અમદાવાદમાં દુકાનદારે ગ્રાહક પાસેથી 30 રૂપિયા વધારે લીધા, પછી ચૂકવવા પડ્યા આટલા

PC: dnaindia.com

વસ્તુની છાપેલી કિંમત કરતા દુકાનદાર વધારે પૈસાની વસૂલાત કરે તો તે ગુનો ગણાય અને આવા કિસ્સામાં ગ્રાહક દુકાનદાર સામે ફરિયાદ કરે તો દુકાનદાર સામે કાર્યવાહી પણ થાય છે. ત્યારે અમદાવાદમાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ગ્રોસરી સ્ટોરના સંચાલક દ્વારા વસ્તુની છાપેલી કિંમત કરતા 30 રૂપિયા ગ્રાહક પાસેથી વધારે લેવામાં આવતા ગ્રાહક દ્વારા આ મામલે લડત આપવામાં આવી હતી. ગ્રાહકની લડતના કારણે ગ્રોસરી સ્ટોરના સંચાલકને 30 રૂપિયાની સામે 2540 રૂપિયા ગ્રાહકને ચૂકવવાનો વારો આવ્યો..મહત્વની વાત છે કે, ગ્રાહક દ્વારા આ મામલે કન્ઝ્યુમર કોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને ચુકાદો ગ્રાહકની તરફેણમાં આવતા દુકાનદારે ગ્રાહકને વ્યાજ સહિત વળતર પરત આપવું પડ્યું.

રિપોર્ટ અનુસાર અમદાવાદના જગતપુર વિસ્તારમાં રહેતા એડવોકેટ હેમકલાએ તેમના વિસ્તારમાં આવેલી હિન્દ પ્રોવિઝન સ્ટોર્સમાંથી અજમાની ખરીદી કરી હતી. હિન્દ પ્રોવિઝન સ્ટોરના સંચાલક દ્વારા એડવોકેટ પાસેથી 30 રૂપિયા વધારે લેવામાં આવ્યા હતા. તેથી આ મામલે એડવોકેટે અમદાવાદ કન્ઝ્યુમર કોર્ટમાં અરજી કરી હતી અને આ અરજીની સુનાવણી દરમિયાન ચુકાદો એડવોકેટના તરફેણમાં આવ્યો હતો અને કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો કે, દુકાનદાર દ્વારા 1 હજાર રૂપિયાના કાયદાકીય ખર્ચ, 1500 રૂપિયા માનસિક ત્રાસ અને દુકાનદારે લીધેલા 30 રૂપિયાને 10 રૂપિયાના વ્યાજ સાથે ચૂકવવામાં આવે. 30 રૂપિયા વધારે લેવાના ચક્કરમાં દુકાનદારને 2540 રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો.

મહત્વની વાત છે કે, એડવોકેટ દ્વારા કન્ઝ્યુમર કોર્ટમાં જે દાવો કરવામાં આવ્યો હતો તેમાં તેમને કોર્ટની સામે અજમાની ખરીદી કરી હતી તેનું બિલ પણ મૂક્યું હતું. આ ઉપરાંત અજમાનું પેકેટ પણ રજૂ કર્યું હતું અને અજમાના પેકેટમાં છાપવામાં આવેલી MRPથી સાબિત થયું હતું કે હિન્દી પ્રોવિઝન સ્ટોરના સંચાલક દ્વારા મહિલા એડવોકેટ પાસેથી 30 રૂપિયા વધારે લેવામાં આવ્યા હતા અને પુરાવાના આધારે કોર્ટે નોંધ્યું છે કે, MRPથી વધારે ભાવ દુકાનદાર દ્વારા લેવામાં આવ્યો છે તેથી 30 રૂપિયા મહિલા એડવોકેટ મેળવવાપાત્ર છે.

અમદાવાદનો કિસ્સો એવા લોકો માટે દાખલારૂપ છે કે જેઓ કોઈ દુકાનદાર દ્વારા છેતરાયા હોય. કારણ કે જો વ્યક્તિ કન્ઝ્યુમર કોર્ટમાં પુરાવા સાથે કન્ઝ્યુમર કોર્ટમાં તેની સાથે છેતરપિંડી કરી હોવાની અથવા તો વધારે પૈસા લીધા હોવાની ફરિયાદ કરે તો કોર્ટ દ્વારા પુરાવાના આધારે ગ્રાહકના હિતમાં નિર્ણય આપવામાં આવે છે અને આવા કિસ્સા ભૂતકાળમાં પણ સામે આવી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp