PM મોદીથી CRને મોટા બતાવતા હોર્ડિંગ મૂળ કોંગ્રેસીએ ઉતાર્યા, ભાજપીઓને ફરક ન પડ્યો

PC: Khabarchhe.com

મૂળ કોંગ્રેસી એવા ઉધનાના ધારાસભ્ય મનુ પટેલે હોર્ડિંગ દૂર કરી કહ્યું ભૂલ કરી દીધી હતી

જોકે, મૂળ ભાજપી લિંબાયતના સંગીતા પાટિલ અને ચોર્યાસીના સંદીપ દેસાઇને કોઇ ફરક ન પડ્યો

સુરત. દિવાળી શુભેચ્છાના હોર્ડિંગમાં માત્ર કેન્દ્રીય મંત્રી સી.આર.પાટિલને જ સ્થાન આપનાર ઉધનાના ધારાસભ્ય અને મૂળ કોંગ્રેસી એવા મનુ પટેલ ફોગવાએ તો ભૂલ સ્વીકારીને હોર્ડિંગ દૂર કરી દીધા. રાતો રાત તે જગ્યાએ જાહેરાતના કે અન્ય હોર્ડિંગ આવી ગયા. જોકે, મૂળ ભાજપી એવા લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટિલ અને ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઇને કોઇ ફરક પડ્યો ન હતો.

સુરત લિંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતા પાટિલ અને ઉધના વિસ્તારના ધારાસભ્ય મનુ પટેલ એવા નેતાઓ છે જેમણે દિવાળી શુભેચ્છાના મસમોટા હોર્ડિગ્સમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પણ દૂર કરી દીધા હતા. તેમના હોર્ડિંગ્સ પર માત્રને માત્ર કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલના ફોટા હતા. સંગીતાબેને પાટિલે ભારતીય જનતા પાર્ટીનું નામ પણ લખ્યું ન હતું. તેને બદલે પાર્ટીનું નિશાન કમળ લગાવ્યું છે તો મનુ પટેલે તો પાર્ટીનું નામ સુદ્ધાં દૂર કરી દીધું હતું.

સુરતના ચોર્યાસી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય સંદીપ દેસાઇએ દિવાળી શુભેચ્છાના હોર્ડિંગ્સ પોતાના આદમકદ ફોટા સાથે તેનાથી પણ મોટા ફોટો કેન્દ્રીય મંત્રી સી.આર. પાટિલનો ફોટો લગાવ્યા હતા.

આ અહેવાલ Khabarchhe.com પર પ્રકાશિત થવાની સાથે જ દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ગરમાટો આવી ગયો હતો. સંદીપ દેસાઇ અંગે તો ચર્ચા શરૂ થઇ જ હતી. બીજા કેટલાક આવા નેતાઓ અંગે પણ વિવાદ ઊભો થયો હતો. ખુદ ભાજપના નેતાઓ તેમના સોશિયલ મીડિયા ગ્રુપોમાં લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતાબેન પાટિલ અને ઉધના વિસ્તારના ધારાસભ્ય મનુ પટેલ ફોગવાના ઠેર ઠેર લાગેલા પોસ્ટર્સના ફોટો શેર કરવા લાગ્યા હતા. જોકે, વિવાદ ઊભો થયા પછી મનુ પટેલે હોર્ડિંગ દૂર કરાવી દીધા હતા.

જ્યારે આ અંગે અમે મનુ પટેલ ફોગવાને પૂછ્યું તો તેમણે કહ્યું કે તેમના માણસોએ ભૂલ કરી દીધી હતી. તેમને તે સુધારી લીધી છે. વિવાદાસ્પદ હોર્ડિંગ દૂર કરી દીધા છે.

ઉલ્લેખનીય છે કે મનુ પટેલને સોમવારે જ્યારે હોર્ડિંગ વિશે પૂછાયું તો તેમણે કહ્યું હતું કે તેમને ખબર જ નથી કે કયા હોર્ડિંગ લાગ્યા છે.

-લિંબાયત ધારાસભ્ય સંગીતા પાટિલ

સુરત લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટિલે તેમના મત વિસ્તારમાં લગાવેલા હોર્ડિંગમાં દિવાળીની શુભેચ્છાઓ અપાઇ છે. તેમાં સી.આર. પાટિલના ફોટા સાથે પોતાનો ફોટો લગાવ્યો છે. તેમાં માત્ર કમળ છે. ભારતીય જનતા પાર્ટીનું નામ પણ નથી. વિવાદ ઊભો થયા પછી પણ જાણે કંઇ બન્યું ન હોય તે રીતે સંગીતાબેને હોર્ડિંગમાં કોઇ ફેરફાર કરવાની જરૂર લાગી ન હતી.

સંદીપ દેસાઇના હોર્ડિંગ્સમાં પણ કોઇ ફેરફાર ન થયો

સંદીપ દેસાઇ દ્વારા લગાવાયેલા હોર્ડિંગમાં દેખાય પણ નહીં તે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઇ પટેલ અને તેમની સાથે ફરીથી સી.આર. પાટિલનો ફોટો લગાવ્યો હતો. આ અંગે સંદીપ દેસાઇની નજીકના સૂત્રોએ કહ્યું હતું કે તેમણે પાર્ટીના પ્રોટોકોલ મુજબ જ હોર્ડિંગ્સ લગાવ્યા છે.

આમ, દિવાળી ટાણે સુરતના સી.આર. પાટિલ જૂથના ગણાતા 3 ધારાસભ્યો સંદીપ દેસાઇ, સંગીતા પાટિલ અને મનુ પટેલ ફોગવાએ કેન્દ્રીય મંત્રીને ફિક્સમાં મૂકી દીધા હતા. સૂત્રો જણાવે છે કે સી.આર. પાટિલ ભલે કેટલા પણ પાવરફૂલ નેતા બની ગયા હોય પરંતુ તેઓ ક્યારેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નીચું દેખાય એવું એક પણ કામ કરતા નથી. તેઓ સતત એ વાતનું ખ્યાલ રાખતા હોય છે. આ ઘટનામાં પણ તેમણે ધારાસભ્યોનું ધ્યાન દોર્યું હોય તેમ લાગે છે પરંતુ 3માંથી 1 જ ધારાસભ્યે હોર્ડિંગમાં સુધારા કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp