ગુજરાત કોંગ્રેસની જાહેરાત, અમારી સરકાર બને તો ખેડૂતોનું દેવું માફ અને...

PC: abplive.com

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓ પોતાના મફતના પટારા ખોલી રહ્યા છે. ગુજરાતમાં દરેક પાર્ટીને સરકાર બનાવવી છે અને એના માટે મતદારોને મફતની છુટા હાથે લ્હાણી કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની દરેક મુલાકાતમાં ગેરંટી આપી રહ્યા છે. વીજળી માફ, મહિલાઓને ભથ્થા, વેપારીઓ પર નો રેડ, વગેરે વગેર. કદાચ કોંગ્રેસને એમ લાગ્યું હશે કે અમે પણ કેમ પાછળ રહી જઇએ. એટલે ગુજરાત કોંગ્રેસે પણ જાહેરાત કરી છે કે જો ગુજરાતમાં અમારી સરકાર બનશે તો ખેડુતોનું દેવું માફ કરી દેવામાં આવશે અને 10 કલાક વીજળી મફતમાં આપવામાં આવશે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કોંગ્રેસે મતદારોને રિઝવવા માટે સંકલ્પ પત્રની જાહેરાત કરી હતી. કોંગ્રેસના આગેવાનોએ પોતાના ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરતા જણાવ્યું કે, જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોને દિવસે 10 કલાક વીજળી ફ્રીમાં આપવામાં આવશે. સાથે જ ખેડૂતોના 3 લાખ રુપિયા સુધીના દેવા માફ કરવામાં આવશે. આ સિવાય જમીનની પુનઃમાપણી પણ કરવામાં આવશે.

પોતાના સંકલ્પ પત્રને લઈ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને ભરતસિંહ સોલંકી સહિતના કેટલાંક નેતાઓએ પત્રકાર પરિષદ યોજી હતી અને જણાવ્યું હતું કે, છેલ્લાં 27 વર્ષથી રાજ્યમાં ભાજપનું શાસન છે. ભાજપે 27 વર્ષના શાસનાં ખેડૂતોના પાક વીમા સહિતના કેટલાંક હક્કો ઝૂંટવ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષે ગુજરાતને ખેતી ક્ષેત્રમાં દેશનું અવ્વલ નંબરનું રાજ્ય બનાવવા માટે ખેડૂતલક્ષી અભિગમ રાખીને તેમના માટેના મુદ્દાઓના કાર્યક્રમની જાહેરાત કરી હતી.

ગુજરાત ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે, જો ગુજરાતમાં તેમની સરકાર બનશે તો ખેડૂતોના 3 લાખ રુપિયા સુધીના દેવા માફ કરવામાં આવશે. આ સિવાય ખેડૂતોને દિવસે 10 કલાક વીજળી ફ્રીમાં આપવામાં આવશે. કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવેલા ખેડૂતો માટેના 11 મુદ્દાઓનો સંકલ્પ પત્ર દેશના પંજાબ, કર્ણાટક, છત્તીસગઢ, રાજસ્થાન જેવા કેટલાંક રાજ્યો અમલ કરી ચૂક્યા છે.

ગુજરાત કોંગ્રેસના દેવા માફીના જાહેરાત પર આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતુ કે કોંગ્રેસને ખબર છે કે ગુજરાતમાં તેમની સરકાર બનવાની નથી તો વચનો આપવામાં શું વાંધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp