હવે ગોપાલ ઇટાલિયાએ પણ મમરો મુકી દીધો, ભાજપની શું મજબુરી છે કે રૂપાલાને...

PC: twitter.com

ગુજરાતમાં છેલ્લાં 15 દિવસથી રૂપાલા વિવાદ ચર્ચાને ચકડોળે ચઢેલો છે અને ક્ષત્રિય સમાજે હજુ લડતનું રણશીંગુ ફુંકેલું છે એવા સમયે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ પણ વહેતી ગંગામાં હાથ ધોઇ નાંખ્યા હતા. ઇટાલિયાએ રૂપાલ વિવાદમાં મમરો મુકતા કહ્યું કે, ભાજપની એવી તે શું મજબુરી છે કે, પરષોત્તમ રૂપાલાને હટાવતા નથી?

લોકસભાની ચૂંટણીમાં પ્રચાર તો પુરજોશમાં ચાલી રહ્યો છે, પરંતુ 23 માર્ચે પરષોતમ રૂપાલાના એક નિવેદને ક્ષત્રિય સમાજના લોકોમાં આક્રોશનો પલિતો ચાંપી દીધો હતો. પરષોત્તમ રૂપાલાએ રાજકોટની એક સભામાં કહ્યુ હતું કે, અંગ્રેજના સમયમાં રાજા-મહારાજાઓ નમી ગયા હતા અને રોટી-બેટીના વહેવાર કર્યા હતા. આ નિવેદનથી ક્ષત્રિય સમાજ લાલચોળ થઇ ગયો હતો અને ઠેર ઠેર રૂપાલાનો વિરોધ શરૂ થયો હતો. ભાજપે ડેમેજ કંટ્રોલ કરવાના અનેક પ્રયાસ કર્યા, પરંતુ ક્ષત્રિય સમાજ રૂપાલાને માફી આપવા તૈયાર નથી.

ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે, રૂપાલાના રાજકોટ બેઠકથી હટાવો. રૂપાલા પોતે બે-ત્રણ વખત માફી માંગી ચૂક્યા છે, ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ બે હાથ જોડીને માફી માંગી લીધી, પરંતુ હજુ વિવાદ શાંત પડ્યો નથી.

7 એપ્રિલ, રવિવારે પરષોત્તમ રૂપાલા સુરતના વરાછા વિસ્તારમાં આયોજિત એક સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપવા આવવાના છે. રાજકોટ તાલુકાના અનેક લોકો સુરતમાં આવીને વસ્યા છે ત્યારે પોતાનો પ્રચાર કરવા માટે રૂપાલા સુરત આવી રહ્યા છે. તો બીજી તરફ સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ પણ વરાછામાં રાત્રે એક સભાનું આયોજન કર્યું છે અને તેમાં ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથિરીયા પણ સભામાં જોડાવવાના છે.

એ પહેલા ગોપાલ ઇટાલિયાએ ક્ષત્રિય સમાજની માંગને સમર્થન આપતા નિવેદન આપ્યું છે કે, પરષોત્તમ રૂપાલાએ રાજકોટ બેઠક પરથી રાજીનામું આપી દેવું જોઇએ. વિશાળ ક્ષત્રિય સમાજની માંગ હોવા છતા ભાજપ શા માટે માંગણી સ્વીકારતું નથી. ભાજપની એવી તે શું મજબુરી છે?

જો કે બીજી તરફ પરષોત્તમ રૂપાલાએ પોતાનો પ્રચાર કાર્યક્રમ પુરજોશમાં ચાલુ રાખ્યો છે. એ વાતનો મતલબ એ માનવામાં આવી રહ્યો છે કે ક્ષત્રિય સમાજના વિરોધ છતા ભાજપ રાજકોટ બેઠક પરથી રૂપાલાના બદલવાના મૂડમાં નથી. બીજી તરફ સોશિયલ મીડિયા પર પાટીદાર સમાજના યુવાનોએ આઇ એમ વિથ રૂપાલા હેશ ટેગથી સમર્થન કેમ્પેઇન શરૂ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp