ગુજરાતના આ શહેરમાં શહીદ જવાનના પરિવારના સભ્યને મહાનગરપાલિકામાં મળશે કાયમી નોકરી

PC: thirdeyetoday.com

વડોદરાનો રહેવાસી અને દેશની રક્ષા કરતો કોઈ પણ જવાન શહીદ થશે, તો તે શહીદ જવાનના પરિવારના સભ્યોને ત્રણ મહિનાના સમયમાં જ મહાનગરપાલિકામાં કાયમી નોકરી આપવામાં આવશે. આવી જાહેરાત વડોદરાના શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિજય શાહ દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમ દરમિયાન કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, આ બાબતે મેયર કેયુર રોકડિયા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે કે, આ પ્રકારનો નિર્ણય રાજ્યની તમામ મનપામાં લાગુ કરવામાં આવે. કેયુર રોકડિયા દ્વારા લેવાયેલા આ નિર્ણયને લઇને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ જાહેરાત બાદ હવે વડોદરા શહેર ઉપરાંત અન્ય બે શહીદ જવાનોના પરિવારના એક-એક સભ્યને વડોદરા મહાનગરપાલિકામાં કાયમી નોકરી આપવામાં આવશે.

રિપોર્ટ અનુસાર, વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલા મનુ ટાવરમાં ભાજપ કાર્યાલયમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેર ભાજપના પ્રમુખ ડૉક્ટર વિજય શાહ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓએ હાજર રહીને ધ્વજવંદન કર્યુ હતું.

ધ્વજવંદનના કાર્યક્રમમાં વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિજય શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મેયર કેયુર રોકડિયાએ રાજ્ય સરકારને પત્ર લખ્યો છે અને આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, વડોદરા મહાનગરપાલિકામાં શહીદ પરિવારના એક સભ્યને કાયમી નોકરી આપવામાં આવશે. આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવી જ રીતે આ મોડલ સમગ્ર રાજ્યમાં લાગૂ કરવામાં આવે તેવી આશા.

ડૉક્ટર વિજય શાહે વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે તે અંતર્ગત હવે વડોદરા શહેરનો કોઈ પણ જવાન દેશની સરહદ પર દેશની રક્ષા કરતા શહીદ થશે તો આ વીર જવાનના પરિવારના સભ્યોને 90 દિવસના સમયગાળાની અંદર જ વડોદરા મહાનગરપાલિકામાં તેના પરિવારના એક સભ્યને તેના અભ્યાસને ધ્યાનમાં લઈને કાયમી નોકરી આપવામાં આવશે.

વડોદરા મહાનગરપાલિકાના શહીદ જવાનના પરિવારના સભ્યને નોકરી આપવાનો નિર્ણય લેવામાં આવતા વર્ષ 2011માં શહીદ થયેલા જવાન દિપક પવારના પત્નીને પણ કાયમી નોકરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વડોદરામાં ભાજપ દ્વારા યોજવામાં આવેલા ધ્વજવંદનના કાર્યક્રમમાં વડોદારના મેયર કેયુર રોકડિયા, સાંસદ રંજન ભટ્ટ, રાજ્ય સરકારના મંત્રી પ્રદીપ પરમાર સહિત ભાજપના કાર્યકર્તા અને ભાજપના કોર્પોરેટર હાજર રહ્યા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp