ગુજરાત હાઈકોર્ટઃ રાજ્યમાં કલેક્ટર અને પોલીસ કમિશ્નર પોતાને ભગવાન સમજે છે, તેઓ...

PC: indiatimes.com

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારના ઓફિસરોના વર્તન પર કડક ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે પોલીસકર્મીઓ સામે ફરિયાદ દાખલ કરવા માટે બહાર પાડેલા હેલ્પલાઇન નંબરના પ્રચારની રીત પર અસંતોષ વ્યક્ત કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે સુનાવણી સમયે કહ્યું કે, જિલ્લાધિકારી(કલેક્ટર) અને પોલીસ કમિશ્નર(સીપી) જેવા અધિકારીઓ ભગવાનની જેમ વ્યવહાર કરે છે. તેઓ સામાન્ય નાગરિકોની પહોંચથી બહાર છે. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને ન્યાયમૂર્તિ અનિરુદ્ધ પી મયીની બેંચે સરકારને આદેશ આપ્યો કે તેમની સરકાર દ્વારા સ્થાપિત ફરિયાદ કક્ષ અને હેલ્પલાઇન નંબર વિશે તેઓ નાગરિકોને સ્પષ્ટ રીતે જાણ કરે.

ચીફ જસ્ટિસે કહ્યું, આ હકીકત છે

કોર્ટ એક ઘટનાની ખબર પર આધારિત PIL પર સુનાવણી કરી રહી હતી. જ્યાં ટ્રાફિક પોલીસોએ અમદાવાદ શહેરમાં મોડી રાતે મુસાફરી કરી રહેલા એક કપલ પાસેથી કથિતપણે પૈસા વસૂલ કર્યા હતા. ચીફ જસ્ટિસ અગ્રવાલે કહ્યું કે, શું તમે આશા રાખો છો કે એક સામાન્ય નાગરિક તમારી ઓફિસની સામે ઊભો રહેશે? તેમને ફરિયાદ કક્ષમાં આવવાની પરવાનગી કોણ આપશે? તમારા કલેક્ટર અને કમિશ્નર ભગવાનની જેમ, રાજાની જેમ વ્યવહાર કરે છે. અમને કશું પણ કહેવા માટે ઉશ્કેરો નહીં. આ જમીની હકીકત છે.

ગુજરાત હાઈકોર્ટે પહેલા અમદાવાદ પોલીસ અધીક્ષકને દોષી પોલીસકર્મીઓ કે અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરવા નાગરિકો માટે એક હેલ્પલાઇન નંબર અને ફરિયાદ કક્ષ સ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો.

કોર્ટે કહ્યું હતું કે, કોઇપણ વ્યક્તિને ખબર હોવી જોઇએ કે ગ્રીવેંસ સેલથી કઇ રીતે સંપર્ક કરવાનો છે અને કોને સંપર્ક કરવાનો છે. ઓગસ્ટમાં બહાર આવેલી એક રિપોર્ટ અનુસાર, બે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલે અને એક ટ્રાફિક બ્રિગેડના જવાને એક કપલ જે વિદેશમાં વેકેશન માણ્યા પછી પોતાના એક વર્ષના દીકરા સાથે અમદાવાદ એરપોર્ટથી કેબ કરીને પોતાના ઘરે જઇ રહ્યા હતા, ત્યારે તેમને મોડી રાતે નિયમોનું ઉલ્લંઘન કરી બહાર ફરવા પર તેમને કાયદાકીય કાર્યવાહીની ધમકી આપી હતી.

ટ્રાફિક કોન્સ્ટેબલોમાંથી એકે કથિત પણે તેમને છોડવા માટે 2 લાખ રૂપિયાની માગ કરી, પણ અંતે 60 હજાર રૂપિયાએ માન્યા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તે પોલીસકર્મી કથિતપણે પતિને ATMમાં લઇ ગયા અને રોકડ કાઢવા મજબૂર કર્યા, જ્યારે તેનો સાથી મહિલા અને બાળક સાથે કેબમાં બેસી રહ્યો. હાઈકોર્ટે આ ખબરને સંજ્ઞાનમાં લીધી અને આ મુદ્દા પર જનહિત અરજી શરૂ કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp