કોંગ્રેસ MLA ગેનીબેને કહ્યું- દારૂડિયાઓને હવે માઉન્ટ આબુ સુધી નહીં જવું પડે...
રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી ખાતા દ્વારા ગાંધીનગર સ્થિત ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક્સ સિટી (GIFT City)માં કામ કરતા કર્મચારીઓ, અધિકારીઓ તથા GIFT Cityની મુલાકાતે આવતા મુલાકાતીઓને દારુ પીવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકારના આ નિર્ણયને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે નિંદા કરી છે. ગેનીબેન ઠાકોરે એક વીડિયોના માધ્યમથી જણાવ્યું છે કે દારૂડિયાઓને હવે માઉન્ટ આબુ સુધી નહીં જવું પડે અને દારૂ પીને કોઈ ક્રાઇમ કરશે તો કહેશે, અમે તો GIFT Cityમાં દારૂ પીધો છે.'
ગાંધીનગરમાં બનાવેલી GIFT City ભારતની પ્રથમ સ્માર્ટ સિટી છે. GIFT Cityમાં કામ કરતા કર્મચારીઓ, અધિકારીઓ તથા GIFT Cityની મુલાકાતે આવતા મુલાકાતીઓને ગુજરાત સરકાર દ્વારા દારુ પીવાની છૂટ આપવામાં આવી છે. રાજ્ય સરકારના આ નિર્ણયની નિંદા કોંગસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કરીછે. તેમણે જણાવ્યું કે ગાંધીજીના ગુજરાતમાં બંધારણીય રીતે દારૂબંધીનો કાયદો અમલમાં છે. ત્યારે ગુજરાત સરકારે દારૂડિયાઓને છૂટ આપવા માટે અને બૂટલેગરોને મોટો ધંધો થાય એ માટે ગાંધીનગર સ્થિત GIFT Cityમાં દારૂની જે છૂટ આપી છે એ નિંદનીય છે. કોઈપણ માણસ ક્રાઇમ કરશે, કોઈને નુકસાન કરશે, દારૂ પીધેલો પકડાશે તો એક જ વાત આવશે કે અમે તો GIFT Cityમાં દારૂ પીધો છે.
તેમણે આગળ જણાવ્યું કે, ગુજરાતના દારૂડિયાઓને અને બૂટલેગરોને માઉન્ટ આબુ અને બીજા રાજ્યોમાં ન જવું પડે તે માટે તેમને હવે ગુજરાતમાં જ વ્યવસ્થા મળશે. ગુજરાતને કલંકિત કરવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. આ બાબતને અમે નિંદા કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આવા લોકોને સદબુદ્વિ આપો કે ગાંધીજીના ગુજરાતને કલંકિત કરવાનું કામ ન કરે.
ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દારૂબંધીની બાબતે હંમેશાં આક્રમક અંદાજમાં જોવા મળે છે. તેઓ ઘણીવાર જનતા રેડ કરીને દારૂના અડ્ડાઓ ઝડપે છે. જો કે જૂલાઇ 2023માં ગેનીબહેન ઠાકોરનો સગો ભાઇ જ પીધેલી હાલતમાં અને દારૂના ક્વોટર સાથે પકડાયો હતો. બનસકાંઠા LCB પોલીસને ભાભરના અબાસણા ગામે જાહેરમાં દારૂ પીને એક વ્યક્તિ બકવાસ કરતી હોવાની બાતમી મળી હતી. આ બાતમીને આધારે અબાસણા ગામે LCBએ રેડ પાડી હતી, જેમાં પ્રહલાદ મણાજી ઠાકોરના ઘરની નજીકથી ગેનીબેનનો ભાઇ રમેશ નગાજી ઠાકોર પીધેલી હાલતમાં મળી આવ્યો હતો અને તેની પાસેથી પાસેથી દારૂની બોટલ મળી આવી હતી. જેથી પોલીસે કસ્ટડીમાં લઇને ભાભર પોલીસ સ્ટેશને લઇ જઇને તેની વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધ્યો હતો.
આ મામલે દિયોદરના DySP ડી.ટી.ગોહિલે જણાવ્યું હતું કે ભાભરના અબાસણા ગામમાં પ્રહલાદ ઠાકોર દારૂનો વેપલો કરતો હોવાની LCBને બાતમી મળી હતી, જેને લઇને LCBએ રેડ કરી હતી. જોકે પ્રહલાદ ઠાકોર ઘરે હાજર નહોતો, પણ ઘરમાંથી 4 દારૂની બોટલ મળી આવી હતી. જ્યારે આ ઘરની બાજુમાં પતરાવાળી દુકાનમાં ચેક કરવામાં આવતા રમેશ નગાજી ઠાકોર પીધેલી હાલતમાં મળી આવ્યો હતો, ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો ભાઇ છે. 19 માર્ચ 2022ના રોજ વાવનાં કોંગ્રેસનાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે રાત્રે 03:00 વાગ્યે જનતા રેડ કરીને ભાભરથી કોતરવાડાની કેનાલ પાસેથી દારૂના જથ્થા સાથે બૂટલેગરને રંગેહાથે ઝડપી પાડ્યો હતો અને એનો વીડિયો પણ વાયરલ કર્યો હતો.
ત્યારે ગેનીબહેન ઠાકોરે જણાવ્યું હતું કે હવે બનાસકાંઠા જિલ્લાના યુવાધનને જો કોઈ બરબાદ કરવાનું વિચારશે તો તેને આવી રીતે જ સબક શીખવાડવામાં આવશે, સાથે પ્રશાસન અને પોલીસ સામે આરોપ કરતા કહ્યું હતું કે મે 15 માર્ચ 2022ના રોજ વિધાનસભામાં બૂટલગેરનાં નામ જાહેર કર્યાં હતા, પણ સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી અને જિલ્લા પોલીસ પણ બૂટલેગરો સાથે મળેલી હોવાના આરોપ કર્યા હતા, સાથે રાજસ્થાન સરહદમાંથી મોટા પાયે બનાસકાંઠામાં દારૂની હેરાફેરી થતી હોવાની વાત કહી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp