હાર્દિક પટેલે CM રૂપાણીની મુખ્યમંત્રીની ખુરશી સલામત બનાવી દીધી, જાણો કેવી રીતે?

PC: oneindia.com

મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજીનામું આપશે તેવી અટકળો વચ્ચે પાટીદાર નેતા હાર્દિક પટેલે રાજકોટમાં વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે તેવી જાહેરાત કરી વિજય રૂપાણીને મુખ્યમંત્રી તરીકે હટાવવાની સંભવિત સ્થિતિ ઉપર બ્રેક મારી દીધી છે. હાર્દિક પટેલે કરેલાં નિવેદન બાદ હવે થોડાં સમય માટે કેન્દ્રીય મોવડી મંડળ તત્કાલ કોઈ નિર્ણય કરે તેવી સંભાવના નહીંવત બની ગઈ છે. બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ હાર્દિક પટેલના નિવેદન અંગે પ્રત્યાધાત આપતા જણાવ્યું હતું કે હાર્દિક પાસે માહિતી હોતી નથી. મુખ્યમંત્રી ક્યારેય કેબિનેટમાં રાજીનામું આપતા નથી, મેં રાજીનામું આપ્યું છે તેવી વાત ખોટી છે અને મારું રાજીનામું લેવામાં આવશે તેવી ચર્ચા પણ ભાજપમાં નથી.

રાજકોટ પોલીસમાં હાજરી આપવા આવેલા હાર્દિક પટેલે દાવા સાથે કહ્યું કે વિજય રૂપાણીએ કેબિનેટમાં રાજીનામું આપી દીધું છે. જોકે હાર્દિક પટેલના આ નિવેદનને કારણે માહોલ ભલે ગરમાયો હોય તો પણ ભાજપે પોતાના આંતરિક અંસંતોષ અથવા લેવામાં આવનાર નિર્ણયો ઉપર ઠંડું પાણી રેડી દીધું છે, કારણ કે હાર્દિકના નિવેદન બાદ જો ભાજપ કોઈ પણ નિર્ણય કરે તો હાર્દિક સાચો પડે, તે ભાજપના નાના મોટા કોઈ નેતાને પસંદ ના હોય તે સ્વભાવિક છે. આમ, હાર્દિકે નિવેદન કરી રૂપાણીની મુખ્યમંત્રીની ખુરશી બચાવી લીધી છે.

ખાનગીમાં વિજય રૂપાણી અને નીતિન પટેલ વચ્ચે ખટરાગ હોવા છતાં હાર્દિકના નિવેદન બાદ નીતિન પટેલ પણ રૂપાણીના સમર્થનમાં મેદાનમાં ઊતરી આવ્યા છે. તેમણે પણ વિજય રૂપાણીના રાજીનામાની વાતને અફવા ગણાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp