રેશમા પટેલ બાદ ચિરાગ પટેલે કહ્યું મારી માગ પૂરી નહીં થશે તો હું ભાજપ છોડી દઈશ

PC: youtube.com

પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદાર સમાજના શહીદ થયેલા યુવકોના પરિવારજનોને સરકાર દ્વારા નોકરી આપવાની વાત કરવામાં આવી હતી. ત્યારે આ વાતને ભાજપના સભ્ય ચિરાગ પટેલ દ્વારા એક કલાકના ધરણા કરવામાં આવ્યા હતા. આ ધરણા પહેલા એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે, હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો છે એટલે શહીદ શ્વેતાંગના પરીવારજનો દ્બારા ધરણા કરવામાં આવશે. પરંતુ મીડિયાના પ્રતિનિધિઓ જ્યારે ધરણા સ્થળ પર પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું હતું કે, ધરણા ભાજપમાં જોડાયેલા ચિરાગ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને આ ધરણા હાર્દિકના વિરોધમાં નહીં પણ પાટીદાર શહીદોના પરીવારના સભ્યોને વહેલી તકે નોકરી આપવાની માગને લઇને કરવામાં આવી રહ્યા છે.

આ બાબતે ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, અમે જે લોકોએ પાટીદાર અનામત આંદોલનમાં સાથે કામ કર્યું હતું, તે લોકો એક કલાકના ધરણા પર બેઠાં છીએ અને આ ધરણામાં શહીદ યુવકના પરિવારજનોને આમંત્રણ આપવામાં આવ્યુ હતું. ત્યારે તેમની સાથે અમારી ચર્ચા થઇ હતી કે, તમારા પરિવારના સભ્યની અર્ધ સરકારી નોકરીની અમે સરકારમાં રજૂઆત કરી છે અને એના માટે સરકાર પોઝીટીવ છે. આવનારા એકાદ મહિના સામાજિક સંસ્થાઓ અને અમારા પ્રયત્નોથી 100% પોઝીટીવ પરિણામ મળશે.

ચિરાગ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, નોકરીની વાત પર અમારા જે કંઈ પણ પ્રયત્નો ચાલે છે, તેનું પરિણામ આજે મળવા જઈ રહ્યું છે એટલે આના નામે રાજનીતિ થવી ન જોઈએ. જેના કારણે હું મીડિયાના માધ્યમથી કહેવા માંગું છું કે, એક મહિનાની અંદર શહીદોના પરિવારના સભ્યને નોકરી નહીં મળે તો ચિરાગ પટેલ ભાજપમાંથી રાજીનામું આપી દેશે.

હાર્દિક પટેલ પર આક્ષેપો કરતા ચિરાગ પટેલે જણાવ્યું હતુ કે, જે સમયે આંદોલન ચાલતું હતું ત્યારે સરકારે EBC આપી હતી, ત્યારે તેઓ એમ કહેતા હતા કે, સરકાર અનામત આપશે તો સરકારની સાથે રહીને કામ કરીશું ત્યારે આજે સરકારે 10% અનામત આપી દીધું છે તો તમે કોંગ્રેસમાં જોડાઓ છો એટલે એ લોકો સમાજના કામ કરવાના બદલે માત્ર રાજનીતિ કરવા માટે જ નીકળ્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp