સંતાનના જન્મના ત્રીજા દિવસે GPSCએ ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા જણાવ્યુ, કોર્ટે...

PC: economictimes.indiatimes.com

ગુજરાત હાઇ કોર્ટમાં રાધિકા પવારે એડવોકેટ બ્રિજેશ રામાનુજના માધ્યમથી અરજી દાખલ કરી હતી, જેની સૂનાવણી જજ નિખિલ કેરિઅલની કોર્ટમાં ચાલી હતી. અરજીકર્તાએ વર્ષ 2020માં GPSC દ્વારા GMDCમાં આવેલા ફાઇનાન્સ અને અકાઉન્ટ વિભાગની આસિસ્ટન્ટ મેનેજર પોસ્ટ વર્ગ-2 માટેની ભરતી માટે અરજી કરી હતી, જેનું પરિણામ 8 ડિસેમ્બર 2023ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં અરજીકર્તા પાસ થઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે તે, પરીક્ષાનું 3 વર્ષ બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

1 અને 2 જાન્યુઆરી 2024ના રોજ ઇન્ટરવ્યૂ ગાંધીનગરમાં ગોઠવવામાં આવ્યું હતું, જે અરજીકર્તાના રહેઠાણથી 300 કિમી દૂર છે. અરજીકર્તા એક મહિલા છે, જે કચ્છના ગાંધીધામમાં રહે છે અને તે ગર્ભવતી હતી. તેની પ્રસૂતિનો સમય જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં આપવામાં આવ્યો હતો, જેથી અરજીકર્તાએ GPSCને E-mailના માધ્યમથી પોતાની પરિસ્થિતિની જાણકારી આપીને તેનું ઇન્ટરવ્યૂ પાછળથી લેવા કે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માગ કરી હતી. જો કે GPSCએ આ અંગે ઇનકાર કરીને તેને 2 જાન્યુઆરીએ જ ઇન્ટરવ્યૂ સ્થળે હાજર રહેવા કહેવામાં આવ્યું હતું.

અરજીકર્તાએ 31 ડિસેમ્બર 2023ના રોજ બાળકને જન્મ આપ્યો હતો. અરજીકર્તા બાળકના જન્મના ત્રીજા જ દિવસે ઇન્ટરવ્યૂ આપવા જઈ શકે એવી સ્થિતિમાં નહોતી, પરંતુ GPSCએ અરજીકર્તાને વધારે સમય આપ્યો નહોતો. કોર્ટે ઓર્ડર આપતા કહ્યું હતું કે GPSCએ જાતીય અસંવેદનશીલતા દેખાડી છે. મહિલા બાળકને જન્મ આપ્યાના ત્રીજા દિવસે ઇન્ટરવ્યૂ આપવા નહીં જઈ શકે. GPSCએ અરજીકર્તાની અરજી ધ્યાનમાં રાખવા જેવી હતી. જો નિયમોમાં જોગવાઈ હોય તો અરજીકર્તાનું ઓનલાઈન ઇન્ટરવ્યૂ લઈ શકાય તેમ હતું. આ અંગે વધુ સૂનાવણી 19 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે, ત્યાં સુધી ગુજરાત હાઇ કોર્ટે GMDCને SEBC કેટેગરીમાં આ ભરતી ઉપરની એક જગ્યા ખાલી રાખવા જણાવ્યું છે.

અન્ય એક કેસમાં અરજીકર્તા નૂતનબેન ધાંધલિયાએ આવા જ સંદર્ભની એક અરજી એડવોકેટ સંદીપ પટેલના માધ્યમથી ત હાઇ કોર્ટમાં દાખલ કરી હતી, જે જજ નિખિલ કેરિઅલની કોર્ટમાં રજૂ થઈ હતી. અરજી મુજબ અરજીકર્તાએ 23 જુલાઈ 2023ના રોજ પ્રાઈમરી જિલ્લા શિક્ષક તરીકે ડોક્યૂમેન્ટ વેરિફિકેશન કરાવવાનું હતું, પરંતુ તે અંતરિયાળ વિસ્તારમાં રહે છે, જ્યાં ટ્રાન્સપોર્ટ પણ સરળતાથી ઉપલબ્ધ નથી. એવા સમયે ત્યાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેથી અરજીકર્તા ડોક્યૂમેન્ટ વેરિફિકેશન માટે પહોંચી શકી નહોતી. બીજા દિવસે અરજીકર્તા ડોક્યૂમેન્ટ વેરિફિકેશન માટે પહોંચી હતી અને તેણે હાઇ કોર્ટમાં પૂરની તસવીરો પણ રજૂ કરી હતી.

સરકારી વકીલનું કહેવું હતું કે આવી અરજીઓને એન્ટરટેઇન કરવાથી આવી અરજીઓ માટે કોર્ટના દ્વાર ખૂલી જશે. જોકે કોર્ટે કહ્યું હતું કે, આ અસામાન્ય પરિસ્થિતિઓનો કેસ છે. નિયમો માણસો માટે હોય છે, વસ્તુઓ માટે નહીં. પહેલા કેસમાં મહિલા ગર્ભવતી હતી તો શું તે ઇન્ટરવ્યૂ આપવા આવીને GPSC ભવનમાં પ્રસૂતિ આપશે? જ્યારે બીજા કેસમાં કોર્ટે જો ખાલી જગ્યા હોય તો સરકારને અરજીકર્તાની અરજી ધ્યાને લેવા જણાવ્યું હતું. આ કેસમાં વધુ સૂનાવણી 19 ફેબ્રુઆરીનો રોજ હાથ ધરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp