પ્રામાણિકતા: ઘરેણા વેચી 4 લાખ લીધેલા રસ્તામાં પડી ગયા,લેસના વેપારીએ પાછા આપ્યા

PC: divyabhaskar.co.in

પોતાના સપનાનું ઘર ખરીદવા માટે સુરતના એક વેપારીએ ઘરેણાં વેચીને 4 લાખ રૂપિયા લીધા હતા, પરંતુ બાઇક પર જતી વખતે રસ્તામાં 4 લાખ ક્યાંય પડી ગયા હતા. દંપતિને જ્યારે ખબર પડી ત્યારે હોંશ ઉડી ગયા હતા, પરંતુ દુનિયામાં હજુ પ્રમાણિકતી જીવતી છે અને હજુ પણ પ્રમાણિક લોકો વસે છે તેનો દાખલો સામે આવ્યો હતો. એક લેસના વેપારીને રસ્તામાં પડેલા એ 4 લાખ રૂપિયા મળ્યા હતા, જે તેમણે દંપતિની પાછા આપી દીધા હતા. પૈસા પાછા મળવાની આશા ગુમાવી બેઠેલા દંપતિને રૂપિયા પરત મળતા આંખો ખુશીથી છલકાઇ ઉઠી હતી.

જાણવા મળેલી વિગત મુજબ વરાછાની છાયા સોસાયટીમા રહેતા અશોકભાઇ મુંજાણી તેમના પત્નીએ ઝવેરીની દુકાને ઘરેણાં મુકીને 4.70 લાખ રૂપિયા મેળવ્યા હતા. આ રૂપિયાથી દંપતિ પોતાનું નવું ઘર ખરીદવા માંગતા હતા. બાઇક પર ઘરે પરત ફરતી વખતે 4 લાખ રૂપિયાની રકમ મહાલક્ષ્મી સોસાયટી પાસે પડી ગઇ હતી. અશોકભાઇ અને તેમના પત્નીને જ્યારે ખબર પડી કે રૂપિયા રસ્તામાં ક્યાં પડી ગયા છે ત્યારે તેમના ચહેરાનું નૂર ઉડી હતું. આટલી મોટી રકમ હવે કોણ પાછી આપે? એવું તેઓ વિચારતા હતા.

મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતા મુકેશભાઇ તાલવિયા ત્યાંથી પસાર થતા હતા ત્યારે તેમની નજર નોટોના બંડલ પર પડી હતી. તેમણે મનમાં જરાયે લાલચ લાવ્યા વગર આજુબાજુના લોકોને કહ્યું છે કે જો કોઇ રોકડ રકમ શોધવા આવે તો મારો આ મોબાઇલ નંબર આપી દેજો. મુકેશભાઇએ રસ્તા પર લગભગ પંદરેક મિનિટ ઉભા રહીને રાહ જોઇ કે કોઇ રૂપિયા લેવા આવે છે? પરંતુ કોઇ ન આવ્યું એટલે તેઓ ઘરે ચાલ્યા ગયા હતા.

સફેદ શર્ટમાં પ્રમાણિક મુકેશભાઇ, ચશ્મા વાળા અશોક મુંજાણી

થોડીવારમાં અશોક મુંજાણી અને તેમના પત્ની હાંફડા ફાંફડા મહાલક્ષ્મી સોસાયટી પાસે પહોંચ્યા ત્યારે એક મહિલાએ કહ્યું કે તમારા રૂપિયા મુકેશભાઇ તલાવિયા પાસે છે. આ સાંભળીને મુંજાણી દંપતિના જીવમાં જીવ આવી ગયો હતો.

મુકેશભાઇએ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની હાજરીમાં અશોક મુંજાલને 4 લાખ રૂપિયા પરત કર્યા હતા, ત્યારે અશોક મુંજાણીની પત્નીની આંખોમાંથી આંસૂ સરી પડ્યા હતા. મુકેશભાઇની પ્રમાણિકતાના લોકોએ વખાણ કર્યા હતા. મુકેશભાઇએ કહ્યું કે, કોઇના આત્માને દુખી કરીને આ રૂપિયા મને ખુશી નહીં આપતે એટલે મેં રૂપિયા પરત કરવાનું નક્કી કરી દીધું હતું.

અશોકભાઇ મુંજાણીએ કહ્યું કે, બાઇકની ડીકીમાં રૂપિયા મુકવાને બદલે મેં પ્લાસ્ટીકની કોથળીમાં રૂપિયા મુકીને બાઇકના હેન્ડલ પર લટકાવી રાખ્યા હતા. કોથળી ફાટી ગઇ અને રૂપિયા રસ્તામાં પડી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp