નાકરાણી, જિલ્લા પંચાયત પ્રમુખ વક્તુબેન મકવાણા, મેયર મનહર મોરી, જી.આઇ.ડી.સી.ના ચેરમેન બલવંતસિંહ રાજપૂત, કલેક્ટર હર્ષદ પટેલ, ભાવનગર મ્યુનિસિપલ કમિશનર એમ. એ. ગાંધી, હાઉસીંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા, ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણના અધિકારીઓ પદાધિકારીઓ તથા ભાવનગરના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp