ગુજરાતના ખેડૂતોને ઉનાળુ પાકનું વાવેતર ન કરવા સરકારની અપીલ, જાણો કારણ

PC: ndtv.com

ચાલુ વર્ષે મધ્યપ્રદેશમાં ઓછો વરસાદ થવાને કારણે નર્મદા સ્ત્રાવ વિસ્તારમાં છેલ્લા 15 વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે નર્મદા સ્ત્રાવ ક્ષેત્રમાં આવેલ બંધોમાં દર વર્ષ કરતાં 45% ઓછો પાણીનો સંગ્રહ થયો હોય, ખેડૂતોને સિંચાઇ માટે 15 મી માર્ચ - 2018 સુધી પાણી પૂરું પાડવામાં આવશે ત્યારબાદ ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર ન કરવા અથવા પોતાની પાસે કોઇ અન્ય સ્ત્રોત હોય તો વાવેતર કરવા નર્મદા નિગમ દ્વારા જણાવાયું છે.

નર્મદા નિગમ દ્વારા વધુમાં જણાવ્યા અનુસાર આ વર્ષે મર્યાદિત પાણી ઉપલબ્ધ હોય, નર્મદા યોજનામાં હાલ સંગ્રહ થયેલ પાણીનો ઉપયોગ રાજ્યના કરોડો નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હોય, આ નિર્ણય કરાયો છે. સરદાર સરોવર બંધના પાણીનો ઉપયોગ નર્મદા કમાન્ડ વિસ્તારમાં ચોમાસુ, શિયાળું પાક માટે પૂરું પાડવામાં આવે છે.

આ વર્ષે નર્મદા સ્ત્રાવ ક્ષેત્રમાં આવેલ બંધોમાં પાણીનો સંગ્રહ 45% ઓછો હોવાને કારણે નવી દિલ્હી ખાતે નર્મદા કન્ટ્રોલ ઓથોરીટીની તા.10.01.2018ના રોજ મળેલ મીટિંગમાં ગુજરાત અને મધ્યપ્રદેશના બંધોમાં પાણી ઓછું હોવાથી દરેક રાજ્યને ફળવાતું પાણીમાં કાપ મૂકવામાં આવ્યો છે. જેના કારણે ગુજરાતને સામાન્ય સંજોગોમાં મળવાપાત્ર 9 મિલિયન એકર ફીટની સામે માત્ર 4.71 મિલિયન એકર ફીટ પાણી ફાળવવામાં આવ્યું છે. જેને ધ્યાને લઇ, ગુજરાતમાં પણ નર્મદાનું પાણી બચત કરવાની ફરજ પડી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યારે નર્મદા કમાન્ડ વિસ્તારમાં શિયાળું પાક માટે જે પાણી આપવામાં આવે છે તે તા.15.03.2018 સુધી આપવામાં આવશે. ત્યાર પછી નર્મદા કમાન્ડ વિસ્તારમાં નર્મદાની કેનાલમાં કે અન્ય કોઇ કમાન્ડમાં નર્મદાનું પાણી સિંચાઇ માટે આપવામાં આવશે નહીં. જેથી દરેક ખેડૂતોને વિનંતી કે, ઉનાળુ પાકનું વાવેતર નર્મદા આધારીત કરવું નહી. જે ખેડૂતો પાસે અન્ય વિકલ્પો ઉપલબ્ધ હોય તો તેઓ ઉનાળુ વાવેતર કરી શકશે. અને સમગ્ર રાજ્યમાં પીવાના પાણી આધારીત જુથ યોજનાઓમાં નર્મદાનું પાણી યથાવત રીતે ચાલુ રાખવામાં આવશે. જેની ખેડૂતો અને નાગરીકોએ નોંધ લેવા નિગમ દ્વારા વિનંતી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp