પત્ની ભાઈને તેની જાણ બહાર આર્થિક મદદ કરતી હતી, પતિએ સાળા પર કરી દીધો હુમલો
રાજ્યમાં ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. જાણે અસામાજિક તત્ત્વોની પોલીસનો કે, કાયદાનો કોઈ ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સુરતમાં વધુ એક હત્યાના પ્રયાસની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પતિએ પત્ની પર જીવલેણ હુમલો કર્યો હતો. કારણ માત્ર એટલું જ હતું કે, મહિલા તેના ભાઈને આર્થિક મદદ કરતી હતી અને પતિને સાળો પસંદ ન હોવાથી તે તેની સાથે બોલતો નહોતો. છતાં પણ પત્ની ભાઈને મદદ કરતી હોવાના કારણે પતિએ રોષે ભરાઈને પત્ની પર હુમલો કરીને તેનું ગળું કાપી નાંખ્યું હતું. તેથી પાડોશીએ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી. ત્યારબાદ સમગ્ર મામલે પોલીસે મહિલાના પતિની સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
રિપોર્ટ અનુસાર સુરતમાં ડુમસ રોડ પર આવેલા મગદલ્લા ગામના આવેલા સુમન શ્વેત એપાર્ટમેન્ટમાં સુરેશ તેની પત્ની સાવિત્રી એક દીકરી અને એક દીકરા સાથે રહેતો હતો. સુરેશ ટેક્સટાઈલ કંપનીના એક યુનિટમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. સુરેશને નવાગામ વિસ્તારમાં આવેલા ઉમિયાનગર-1માં મકાન હતું અને તેને વર્ષ 2016માં પોતાનું મકાન વેંચી નાંખ્યું હતું. આ મકાનની કિંમત તેને 25 લાખ રૂપિયા મળી હતી. મકાન વેંચવાના કારણે સુરેશ પાસે પૈસા આવ્યા હોવાની જાણ સાવિત્રીના ભાઈને થતા તેને બનેવી સુરેશની પાસેથી 10 લાખ રૂપિયાની માગણી કરી હતી. પત્નીનો ભાઈ હોવાના કારણે સુરેશે સાળાને પૈસા આપ્યા હતા. પણ જ્યારે સુરેશે જ્યારે સાળાની પાસેથી પૈસાની માગણી કરી ત્યારે તે સુરેશને પૈસા આપતો નહોતો. જેથી આ વાતને લઇને સુરેશ અને સાવિત્રીને ઝઘડાઓ થતા હતા.
પૈસા પરત ન આપતા સુરેશે સાળાની સાથેના સંબંધને કાપી નાંખ્યા હતા. પણ સાવિત્રી ભાઈને આર્થિક મદદ કરતી હતી. આ વાતને લઇને ઘટનાના દિવસે પણ સુરેશ અને પત્ની સાવિત્રીની વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં રોષે ભરાઈને સુરેશે તેની પત્નીના ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી અને ત્યારબાદ તે ભાગી ગયો હતો. આ ઘટનાની જાણ થતા આસપાસના સ્થાનિક લોકો સાવિત્રીને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યારબાદ સમગ્ર ઘટનાના જાણ લોકોએ પોલીસને કરતા ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીએ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે સમગ્ર મામલે સુરેશ સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp